IPL 2027 ઓક્શન પહેલા CSK અને SRH વચ્ચે મોટી ટ્રેડ: 4 ખેલાડીઓની અદલાબદલી
IPL 2027 ના મિની ઓક્શન પહેલા ફ્રેન્ચાઇઝીઓમાં મોટી હલચલ જોવા મળી રહી છે. ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ વચ્ચે ચાર ખેલાડીઓનો ટ્રેડ થયો છે. બે ખેલાડી ચેન્નઈમાંથી હૈદરાબાદમાં ગયા તો બે ખેલાડી હૈદરાબાદમાંથી ચેન્નઈમાં આવ્યા છે.
IPL 2027 મિની ઓક્શન પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ વચ્ચે ખેલાડીઓની અદલા-બદલી થઈ ગઈ છે. હાર્દિક પંડ્યા જેવા મોટા નામોને લઈને ચાલી રહેલી ટ્રેડની અટકળો વચ્ચે ચેન્નઈમાંથી 2 ખેલાડી હૈદરાબાદમાં ગયા છે અને આટલા ખેલાડી SRHમાંથી ચેન્નઈમાં આવ્યા છે. જોકે આ ટ્રેડમાં માત્ર એક ભારતીય ખેલાડી સામેલ છે, જ્યારે બાકીના 3 વિદેશી ખેલાડી છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોન અને જેક એડવર્ડ્સને ચેન્નઈ સુપર કિંગ્સને સોંપી દીધા છે, જ્યારે સીએસકેએ ખલીલ અહમદ અને નાથન એલિસ હૈદરાબાદને આપી દીધા છે. લિવિંગસ્ટોન 6 કરોડમાં ચેન્નઈ સાથે જોડાયો છે, જ્યારે એડવર્ડ્સના 3 કરોડ ચેન્નઈએ ચુકવ્યા છે. તો સનરાઇઝર્સે ખલીલને 4.8 કરોડમાં અને નાથન એલિસને બે કરોડમાં પોતાની સાથે જોડ્યા છે.
લિવિંગસ્ટોનની કિંમતમાં મોટો ઘટાડો
ચેન્નઈ સુપર કિંગ્સે લિયામ લિવિંગસ્ટોન માટે માત્ર 6 કરોડ ચુકવ્યા છે, જ્યારે હૈદરાબાદે તેને 13 કરોડમાં ખરીદ્યો હતો. જોકે જેક એડવર્ડ્સની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. તેને ત્રણ કરોડ રૂપિયા મળશે. કેટલાક અન્ય ટ્રેડ પણ ચેન્નઈ તરફથી આ સિઝનમાં જોવા મળી શકે છે. રોટેન્શનની તારીખ નજીક છે. તેવામાં કેટલાક મોટી હલચલ આઈપીએલ ફ્રેન્ચાઇઝીમાં જોવા મળી શકે છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે ફાસ્ટ બોલર ખલીલ અહમદને તેની વર્તમાન કિંમત INR 4.8 કરોડમાં પોતાની સાથે એટલા માટે જોડ્યો છે, કારણ કે તે આ પહેલા તેની સાથે રમી ચૂક્યો છે. ખલીલ 2018થી 2021 સુધી હૈદરાબાદ તરફથી રમ્યો હતો. ખલીલ 2026મા ઈજાને કારણે માત્ર પાંચ મેચ રમી શક્યો હતો.
આ પણ વાંચોઃ આવી ગયું WPL 2027નું શેડ્યૂલ, RCB અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે પ્રથમ મેચ, આ દિવસે રમાશે ફાઈનલ
એલિસ આવવાથી મજબૂત થશે હૈદરાબાદની બોલિંગ
તો ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર નાથન એલિસ હૈદરાબાદના બોલિંગ ગ્રુપને મજબૂતી આપશે. તેની પાસે ડેથ ઓવરમાં વેરિએશન સાથે બોલિંગ કરવાની કળા છે અને તે અસરકારક પણ છે. તે ટીમના કેપ્ટન પેટ કમિન્સના દેશમાંથી આવે છે, જેથી આ ટ્રેડમાં કમિન્સનો પણ હાથ હોઈ શકે છે.