નાની ઉંમરે મોટું કારનામું! 17 વર્ષીય ભારતીય ક્રિકેટરે ઓસ્ટ્રેલિયા સામે બેવડી સદી ફટકારી રચ્યો ઈતિહાસ
Lakshya Raichandani : ઓસ્ટ્રેલિયા અંડર-19 સામેની પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં 17 વર્ષીય બેટ્સમેન લક્ષ્ય રાયચંદાનીએ ઈતિહાસ રચ્યો છે. બેવડી સદી ફટકારીને રાયચંદાનીએ યુથ ટેસ્ટમાં નવો રેકોર્ડ બનાવ્યો છે.
Lakshya Raichandani : ભારત અંડર-19 અને ઓસ્ટ્રેલિયા અંડર-19 વચ્ચેની પ્રથમ અનઓફિશિયલ ટેસ્ટ મેચ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને એક ઇનિંગ્સ અને 48 રનથી કારમી હાર આપી હતી. ભારતની જીતના હીરો 17 વર્ષીય બેટ્સમેન લક્ષ્ય રાયચંદાની હતો, જેની આક્રમક બેટિંગે સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. રાયચંદાનીએ શાનદાર બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો.
આક્રમક બેટિંગનું પ્રદર્શન કરતા રાયચંદાનીએ 281 બોલમાં 240 રનની શાનદાર અણનમ ઇનિંગ્સ રમી હતી. આ શાનદાર ઇનિંગ્સના જોરે ભારતીય ટીમે પ્રથમ ઇનિંગ્સમાં 494 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો અને ઓસ્ટ્રેલિયા પર 277 રનની મજબૂત સરસાઈ મેળવી હતી. જવાબમાં, ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 229 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
લક્ષ્ય રાયચંદાનીએ બેવડી સદી ફટકારીને રચ્યો ઈતિહાસ
ભારત માટે ઓપનિંગ કરતા લક્ષ્ય રાયચંદાનીએ ઓસ્ટ્રેલિયન બોલરોની ધુલાઈ કરી અને બેવડી સદી ફટકારી. આ શાનદાર બેવડી સદી સાથે તેણે યુથ ટેસ્ટ ક્રિકેટમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. રાયચંદાની યુથ ટેસ્ટ મેચોમાં બે બેવડી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. અગાઉ શ્રીલંકાના પ્રવાસ દરમિયાન ગાલેમાં તેણે 207 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેણે કોલંબોમાં પણ સદી ફટકારી હતી. હવે ઓસ્ટ્રેલિયા સામે અણનમ 210 રન બનાવીને તેણે ઈતિહાસના પાનાઓમાં પોતાનું નામ અંકિત કર્યું છે.
પ્રથમ ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયા 217 રનમાં ઓલઆઉટ
આ મેચમાં ઓસ્ટ્રેલિયા અંડર-19એ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, આ નિર્ણય કારગત ન નીવડ્યો અને ટીમ પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 217 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઓસ્ટ્રેલિયા માટે બ્લેક કેટલે સૌથી વધુ 102 રન બનાવ્યા હતા. બીજી તરફ, ભારત માટે સ્પિનર ઈશાન ઓમે શાનદાર પ્રદર્શન કરતા 5 વિકેટ ઝડપી હતી, જ્યારે મોહિત ઉલ્વાએ 3 વિકેટ લીધી હતી. ત્યારબાદ, ટીમ ઈન્ડિયાને પોતાની ઇનિંગ્સની શરૂઆતમાં જ ઝટકો લાગ્યો હતો. ઓપનિંગ બેટ્સમેન સાગર વિર્ક માત્ર 11 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જોકે, રાયચંદાનીએ એક છેડે મક્કમતાથી બેટિંગ ચાલુ રાખી હતી.
બીજી તરફ ભારતીય વિકેટો પડતી રહી હોવા છતાં તે સંયમ જાળવીને ઓસ્ટ્રેલિયન બોલરો સામે લડતો રહ્યો. રાયચંદાનીએ 281 બોલમાં 24 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 240 રનની શાનદાર અણનમ ઇનિંગ્સ રમી હતી. તેણે ત્રીજી વિકેટ માટે કેપ્ટન યશવર્ધન ચૌહાણ સાથે 124 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. બાદમાં રાયચંદાનીએ મોહિત ઉલ્વા સાથે મળીને નવમી વિકેટ માટે અણનમ 137 રન જોડ્યા હતા. ઉલ્વા 58 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 494 રનનો વિશાળ સ્કોર ખડક્યો અને 277 રનની મજબૂત સરસાઈ મેળવી લીધી.
યશવર્ધન ચૌહાણે 6 વિકેટ ઝડપી ઓસ્ટ્રેલિયાની કમર તોડી નાખી
278 રનના ટાર્ગેટનો પીછો કરી રહેલી ઓસ્ટ્રેલિયાની બેટિંગ બીજી ઇનિંગ્સમાં પણ ડગમગી ગઈ હતી અને સમગ્ર ટીમ માત્ર 229 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા માટે બ્લેક માવાશીએ 123 રનની ઇનિંગ્સ સાથે સદી ફટકારી હતી, પરંતુ તેનો પ્રયાસ ટીમને જીત અપાવી શક્યો નહીં. એક છેડે વિકેટો પડતી રહી અને આઠ ખેલાડીઓ તો બે આંકડાના સ્કોર સુધી પણ પહોંચી શક્યા નહીં. ભારત માટે કેપ્ટન યશવર્ધન ચૌહાણે ઘાતક બોલિંગ કરતા 6 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાનો કોઈ પણ બેટ્સમેન ચૌહાણની બોલિંગ સામે ટકી શક્યો નહીં અને ભારતે આ મેચ એક ઇનિંગ્સ અને 48 રનથી જીતી લીધી.