SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ઝી ન્યૂઝના અહેવાલની અસર: NBCCએ સુધારી ભૂલ, દિલ્હીના સરોજિની નગરના 49 ફ્લેટ્સની હરાજી અંગે જાહેર કર્યું નવું Corrigendum

દિલ્હીના સરોજિની નગર સ્થિત એવન્યુ ટાવર્સના 49 ફ્લેટ્સની હરાજી રદ કરવાના NBCCના નિર્ણય અંગે ઝી ન્યૂઝના અહેવાલ બાદ મોટી અસર જોવા મળી છે. NBCCએ પોતાની ભૂલ સુધારીને નવું Corrigendum જાહેર કર્યું છે. હવે કંપનીએ સ્વીકાર્યું છે કે કેટલીક યુનિટ્સને લઈને મામલો દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને નવા ખરીદદારો પોતાના જોખમે હરાજીમાં ભાગ લે.

Written By Dilip Chaudhary
Published: Nov 18, 2026, 22:17 IST | Updated: Nov 18, 2026, 22:55 IST
Join

દિલ્હીના સરોજિની નગર સ્થિત એવન્યુ ટાવર્સના ફ્લેટ્સની હરાજી રદ કરવાના NBCCના નિર્ણય અંગે ઝી ન્યૂઝના અહેવાલની મોટી અસર થઈ છે. સરકારી કંપની NBCCએ પોતાની ભૂલ સ્વીકારીને તેમાં સુધારો કર્યો છે. અગાઉ ફ્લેટ્સની હરાજી રદ કરવાને લઈને કોર્ટમાં કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી ચાલી રહી હોવાનો ઇનકાર કરનાર NBCCએ હવે નવું Corrigendum (સુધારેલી સૂચના) જાહેર કરીને નવા ખરીદદારોને જાણ કરી છે કે કેટલાક યુનિટ્સને લઈને મામલો દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને નવા ખરીદદારો પોતાના જોખમે હરાજીમાં ભાગ લે.

NBCC દ્વારા જાહેર કરવામાં આવેલી નવી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, "NBCCએ 28 ઓક્ટોબર 2026ના રોજ જાહેર કરવામાં આવેલી સૂચના મારફતે અગાઉની ઈ-હરાજીમાં 49 ફ્લેટ્સની બોલીઓ વહીવટી કારણોસર રદ કરી દીધી હતી.

NBCCની કરવી પડી સ્પષ્ટતા

હવે NBCC સ્પષ્ટ કરી રહ્યું છે કે, આ તમામ 49 ફ્લેટ્સને નવી હરાજીમાં ફરીથી સામેલ કરવામાં આવ્યા છે. આ 49 ફ્લેટ્સમાંથી કેટલાક યુનિટ્સ માટે બોલી લગાવનારા લોકોએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે પોતાની બોલીઓ રદ કરવામાં આવવાને પડકારી છે. આવી સ્થિતિમાં NBCC નવા અરજદારોને ચેતવણી આપે છે કે તેઓ આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને હરાજીમાં ભાગ લે. જો કોઈ નુકસાન કે દાવો થાય છે, તો તેની જવાબદારી NBCC લેશે નહીં.

પહેલા NBCCએ માહિતી છુપાવી હતી

આ પહેલા 6 નવેમ્બરે જ્યારે NBCC દ્વારા આ ફ્લેટ્સની નવેસરથી હરાજી માટે અરજીઓ મંગાવવામાં આવી હતી, ત્યારે NBCCએ નવા ખરીદદારો પાસેથી આ માહિતી છુપાવી હતી. તે સમયે NBCC તરફથી કહેવામાં આવ્યું હતું કે જમીન અથવા મિલકતને લઈને કોર્ટમાં કોઈ કેસ પેન્ડિંગ નથી. જોકે હકીકત એ છે કે તેના બરાબર એક દિવસ પહેલાં, 5 નવેમ્બરે જ કેટલાક લોકોની અરજી પર દિલ્હી હાઈકોર્ટે NBCCને નોટિસ પાઠવીને જવાબ માગ્યો હતો.

NBCC દ્વારા નવી હરાજી અંગે જાહેર કરવામાં આવેલી સૂચનામાં કહેવામાં આવ્યું હતું કે સૌથી ઊંચી બોલી લગાવનારાઓને નવી હરાજીમાં ભાગ લેવાની તક આપવામાં આવશે નહીં. પરંતુ હવે NBCCએ નવું શુદ્ધિપત્ર જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે જેમની બોલીને તેણે સફળ જાહેર કરી હતી, તેમને જ નવી હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવાની તક આપવામાં આવશે નહીં. તેનો અર્થ એ થયો કે સૌથી ઊંચી બોલી લગાવનારા એવા લોકો, જેમણે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, તેમના માટે હવે ફરીથી હરાજીમાં ભાગ લેવાનો માર્ગ ખુલ્લો થઈ ગયો છે.

ઝી ન્યૂઝે ઉઠાવ્યા હતા સવાલો

આ ખરીદદારો દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તેમણે હરાજીમાં સૌથી ઊંચી બોલી લગાવી હતી. આ બોલી NBCC દ્વારા નક્કી કરવામાં આવેલી રિઝર્વ પ્રાઇસ કરતાં પણ વધુ હતી. આમ છતાં તેમની હરાજી રદ કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં, NBCCએ હરાજી રદ કરવા પાછળ કોઈ યોગ્ય કારણ પણ આપ્યું નહોતું. ઝી ન્યૂઝે પોતાના અહેવાલમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાઓમાં આપવામાં આવેલા કાનૂની સિદ્ધાંતોનો હવાલો આપીને આ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા.

જોકે, NBCCના વલણને લઈને હજુ પણ અનેક સવાલો કોર્ટમાં પેન્ડિંગ છે. ખરીદદારો તરફથી સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે જ્યારે મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ હતો, તો પછી નવી હરાજીની પ્રક્રિયા શા માટે શરૂ કરવામાં આવી?

આગામી સુનાવણી 26 નવેમ્બરે થશે

બુધવારે થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં ખરીદદારો તરફથી હાજર રહેલા વકીલે કહ્યું હતું કે આ મામલે જ્યારે હાઈકોર્ટે 5 નવેમ્બરે સુનાવણી કરી હતી, ત્યારે કોર્ટે NBCCને સ્પષ્ટપણે પૂછ્યું હતું કે તેઓ હવે શું કરવા જઈ રહ્યા છે. તે સમયે NBCCએ કોઈ જવાબ આપ્યો નહોતો. પરંતુ સુનાવણીના બીજા જ દિવસે, માત્ર 24 કલાકમાં, તેમણે ફરીથી આ 49 ફ્લેટ્સની હરાજી શરૂ કરી દીધી હતી.

ખરીદદારોએ નવી હરાજીની પ્રક્રિયા પર પણ રોક લગાવવાની માગ કરી હતી. હાઈકોર્ટે પણ NBCCને ચેતવણી આપતાં કહ્યું હતું કે આ મામલાને વધુ બગાડશો નહીં.

NBCC તરફથી હાજર રહેલા વકીલે કોર્ટને જણાવ્યું હતું કે તેઓ અરજદારોના વાંધાઓ અંગે વિસ્તૃત જવાબ દાખલ કરશે. હવે આ મામલે આગામી સુનાવણી 26 નવેમ્બરે થશે. તે દિવસે કોર્ટ નક્કી કરી શકે છે કે NBCC દ્વારા શરૂ કરવામાં આવેલી નવી હરાજીની પ્રક્રિયા પર રોક લગાવવી કે નહીં.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES