Vastu Tips: ઘણા લોકો ઘરની અગાસીમાં ગાર્ડન બનાવતા હોય છે. અગાસી પર અલગ અલગ પ્રકારના છોડ ઉગાડવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરની અગાસી પર રાખેલા કેટલાક છોડ ઘરમાં ગરીબી વધારવાનું કામ કરે છે ? વાસ્તુશાસ્ત્રમાં એવા 5 છોડ વિશે જણાવવામાં આવ્યું છે જેને ઘરની અગાસી પર ઉગાડવાથી ઘરની આર્થિક તકલીફો વધી શકે છે. આ છોડ જેમ વધે છે તેમ ઘરમાં નેગેટિવિટી અને ગરીબી પણ વધવા લાગે છે.
જો તમે પણ ઘરની અગાસી પર ગાર્ડન બનાવ્યું હોય કે પછી ગાર્ડન બનાવવાનો વિચાર કરતા હોય તો આ જાણકારી તમારા માટે જ જરૂરી છે. ઘરની અગાસી પર રાખેલા છોડ આર્થિક સ્થિતિ પર અસર કરી શકે છે. એક નાનકડી ભૂલ પણ તમારા ઘરની સુખ, સમૃદ્ધિ પર ખરાબ અસર કરી શકે છે. તો ચાલો તમને પણ જણાવીએ એવા 5 છોડ વિશે જેને ભૂલથી પણ ઘરની અગાસી પર ઉગાડવા નહીં.
ઘરની અગાસી પર પીપળો રાખવો અશુભ ગણાય છે. ઘણીવાર એવું જોવા મળે છે કે ઘરની અગાસી પર કે ઘરની દીવાલોમાંથી જાતે જ પીપળો ઊગી નીકળે. જો આવી રીતે પીપળો નીકળે તો પણ તેને કાઢી નાખવો જોઈએ.
ઘરની અગાસી પર કેક્ટસ એટલે કે જેમાં કાંટા ઉગતા હોય તેવા છોડ પણ લગાવવા નહીં. જે છોડમાં ફૂલને બદલે કાંટા નીકળતા હોય એવા છોડ ઘરમાં રાખવાથી ઘરના લોકોનો સ્ટ્રેસ વધે છે અને ઘરમાં ક્લેશ પણ વધવા લાગે છે. વાસ્તુ અનુસાર કેક્ટસ એટલે કે કાંટાવાળા છોડની નકારાત્મક અસર લોકોના સ્વભાવ પર પડે છે.
ઘણા લોકો અગાસીમાં છાયો થાય તે માટે ઝડપથી વધતી વેલ ઉગાડતા હોય છે. જ્યાં ત્યાં ઝડપથી ફેલાતી વેલ અગાસી પર ઉગાડવાથી પ્રગતિમાં બાધા આવે છે તેવી માન્યતા છે. જો ઘરની અગાસી પર મની વેલ પણ ઉગાડી હોય તો તેને એવી રીતે બાંધવી જોઈએ જેથી તે ઉપરની તરફ વધે.
રબર પ્લાન્ટ ઘરની અંદર રાખવા માટે શુભ છે પરંતુ જો તેને અગાસીમાં રાખો અને તડકાના કારણે આ છોડ સુકાઈ જાય તો તે અશુભ ગણાય છે. તેથી રબર પ્લાન્ટને પણ અગાસીમાં ઉગાડવાની ભૂલ કરવી નહીં.
ઘરમાં બનાવેલા ગાર્ડનમાં લોકો બોન્સાઈ પ્લાન્ટ વાવતા હોય છે. બોન્સાઈ પ્લાન્ટ દેખાવમાં સુંદર લાગે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર બોન્સાઈ ઝાડ પ્રગતિ અટકાવે છે. ઘરની અગાસી પર રાખેલા બોન્સાઈ પ્લાન્ટ ઘરમાં નેગેટિવ એનર્જી વધારે છે અને પ્રગતિ અટકવાનો સંકેત હોય છે. તેથી બોન્સાઈને પણ ઘરની અગાસી પર રાખવા નહીં.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)