IPL 2027 પહેલા મોટા સમાચાર, 10 વર્ષ બાદ આ દિગ્ગજની મુંબઈ ઈન્ડિયન્સમાંથી વિદાય
Mahela Jayawardene : IPL 2027 એક મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સ હેડ કોચ મહેલા જયવર્ધને રાજીનામું આપી દીધું છે. તેમના 10 વર્ષના કાર્યકાળમાં મુંબઈ ઈન્ડિયન્સે 3 IPL ખિતાબ જીત્યા હતા.
Mahela Jayawardene : IPL 2027 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન મહેલા જયવર્દને મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચ તરીકેની પોતાની ભૂમિકામાંથી રાજીનામું આપી દીધું છે. 17 ઓક્ટોબરના રોજ જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં મુંબઈ ઈન્ડિયન્સે આ વાતની પુષ્ટિ કરી છે. જયવર્દનેના નેતૃત્વ હેઠળ, ટીમે ત્રણ વખત IPLનું ટાઇટલ જીત્યું હતું, જે તેમને ફ્રેન્ચાઇઝીના ઇતિહાસના સૌથી સફળ કોચમાંના એક બનાવે છે.
લગભગ એક દાયકા સુધી ટીમ સાથે જોડાયેલા રહ્યા
મુંબઈ ઈન્ડિયન્સ સાથે મહેલા જયવર્દનેનો સંબંધ લગભગ એક દાયકા સુધી રહ્યો. તેમણે સૌપ્રથમ 2017માં હેડ કોચ તરીકેની જવાબદારી સંભાળી હતી અને 2022 સુધી આ પદ પર રહ્યા હતા. ત્યારબાદ 2024માં તેમણે ફરીથી આ જવાબદારી સંભાળી અને 2026 સુધી ટીમ સાથે જોડાયેલા રહ્યા. તેમના કાર્યકાળ દરમિયાન શિસ્ત, ટીમ વર્ક અને ખેલાડીઓ વચ્ચે ઉત્તમ તાલમેલ કેળવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
યુવરાજ સિંહ બાદ વધુ એક દિગ્ગજની IPLમાં એન્ટ્રી, દિલ્હી કેપિટલ્સની બદલાઈ જશે કિસ્મત!
મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા મુકેશ અંબાણીએ મહેલા જયવર્દનેના યોગદાનની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું હતું કે તેમનું શાંત નેતૃત્વ, પ્રામાણિકતા અને રમત પ્રત્યેનું સમર્પણ ફ્રેન્ચાઇઝી માટે અમૂલ્ય રહ્યું છે. તેમણે કહ્યું કે, મહેલાએ વર્ષો દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અમે તેમના નેતૃત્વ અને પ્રતિબદ્ધતા માટે આભારી છીએ. અમે સાથે વિતાવેલી સફર અને બનાવેલી યાદોને હંમેશા સંભાળી રાખીશું. મહેલા હંમેશા અમારી વન ફેમિલીનો હિસ્સો બની રહેશે.
મહેલા જયવર્દને ભાવુક થયા
પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્દને ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તેમણે મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને ચાહકોનો આભાર માન્યો. તેમણે પોતાની સફરના એક મહત્વપૂર્ણ હિસ્સા તરીકે નીતા અંબાણી અને આકાશ અંબાણીના વિશ્વાસ, સમર્થન અને મિત્રતાનો પણ ઉલ્લેખ કર્યો.
મહેલા જયવર્દને જણાવ્યું કે તેમણે આ ફ્રેન્ચાઈઝી સાથે ઘણી યાદગાર ક્ષણો વિતાવી છે, પડકારોનો સામનો કર્યો છે અને એવા સીમાચિહ્નો હાંસલ કર્યા છે જેના પર દરેકને ગર્વ થઈ શકે. ટીમને ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવતા તેમણે કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સ હંમેશા તેમના હૃદયમાં એક ખાસ સ્થાન રહેશે.