Gujarat Weather Update: ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ચૂકી છે, પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, અરબી સમુદ્રમાં સર્જાઈ રહેલી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે.
બીજી તરફ, અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બેવડી ઋતુ અને ગરમીનો અહેસાસ યથાવત્ રહેશે. ત્યારે જાણીએ કે ગુજરાતમાં ક્યારે અને કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમુક ચોક્કસ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ કે ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે.
1/5
ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે?
ગુજરાતમાં થનાર વરસાદની વાત કરીએ તો નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં કેટલાક સ્થળોએ વરસાદી માહોલ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતના બાકીના ભાગો, સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય વિસ્તારો અને દીવમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની આગાહી છે.
2/5
19 ઓક્ટોબરે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા: અરબી સમુદ્રમાં સર્જાયું લો-પ્રેશર
હવામાનની આગાહી મુજબ 19 ઓક્ટોબરે રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે છે. આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં લો-પ્રેશર એરિયા બનવાની શક્યતા છે. જો આ સિસ્ટમ મજબૂત બની ગુજરાત તરફ આગળ વધશે, તો હવામાનમાં વધુ ફેરફાર જોવા મળશે.
3/5
21 ઓક્ટોબર સુધી ભારે વરસાદની શક્યતા
22 અને 23 ઓક્ટોબર દરમિયાન પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. જોકે, હાલના તબક્કે ભારેથી અતિભારે વરસાદની કોઈ આશંકા નથી. સિસ્ટમમાં ફેરફાર થતાં આગાહી બદલાઈ પણ શકે છે. દક્ષિણ દ્વીપકલ્પના વિસ્તારોમાં 21 ઓક્ટોબર સુધી ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. સામાન્ય રીતે આ ચોમાસું ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ભારતમાં વરસાદ લાવે છે.
4/5
દેશમાંથી ચોમાસાની વિદાય અને ઉત્તર-પૂર્વીય ચોમાસાનો પ્રારંભ
ભારતીય હવામાન વિભાગે દેશમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની સંપૂર્ણ વિદાયની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ દક્ષિણ ભારતમાં ઉત્તર-પૂર્વીય ચોમાસું સક્રિય થયું છે. તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, રાયલસીમા, દક્ષિણ આંતરિક કર્ણાટક, કેરળ અને માહેમાં વરસાદી પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે.
5/5
ઉત્તર ભારતમાં હિમવર્ષા અને તાપમાનમાં ઘટાડો
દેશના ઉત્તર ભાગોમાં પણ હવામાનનો મિજાજ બદલાયો છે. જેમાં ઊંચાણવાળા પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ હોવાના કારણે કેટલાક વાહન વ્યવહારના માર્ગો પ્રભાવિત થયા છે. દિલ્હી સહિતના મેદાની વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ પડવાથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને ગુલાબી ઠંડીનો અહેસાસ શરૂ થયો છે.