ન્યૂઝીલેન્ડની ધરતી પર 7 વર્ષ બાદ વનડે શ્રેણી જીત્યું ભારત, છેલ્લી મેચમાં 210 રન પણ ના બનાવી શકી કિવી ટીમ
India vs New Zealand : પાંચમી વનડેમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે રોમાંચક જીત મેળવી. ન્યૂઝીલેન્ડ 210 રનનો ટાર્ગેટ પણ ચેઝ ના કરી શક્યું. ભારતે 3-1થી સિરીઝ જીતી લીધી છે. ભારતે ન્યૂઝીલેન્ડની ધરતી પર 7 વર્ષ બાદ વનડે શ્રેણી જીતી છે.
India vs New Zealand : ભારતે ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચોની વન-ડે શ્રેણી 3-1થી જીતી લીધી છે. રવિવારે માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ મેદાન પર રમાયેલી પાંચમી વન-ડેમાં ભારતે 22 રનથી વિજય મેળવ્યો હતો. 210 રનનો ટાર્ગેટ આપ્યા બાદ, ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને ન્યૂઝીલેન્ડની ટીમને 48.1 ઓવરમાં 187 રનમાં ઓલઆઉટ કરી દીધી.
ફાસ્ટ બોલરોએ સાત વિકેટ ઝડપી
અર્શદીપ સિંહે ત્રણ વિકેટ ઝડપી, મોહમ્મદ સિરાજ અને અક્ષર પટેલે બે-બે વિકેટ લીધી, જ્યારે આકિબ નબી, યશ ઠાકુર અને નમન ધીરે એક-એક વિકેટ મેળવી. 10 વિકેટોમાંથી સાત વિકેટ ભારતના ફાસ્ટ બોલરોએ ઝડપી હતી, એટલે કે ભારતીય ફાસ્ટ બોલિંગ આક્રમણે ન્યુઝીલેન્ડની બેટિંગ લાઇનઅપની કમર તોડી નાખી હતી.
ભારતીય ટીમ માત્ર 209 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ માત્ર 209 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જોકે, ભારતીય બોલરોએ મેચનું પાસું પલટી નાખ્યું. ઈશાન કિશન અને અક્ષર પટેલ અડધી સદી ફટકારવામાં ચૂકી ગયા અને બંને 46-46 રન બનાવીને આઉટ થયા. વિરાટ કોહલી અને રોહિત શર્માએ ફરી એકવાર નિરાશ કર્યા. 10મા અને 11મા ક્રમે બેટિંગ કરવા આવેલા મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહે તેમના કરતા પણ વધુ રન બનાવ્યા.
રોહિતે 7 રન અને કોહલીએ 5 રન બનાવ્યા, જ્યારે અર્શદીપ અને સિરાજે 14-14 રનનું યોગદાન આપ્યું. આ જોડીએ છેલ્લી વિકેટ માટે 26 રનની ભાગીદારી નોંધાવી, જેનાથી ભારતીય ટીમ 200 રનનો આંકડો પાર કરી શકી. ન્યૂઝીલેન્ડને જીતવા માટે 210 રનની જરૂર હતી.
ભારતે ન્યૂઝીલેન્ડની ધરતી પર 7 વર્ષ બાદ વનડે શ્રેણી જીતી
ભારતે ન્યૂઝીલેન્ડની ધરતી પર 7 વર્ષ બાદ વનડે શ્રેણી જીતી છે. ન્યુઝીલેન્ડે અગાઉ પોતાની ધરતી પર સતત 11 વન-ડે શ્રેણીઓ જીતી હતી. ભારતીય ટીમે હવે તેમના આ વિજયી સિલસિલાનો અંત આણ્યો છે. ભારતીય ટીમે ઓકલેન્ડ અને વેલિંગ્ટનમાં રમાયેલી શરૂઆતની મેચો જીતી હતી, જ્યારે હેમિલ્ટનમાં રમાયેલી ત્રીજી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ત્યારબાદ ન્યુઝીલેન્ડે બે ઓવલ ખાતે રમાયેલી ચોથી વન-ડેમાં 244 રનથી ભવ્ય જીત મેળવી હતી. અંતિમ મેચ જીતીને ભારતે શ્રેણી 3-1થી પોતાના નામે કરી લીધી છે.