શાળાઓ ઓનલાઈન, વર્કફ્રોમનો આદેશ : દિલ્હી-NCRમાં રહેશો તો મોત વહેલું આવશે !
દિલ્હી-NCRમાં પ્રદૂષણનો પ્રકોપ સતત વધી રહ્યો છે....હવાની ગુણવત્તા એટલી હદે કથળી છે કે હવે લોકો માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની રહ્યો છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે GRAP-3 લાગુ કરી દેવામાં આવ્યો છે. રસ્તાઓ પર વાહનોની અવરજવરથી લઈને બાંધકામની કામગીરી સુધી અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. શાળાઓમાં ઓનલાઈન અભ્યાસનો વિકલ્પ અપાયો છે. સરકારી અને ખાનગી કચેરીઓમાં પણ વર્ક ફ્રોમ હોમની સલાહ આપવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે આટલા પ્રતિબંધો છતાં પ્રદૂષણ પર અંકુશ કેમ નથી આવી રહ્યો? પંજાબમાં પરાળી સળગાવવાની ઘટનાઓ અને દિવાળીની ભીડે પણ ચિંતા વધારી છે. આખરે ક્યારે મળશે દિલ્હી-NCRને ઝેરી હવાથી મુક્તિ? જોઈએ આ વિશેષ અહેવાલ.
Delhi pollution : દિલ્હી-NCRમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે. દિલ્હીમાં સરેરાશ AQI 382 નોંધાયો છે એટલે કે હવા અત્યંત ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ છે અને આગામી દિવસોમાં સ્થિતિ વધુ વણસવાની આગાહી કરવામાં આવી રહી છે..
- BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ વાહનો પર પ્રતિબંધ
- બિનજરૂરી બાંધકામ અને તોડફોડની કામગીરી બંધ
- ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં અભ્યાસ
- રાજધાનીમાં સ્ટોન ક્રશર અને ખાણકામ બંધ
- જૂના કોમર્શિયલ વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ
- આંતરરાજ્ય ડીઝલ બસોની અવરજવર પર પ્રતિબંધ
વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા કરો
પ્રદૂષણ પર અંકુશ લગાવવા માટે બિનજરૂરી બાંધકામ અને તોડફોડની કામગીરી પર પણ રોક લગાવવામાં આવી છે. જો કે મેટ્રો, રેલવે, હોસ્પિટલ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા પ્રોજેક્ટને છૂટ આપવામાં આવશે. ધોરણ પાંચ સુધીનાં બાળકો માટે હાઇબ્રિડ અભ્યાસનો વિકલ્પ આપવામાં આવ્યો છે. તો સરકારી અને ખાનગી કચેરીઓને 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરવા અથવા વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા કરવાની સલાહ આપવામાં આવી છે.
- દિલ્હી-NCRમાં શ્વાસ પર સંકટ!
- દિલ્હીની હવામાં ભળ્યું ઝેર !
- વાહનો પર રોક, બાંધકામ પર બ્રેક!
- પંજાબમાં પરાળી સળગાવવાથી ચિંતા વધી!
- પ્રતિબંધો છતાં પ્રદૂષણ પર અંકુશ નહીં!
બીજી તરફ પંજાબના મોગામાં પરાળી સળગાવવાની ઘટનાઓ પણ સામે આવવા લાગી છે. મેહમવાલા ગામ નજીક ખેતરોમાં પરાળી સળગાવવાની ઘટનાને પગલે પ્રદૂષણની ચિંતા વધુ વધી છે. તો બીજી તરફ દિવાળીના તહેવાર પર વતન જવાની દોડધામને કારણે રસ્તાઓ પર વાહનોનું ભારણ પણ વધી રહ્યું છે. ગ્રેટર નોઈડાના ઝીરો પોઇન્ટ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ચાર કલાક રાહ જોયા બાદ પણ બસો મળી રહી નથી. મુસાફરોએ બસ સંચાલકો પર બમણું ભાડું વસૂલવાનો આરોપ લગાવ્યો છે.
વાહનો ઘરમાં રાખો, ચાલતા નીકળો કે જાહેર પરિવહનનો ઉપયોગ કરો
રસ્તાઓ પર ધૂળનું પ્રમાણ ઘટાડવા માટે પાણીનો છંટકાવ અને મશીનોથી સફાઈની કામગીરી વધારવામાં આવી છે. લોકોને ટૂંકા અંતર માટે પગપાળા ચાલવા અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે પરંતુ સૌથી મોટો સવાલ એ જ છે કે GRAPના પ્રતિબંધો વચ્ચે આખરે દિલ્હી-NCRને ઝેરી હવાથી ક્યારે રાહત મળશે?