Rahul Gandhi: પંજાબના સીએમ દિવસે પણ દારુ પીને લોકસભામાં આવતા, રાહુલ ગાંધીએ કર્યો આક્ષેપ
Rahul Gandhi: પંજાબમાં રેલીને સંબોધન કરતી વખતે રાહુલ ગાંધીએ પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે ભગવત માન સવારે 11 વાગ્યે લોકસભામાં આવતા ત્યારે પણ તેના મોઢામાંથી દારુની વાસ આવતી. એટલે કે તેઓ લોકસભામાં પણ દારુ પીને આવતાં
Rahul Gandhi: રાહુલ ગાંધી તેના સંબોધનને લઈને ફરી એક વખત ચર્ચામાં છે. રાહુલ ગાંધીએ બુધવારે પંજાબના સંગરુરમાં ઇન્સાફ રેલી દરમિયાન લોકોને સંબોધિત કર્યા હતા. આ રેલી દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. જેમાં આમ આદમી પાર્ટીના ભગવત માન માટે તો રાહુલ ગાંધીએ એવું પણ કહી દીધું કે તે લોકસભામાં પણ દારૂ પીને આવતા.
પંજાબમાં ઇન્સાફ રેલી
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પોતાના સંબોધનને લઈને સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેમણે પંજાબમાં ઇન્સાફ રેલી દરમિયાન લોકોને સંબોધિત કર્યા હતા. આ સમયે રાહુલ ગાંધીએ લોકોને કહ્યું કે પંજાબની સૌથી મોટી સમસ્યા અને સૌથી મોટો મુદ્દો નશો છે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે પણ તે નશાને રોકવામાં નિષ્ફળ રહી છે. આ સાથે જ રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી ભગવત માન પર ગંભીર આક્ષેપ કર્યા હતા.
ભગવત માનના મોઢામાંથી દિવસે પણ દારૂની વાસ આવતી
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પંજાબના ચીફ મિનિસ્ટર લોકસભામાં તેની પાસે બેસતા અને તેને જોક્સ સંભળાવતા. ભગવત માન સવારે 11:00 વાગે લોકસભામાં આવ્યા હોય ત્યારે પણ તેના મોઢામાંથી દારૂની વાસ આવતી. આ વાત કર્યા પછી રાહુલ ગાંધી એવું પણ કહે છે કે ભગવત માનને દારૂ પીવો હોય તો તે તેમની પર્સનલ ચોઈસ છે પરંતુ જો તમે રાજ્યમાં નશા સામે લડવા માંગો છો અને નશાને ખતમ કરવા માંગો છો તો ચીફ મિનિસ્ટર તરીકે તમે રોજ દારૂ ન પી શકો. રાહુલ ગાંધીએ કહેલી આ વાતને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
રાહુલ ગાંધીએ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારને ઘેરતાં એવું પણ કહ્યું કે પંજાબના લોકોએ ભગવત માન અને આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કર્યો. આમ આદમી પાર્ટી એ રાજ્યને નશામુક્ત કરવાનું કહ્યું હતું પરંતુ પંજાબના કોઈ પણ ખૂણેથી સરકાર નશો હટાવી શકી નથી. હવે પંજાબને એવી સરકારની જરૂર છે જે લોકો માટે કામ કરે. આ તકે રાહુલ ગાંધીએ એવો આક્ષેપ પણ લગાવી દીધો કે પંજાબની હાલની સરકાર અડધી ગૃહ મંત્રી અમિત શાહ ચલાવે છે અને અડધી અરવિંદ કેજરીવાલના હાથમાં છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર પણ પ્રહારો કર્યા હતા.