9 ખેલાડી, એક જ સરનેમ... એશિયન ગેમ્સમાં આ ક્રિકેટ ટીમ બની ચર્ચાનો વિષય
Asian Games 2026 : જાપાનમાં એશિયન ગેમ્સ 2026 ચાલી રહી છે. આઈચી-નાગોયામાં રમાઈ રહેલી આ ઈવેન્ટમાં દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. ત્યારે એક ક્રિકેટ ટીમ ચર્ચાનો વિષય બની છે અને આનું કારણ છે, તે ટીમમાં 9 ખેલાડીઓ એક જ સરનેમના છે. ટીમ જ્યારે મેદાનમાં ઉતરી ત્યારે તેની પ્લેઈંગ-11માં જ 7 ખેલાડીઓ એક જ સરનેમના જ હતા.
Asian Games 2026 : આઈચી-નાગોયા એશિયન ગેમ્સ 2026માં ઓમાનની પુરુષ ક્રિકેટ ટીમને હોંગકોંગ સામે 41 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ મેચના પરિણામ કરતાં તેની પ્લેઈંગ ઈલેવન વધુ ચર્ચાનો વિષય બની હતી. ટીમ જ્યારે મેદાનમાં ઉતરી ત્યારે તેમાં સાત ખેલાડીઓ એવા હતા જેમની સરનેમ સમાન હતી. સમગ્ર ટીમમાં આ સરનેમ ધરાવતા કુલ 9 ખેલાડીઓ છે.
નિશિનના કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં 25 સપ્ટેમ્બરના રોજ રમાયેલી આ મેચમાં, કેપ્ટન સુફિયાન મહમૂદના નેતૃત્વ હેઠળની ઓમાનની પ્લેઈંગ ઈલેવનમાં મોહમ્મદ અલ બલુશી, શોએબ અલ બલુશી, ઝુબેર અલ બલુશી, વાહીદ અલ બલુશી, ઈસા અલ બલુશી, નવીદ અલ બલુશી અને ફારિસ અલ બલુશીનો સમાવેશ થતો હતો. આનો અર્થ એ થયો કે મેદાન પરના અગિયારમાંથી સાત ખેલાડીઓની સરનેમ 'અલ બલુશી' હતી. આ ઉપરાંત ટીમમાં વસીમ અલ બલુશી અને કૈસ અલ બલુશીનો પણ ટીમમાં હોવાથી આ સરનેમ ધરાવતા ખેલાડીઓની કુલ સંખ્યા 9 છે.
ટીમમાં 'અલ બલુશી' ખેલાડીઓનું વર્ચસ્વ
રસપ્રદ વાત એ છે કે ઓમાનની ટીમ માટે બેટિંગની શરૂઆત પણ અલ બલુશી સરનેમ ધરાવતા ખેલાડીઓએ જ કરી હતી. મોહમ્મદ અલ બલુશી, શોએબ અલ બલુશી, ઝુબેર અલ બલુશી અને વાહીદ અલ બલુશીએ અનુક્રમે 1 થી 4 ક્રમ પર બેટિંગ કરી હતી. જોકે, હોંગકોંગના બોલરો સામે તેમાંથી કોઈ પણ મોટી ઇનિંગ્સ રમી શક્યું નહોતું.
શુએબ અલ બલુશીએ 20 રન બનાવ્યા, જ્યારે મોહમ્મદ અલ બલુશીએ 2, ઝુબૈર અલ બલુશીએ 0 અને વહીદ અલ બલુશીએ માત્ર 1 રન બનાવ્યો. સાતમા ક્રમે બેટિંગ કરવા આવેલા ઈસા અલ બલુશીએ 7 રનનું યોગદાન આપ્યું. અલ બલુશી સરનેમ ધરાવતા ત્રણ ખેલાડીઓએ બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું. મોહમ્મદ અલ બલુશી, શુએબ અલ બલુશી અને નવીદ અલ બલુશીએ સંયુક્ત રીતે હોંગકોંગની પાંચ વિકેટ ઝડપી. મોહમ્મદ અલ બલુશી સૌથી સફળ બોલર રહ્યા, જેમણે 17 રન આપીને ત્રણ વિકેટ લીધી.
અલ બલુશી સરનેમનો દબદબો
મોહમ્મદ અલ બલુશીએ આ વર્ષની શરૂઆતમાં ઓમાન માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં છ T20 મેચ રમી છે, જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 81 રન છે. જે તેણે 3 જૂન, 2026ના રોજ બહેરીન સામે નોંધાવ્યો હતો. શુએબ અલ બલુશીએ પણ છ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, 30 વર્ષીય આ ઓલરાઉન્ડરના નામે 117 રન અને ચાર વિકેટ નોંધાયેલી છે.
ઝુબૈર અલ બલુશીએ પણ છ T20 મેચ રમી છે, જ્યારે વહીદ અલ બલુશીએ હોંગકોંગ સામે આંતરરાષ્ટ્રીય પદાર્પણ કર્યું હતું. બીજી તરફ, નવીદ અલ બલુશીએ પાંચ T20 મેચમાં સાત વિકેટ ઝડપી છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 4/22 રહ્યું છે, જે તેણે સિંગાપોર સામેની પોતાની ડેબ્યૂ મેચમાં નોંધાવ્યું હતું. ફારિસ અલ બલુશીએ બે T20 મેચ રમી છે અને 10 રન બનાવ્યા છે.