SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

શેફાલી વર્મા સામે ICCની કાર્યવાહી, ઝિમ્બાબ્વે સામેની મેચમાં કરેલી આ ભૂલ પડી ગઈ ભારે!

Shafali Verma : ઝિમ્બાબ્વે સામેની બીજી T20 મેચ દરમિયાન ICC આચારસંહિતાનો ભંગ કરવા બદલ ભારતીય મહિલા ક્રિકેટર શેફાલી વર્માને સત્તાવાર રીતે ઠપકો આપવામાં આવ્યો છે અને આ સાથે એક ડીમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે.

Written By Dilip Chaudhary
Published: Oct 20, 2026, 06:05 PM IST | Updated: Oct 20, 2026, 06:08 PM IST
Join

Shafali Verma : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્મેન શેફાલી વર્માને ઝિમ્બાબ્વે સામેની બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ICC આચાર સંહિતાના ભંગ બદલ સત્તાવાર રીતે ઠપકો આપવામાં આવ્યો છે. તેના શિસ્તબદ્ધ રેકોર્ડમાં એક ડીમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. આ ઘટના 18 ઓક્ટોબરે રાયપુરમાં રમાયેલી મેચ દરમિયાન બની હતી.

ICCના જણાવ્યા અનુસાર, શેફાલીએ ખેલાડીઓ અને ખેલાડી સહાયક કર્મચારીઓ માટેની આચાર સંહિતાના લેવલ-1નું ઉલ્લંઘન કર્યું હતું. તેની સામે કલમ 2.2 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો, જે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન મેદાન પર ક્રિકેટના સાધનો, કપડાં કે અન્ય વસ્તુઓના દુરુપયોગ સાથે સંબંધિત છે.

ન્યૂઝીલેન્ડમાં પહેલીવાર વન-ડે રમશે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડી, લિસ્ટમાં એક સ્ટાર ખેલાડીનું નામ પણ સામેલ

કેચ છોડ્યા બાદ ગુસ્સામાં બોલ ફેંક્યો

આ ઘટના પ્રથમ ઇનિંગની 12મી ઓવરમાં બની હતી, જ્યારે ભારત બોલિંગ કરી રહ્યું હતું. શ્રી ચારણીની બોલિંગમાં મિડ-ઓફ પર શેફાલી વર્માએ એક કેચ છોડ્યો હતો. તે સમયે ચિપો મુગેરી-તિરિપાનો બેટિંગ કરી રહી હતી. આનાથી નિરાશ થઈને શેફાલીએ ગુસ્સામાં બોલ જમીન પર ફેંક્યો હતો.

આ વર્તણૂકને આચાર સંહિતાનો ભંગ ગણવામાં આવ્યો. શેફાલીએ પોતાનો ગુનો સ્વીકારી લીધો અને ICC ઇન્ટરનેશનલ પેનલ ઓફ મેચ રેફરીઝના જી.એસ. લક્ષ્મી દ્વારા સૂચવવામાં આવેલી સજાનો સ્વીકાર કર્યો. તેથી, કોઈ ઔપચારિક સુનાવણીની જરૂર પડી નહીં. છેલ્લા 24 મહિનામાં આ તેનો પ્રથમ આવો ભંગ હતો.

ક્યારે પ્રતિબંધ લાગી શકે

ICCના નિયમો અનુસાર, જો કોઈ ખેલાડી 24 મહિનાના સમયગાળામાં ચાર કે તેથી વધુ ડીમેરિટ પોઈન્ટ્સ મેળવે છે, તો તેને સસ્પેન્શન પોઈન્ટ્સમાં રૂપાંતરિત કરવામાં આવે છે. બે સસ્પેન્શન પોઈન્ટ્સનો અર્થ છે કે ખેલાડી પર એક ટેસ્ટ, બે વન-ડે અથવા બે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી પ્રતિબંધ લાગી શકે છે. જે પણ પહેલા આવે તે મુજબ. ડીમેરિટ પોઈન્ટ્સ ખેલાડીના શિસ્તબદ્ધ રેકોર્ડમાં 24 મહિના સુધી રહે છે, ત્યારબાદ તેને દૂર કરવામાં આવે છે.

ભારતે શ્રેણી જીતી

રાયપુરમાં રમાયેલી બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં શેફાલીએ બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે માત્ર 25 બોલમાં 55 રનની તોફાની ઇનિંગ રમી હતી અને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રથમ T20માં કઠિન પડકારનો સામનો કર્યા બાદ ભારતીય ટીમે બીજી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું.

પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેની ટીમે 8  વિકેટે માત્ર 102 રન જ બનાવ્યા હતા. તેના જવાબમાં ભારતીય ટીમે 9મી ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો અને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી. બંને ટીમો વચ્ચે શ્રેણીની ત્રીજી T20 મેચ 20 ઓક્ટોબરે એટલે કે આજે રાયપુરમાં રમાશે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES