'આ મારો છેલ્લો વનડે વર્લ્ડ કપ', વિરાટ કોહલીએ ક્રિકેટ કારકિર્દી અંગે કરી મોટી જાહેરાત
Virat Kohli : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી શરૂ થવા જઈ રહી છે. આ પહેલાં વિરાટ કોહલીએ પોતાના ભવિષ્ય અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેણે જણાવ્યું હતું કે આવતા વર્ષનો વર્લ્ડ કપ તેની છેલ્લી ટુર્નામેન્ટ હશે.
Virat Kohli : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણી 27 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. તમામ ખેલાડીઓ નેટ્સમાં સખત મહેનત કરી રહ્યા છે. ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ વિરાટ કોહલી પ્રથમ વખત મેદાન પર રમતો જોવા મળશે અને ચાહકો તેની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શ્રેણી પહેલાં વિરાટે એક મોટી જાહેરાત કરી છે. તેણે કહ્યું કે આવતા વર્ષનો વન-ડે વર્લ્ડ કપ તેની છેલ્લી ટુર્નામેન્ટ હશે. કોહલીએ એ પણ સ્પષ્ટ કર્યું કે વર્લ્ડ કપ જીતવા માટે તે પોતાનું સર્વસ્વ આપી દેશે.
વિરાટ કોહલીનું મોટું નિવેદન
વિરાટ કોહલીએ 'જિયો હોટસ્ટાર' પર ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓ અને કેપ્ટન શુભમન ગિલ વિશે વાત કરી. તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે તે 2027ના વનડે વર્લ્ડ કપ માટે ઉપલબ્ધ રહેશે. તેણે કહ્યું કે, મારા માટે ભારત તરફથી રમતા આ છેલ્લો વર્લ્ડ કપ છે. તે જ મારી પ્રેરણાનો સ્ત્રોત છે. હું મેદાન પર મારું સર્વસ્વ આપવા માંગુ છું. હું કોઈપણ ભોગે વર્લ્ડ કપ જીતવા માંગુ છું, તે જ મારું લક્ષ્ય છે. તે હાંસલ કરવા માટે હું જે કંઈ પણ કરવું પડશે તે કરીશ. આ કોહલીનો પાંચમો વન-ડે વર્લ્ડ કપ હશે. તેણે પોતાની કારકિર્દી દરમિયાન બે વર્લ્ડ કપ ફાઈનલ રમી છે.
કોહલીએ શુભમન ગિલના વખાણ કર્યા
શુભમન ગિલ ટીમ ઈન્ડિયાનો વનડે કેપ્ટન છે. ગિલની કેપ્ટનશીપ વિશે વાત કરતા કોહલીએ કહ્યું કે, ગિલ હાલમાં કેપ્ટનશીપની બારીકાઈઓ શીખી રહ્યો છે, તે આ ભૂમિકા માટે તદ્દન નવો છે. શુભમન પાસે ટીમનું નેતૃત્વ કરવાની યોગ્ય માનસિકતા અને જુસ્સો છે. મેદાન પર તેની યોજનાઓ હંમેશા સ્પષ્ટ હોય છે. તે ભારતીય ક્રિકેટને સફળતાપૂર્વક આગળ લઈ જશે. મને વિશ્વાસ છે કે તે લાંબા સમય સુધી કેપ્ટનશીપ કરશે અને તેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. તે હંમેશા મેદાન પર કંઈક અલગ કરવાનો વિચાર કરે છે, જે તેને અન્ય કરતા અલગ પાડે છે.
વર્લ્ડ કપમાં કોહલીનો રેકોર્ડ
વિરાટ કોહલીએ વનડે વર્લ્ડ કપમાં ઘણા રન બનાવ્યા છે અને તેનો રેકોર્ડ પ્રભાવશાળી રહ્યો છે. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં તે બીજા ક્રમે છે. તેણે 37 ઇનિંગ્સમાં કુલ 1,795 રન બનાવ્યા છે. તેના નામે પાંચ સદી અને 12 અડધી સદી છે. સચિન તેંડુલકર 44 ઇનિંગ્સમાં 2,278 રન સાથે આ યાદીમાં મોખરે છે. વિરાટ આવતા વર્ષે યોજાનારા વર્લ્ડ કપમાં 2,000 રનનો આંકડો પાર કરી શકે છે.