Test Cricket : ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ન્યૂઝીલેન્ડની ધરતી પર એક એવી સિદ્ધિ હાંસલ કરી છે, જે દરેક ભારતીય ક્રિકેટ ચાહક માટે ગર્વની ક્ષણ છે. વેલિંગ્ટનના બેસિન રિઝર્વમાં રમાઈ રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય બેટ્સમેનોએ ન્યૂઝીલેન્ડના બોલિંગ આક્રમણ સામે પ્રભુત્વ જમાવ્યું હતું.
ત્રીજા દિવસની રમત પૂરી થતાં સુધીમાં ભારતે તેની પ્રથમ ઇનિંગ્સમાં 4 વિકેટે 486 રન બનાવી લીધા હતા. જોકે, આ સ્કોર કરતાં પણ વધુ મહત્વની બાબત એ છે કે ભારતીય બેટ્સમેનોએ એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. એક એવી સિદ્ધિ જે ભારતની 94 વર્ષની ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં અગાઉ ક્યારેય જોવા મળી નહોતી.
1932માં ભારતે તેની પ્રથમ ટેસ્ટ મેચ રમી ત્યારથી લઈને અત્યાર સુધીના 94 વર્ષમાં વિદેશી ધરતી પર રમાયેલી કોઈ પણ ટેસ્ટ મેચની એક ઇનિંગ્સમાં ભારતના ટોપ 5 બેટ્સમેનોમાંથી બધાએ 50 કે તેથી વધુ રન બનાવ્યા હોય તેવું ક્યારેય બન્યું નહોતું. પરંતુ હવે, ભારતીય બેટ્સમેનોએ ઇતિહાસ બદલી નાખ્યો છે.
વેલિંગ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં ટોપ 5 બેટ્સમેનો કે.એલ. રાહુલ, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિક્કલ, શુભમન ગિલ અને રિષભ પંતે 50થી વધુ રન બનાવ્યા છે. ભારતની 94 વર્ષની ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં વિદેશી ધરતી પર આવું પરાક્રમ પ્રથમ વખત થયું છે.
ભારત માટે ઇનિંગ્સની શરૂઆત કરતા યશસ્વી જયસ્વાલ અને કે.એલ. રાહુલે પ્રથમ વિકેટ માટે શાનદાર ભાગીદારી નોંધાવી હતી. જયસ્વાલે 85 રનની ઇનિંગ્સ રમી, જ્યારે રાહુલે 136 રન ફટકાર્યા. જયસ્વાલ આઉટ થયા બાદ, ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા દેવદત્ત પડિક્કલે પણ ન્યૂઝીલેન્ડના બોલરોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. તેણે 175 બોલમાં 80 રન બનાવ્યા. દરમિયાન, ચોથા ક્રમે બેટિંગ કરવા આવેલા કેપ્ટન શુભમન ગિલે 98 રનની શાનદાર ઇનિંગ રમી. તે માત્ર બે રનથી સદી ચૂકી ગયો.
ત્રીજા દિવસના અંતિમ સત્રમાં રિષભ પંતે પણ પોતાની અડધી સદી પૂરી કરી. આક્રમક અંદાજમાં રમતા પંત 62 બોલમાં 55 રન બનાવીને અણનમ રહ્યો. આ સાથે ભારતના ટોપ 5 બેટ્સમેનોએ ન્યૂઝીલેન્ડના બોલરોને સંપૂર્ણપણે દબાણમાં લાવી દીધા. ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં ભારતનો સ્કોર 4 વિકેટે 486 રન હતો, જેનાથી ભારતને ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ઇનિંગમાં 118 રનની સરસાઈ મળી.
આ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં સદી ફટકારીને કે.એલ. રાહુલ સુનીલ ગાવસ્કર અને સુરિન્દર અમરનાથ પછી ત્રીજો એવો ભારતીય ક્રિકેટર બન્યો છે, જેણે ન્યૂઝીલેન્ડમાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં સદી નોંધાવી હોય. સુનીલ ગાવસ્કર અને સુરિન્દર અમરનાથે 1976માં ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેમણે પ્રથમ ઇનિંગમાં અનુક્રમે 116 અને 124 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિક્કલ અને શુભમન ગિલ કમનસીબ રહ્યા, કારણ કે સદીની નજીક પહોંચ્યા પણ પુરી કરી શક્યા નહીં.