કોની નજર લાગી ટીમ ઈન્ડિયાને? 334 રનના ટાર્ગેટ સામે માત્ર 89 રનમાં ઓલઆઉટ, ન્યૂઝીલેન્ડે 244 રને આપી ધોબીપછાડ
મેટ હેનરીએ 6 વિકેટ લઈને ટીમ ઈન્ડિયાની કમર તોડી નાખતા ચોથી વનડેમાં ન્યૂઝીલેન્ડે ભારતને 244 રને હરાવ્યું. 334 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે આખી ટીમ 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચોની વનડે સિરીઝની ચોથી મેચ શુક્રવારે 13 નવેમ્બરે માઉન્ટ માઉંગાનુઈના બે ઓવલમાં રમાઈ. આ મેચમાં ન્યૂઝિલેન્ડે 244 રને જીત મેળવી. મેચમાં પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયા સામે જીત માટે 334 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. જેનો પીછો કરતા ટીમ ઈન્ડિયા 26.4 ઓવરમાં માત્ર 89 રને સમેટાઈ ગઈ.
વનડે ઈન્ટરનેશનલમાં બીજી મોટી હાર
રનની રીતે જોઈએ તો ભારતની આ વનડે ઈન્ટરનેશનલમાં બીજી સૌથી મોટી હાર છે. અત્રે જણાવવાનું કે 1999માં કોકા કોલા ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફાઈનલમાં શ્રીલંકાએ ભારતને 245 રનથી હરાવ્યું હતું. આ રેકોર્ડ જો કે તૂટતો રહી ગયો. ન્યૂઝીલન્ડની જીતનો હીરો મેટ હેનરી રહ્યો. જેણે 9.4 ઓવરમાં 27 રન આપીને 6 વિકેટ ઝડપી.
ભારત 2 મેચ જીતીને આગળ
સિરીઝમાં ભારતે ઓકલેન્ડ અને વેલિંગ્ટન વનડેમાં જીત મેળવી હતી જ્યારે હેમિલ્ટનમાં નિર્ધારિત મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. હવે ન્યૂઝીલેન્ડે ચોથી વનડે મેચ જીતીને સિરીઝમાં વાપસી કરી છે. અંતિમ મેચ 15 નવેમ્બરે આ જ મેદાન પર રમાશે. આમ હજુ પણ ટીમ ઈન્ડિયા સિરીઝમાં 2-1થી આગળ છે.
ન્યૂઝીલેન્ડે મૂક્યો હતો 334 રનનો ટાર્ગેટ
ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 333 રન કર્યા. કીવી ટીમની શરૂઆત એકદમ શાનદાર રહી હતી. ટીમ સીફર્ટ અને વિલ યંગે પહેલી વિકેટ માટે 85 રન જોડ્યા. ગુરનૂર બરારે આ ભાગીદારી તોડી અને સીફ્ટને આઉટ કર્યો. જો કે વિલ યંગ રમતમાં દમદાર પ્રદર્શન કરતો જોવા મળ્યો. આ મેચમાં તેણે 108 બોલમાં 125 રન કર્યા. જ્યારે ટીમ સીફર્ટે 58 રન અને ફીન એલને 41 રન કર્યા. ભારત તરફથી અક્ષર પટેલ, અકીબ નબી અને ગુરનૂર બરારે 2 વિકેટ લીધી.
ટીમ ઈન્ડિયા 89 રનમાં ઓલઆઉટ
334 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા માટે શરૂઆત જ ખુબ ખરાબ રહી હતી. પહેલી ઓવરમાં જ રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેપ્ટન શ્રેયસ ઐય્યરની વિકેટ હેનરીએ લઈ લીધી. ત્યારબાદ ઋતુરાજ ગાયકવાડ પણ કઈ કરી શક્યો નહીં. પછી તો એક પછી એક વિકેટ પડતી રહી અને ટીમ 26.4 ઓવરમાં 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી ઈશાન કિશને સૌથી વધુ 27 રન, નમન ધીરે 21 રન અને અક્ષર પટેલે પણ 21 રન કર્યા હતા. જ્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ ઐય્યર શૂન્યમાં પેવેલિયન ભેગા થઈ ગયા હતા.