તમારા નામ પર કોઈ બીજા વાપરે છે સિમ કાર્ડ? 3 વર્ષની જેલ, 50 લાખ રૂપિયાનો થઈ શકે છે દંડ
સરકારે હાલમાં જ સિમ કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યો છે અને એક આઈડીથી તમે વધુમાં વધુ 9 સિમ એક્ટિવ રાખી શકો છે. આ બધા વચ્ચે DoT તરફથી એક ગંભીર ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે જેમાં સજાની પણ જોગવાઈ છે. વિગતો ખાસ જાણો.
ટેક્નોલોજીના જમાનામાં સ્માર્ટફોન હવે જરૂરી બની ગયો છે. ત્યારે સ્માર્ટફોનમાં વપરાતું સિમ કાર્ડ તો તમને ખબર હશે. પરંતુ શું તમને એ ખબર છે કે એક આઈડી પર વધુમાં વધુ કેટલા સિમ કાર્ડ લઈ શકાય? જો નિયમનો ભંગ કર્યો તો શું સજા થઈ શકે. તો તમને જણાવી દઈએ કે તમારા નામનું સિમ કાર્ડ જો બીજું કોઈ વાપરતું હોય તો એકવાર આ માહિતી ખાસ જાણજો.
દૂરચંચાર વિભાગ એટલે કે DoTએ મોબાઈલ યૂઝર્સને SIMના ખોટા ઉપયોગ, ફેક રીતે સિમ ઈશ્યુ કરવા અને IMEI નંબર સાથે છેડછાડ કરવા મુદ્દે ચેતવણી ઉચ્ચારી છે. આવા કેસમાં 3 વર્ષ સુધીની સજા અને 50 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ ચેતેવણી 22 સપ્ટેમ્બર 2026ના રોજ બહાર પાડવામાં આવી છે. વિભાગે લોકોને કહ્યું કે તેઓ સમયાંતરે એ જરૂર ચેક કરે કે તેમના નામ પર કેટલા મોબાઈલ નંબર ચાલુ છે. તેના માટે સરકારના સંચાર સાથી પ્લેટફોર્મનો ઉપયોગ થઈ શકે છે.
સામાન્ય રીતે લોકો વિચારતા હોય છે કે સિમ કાર્ડ તેમના નામ પર છે એટલે તેનો ઉપયોગ પણ તેઓ કરતા હશે. પરંતુ અનેક કિસ્સાઓમાં કોઈ વ્યક્તિની ઓળખનો ઉપયોગ કરીને તેના નામ પર બીજા સિમ કાર્ડ વાપરતા હોય છે. DoTએ હાલમાં જ આવા જ એક કિસ્સાનો ઉલ્લેખ પણ કર્યો છે.
DoTના જણાવ્યાં મુજબ છત્તીસગઢમાં એક પોઈન્ટ ઓફ સેલ એટલે કે PoS એજન્ટે લોકોના ઓળખ પત્રોનો ઉપયોગ કરીને તેમની જાણ બહાર સહમતિ વગર 25 મોબાઈલ કનેક્શન એક્ટિવેટ કરી લીધા. આ મામલો સામે આવ્યા બાદ એ PoS એજન્ટને બ્લેકલિસ્ટ કરાયો. આ 25 નંબરોની તપાસ કરાઈ અને સંદિગ્ધ નંબરોને ફરીથી ચેક કરવા માટે મોકલવામાં આવ્યા. જે નંબરોની યોગ્ય માહિતી ઉપલબ્ધ ન થઈ તેને બંધ કરી દેવાયા.
જેના કારણે હવે DoT લોકોને એ ચેતવણી ઉચ્ચારી રહ્યું છે કે તમારા નામ પર જેટલા મોબાઈલ કનેક્શન હોય તેનું ખાસ ધ્યાન રાખો. ચેક કરતા રહો.
તમારું SIM કોઈને ન આપો
જો તમારા નામ પર કોઈ સિમ કાર્ડ હોય તો તમે તેને કોઈ મિત્ર, સંબંધી કે અન્ય કોઈ વ્યક્તિને ઉપયોગ કરવા માટે આપતા હોવ તો આ મામલો ફક્ત સિમ શેર કરવા પૂરતો સિમિત રહેતો નથી. DoTએ સ્પષ્ટ કહ્યું કે લોકોને પોતાના નામ પર ઈશ્યુ થયેલા SIM આપવા, ટ્રાન્સફર કરવા, વેચવા, ભાડે આપવા કે સાઈબર ફ્રોડ માટે ઉપયોગ થવા દેવા જોઈએ નહીં.
એટલે કે તેનો અર્થ એ થયો કે જો તમારા નામ પર લેવાયેલું સિમ કોઈ અન્ય વ્યક્તિ પાસે હોય તો તેને બંધ કરાવવું કે તમારું નામ તેના પરથી હટાવવું યોગ્ય રહેશે. ખાસ કરીને જ્યારે એ ખબર નહોય કે તે નંબરનો ઉપયોગ કયા કામ માટે થાય છે.
IMEI સાથે પણ છેડછાડ
આ ચેતવણી ફક્ત સિમ કાર્ડ પૂરતી નથી પરંતુ વિભાગે IMEI નંબર સાથે છેડછાડ અંગે પણ ચેતવણી આપી છે. IMEI મોબાઈલની ઓળખ સંબંધિત એક યુનિક નંબર હોય છે. DoTએ લોકોને આવા ડિવાઈસનો ઉપયોગ કરવાથી બચવાની સલાહ આપી છે જેના IMEI બદલી નાખવામાં આવ્યા હોય. વિભાગે કન્ફ્યુગરેબલ SIM બોક્સ અને આવા અન્ય ઉપકરણોને લઈને પણ ચેતવણી આપી છે જેનાથી ટેલિકોમ ઓળખ સંખ્યામાં ફેરફાર કરી શકાતો હોય.
આ ઉપરાંત આવા એપ, વેબસાઈટ, કે બીજા ટુલ ઉપયોગ કરવાથી પણ બચવાની સલાહ આપી છે જે કોલિંગ લાઈન આઈડેન્ટિટી એટલે કે CLI કે અન્ય ટેલિકોમ ઓળખ નંબરમાં ફેરફાર કરે છે.
- કઈ રીતે ભાળ મેળવવી સિમ વિશે
- આ સમગ્ર મામલે સૌથી મહત્વનું છે કે તમારી ઓળખ પર કેટલા સિમ એક્ટિવ છે.
- સરકારની સંચાર સાથી પ્લેટફોર્મ આ સુવિધા આપે છે.
- અહીં યૂઝર પોતાના નામ પર કેટલા સિમ એક્ટિવ છે તેના વિશે જાણી શકે છે.
- કોઈ એવા નંબરની માહિતી મેળવી શકે છે જેને તે ઓળખતો નથી કે જે તેનું સિમ વાપરે તે હવે જરૂરી નથી.
- સંચાર સાથી પર મોબાઈલ હેન્ડસેટનો IMEI પણ ચેક કરી શકાય છે.
- તેનાથી ફોનની વાસ્તવિકતા સંબંધિત જાણકારી મળે છે.
DoTની ચેતવણીનો અર્થ એ નથી કે સિમ વાપરતા દરેક પર કાર્યવાહી થઈ શકે. અહીં વાત એવા લોકોની છે જે ખોટી રીતે દસ્તાવેજો મેળવીને સિમ કાર્ડ વાપરતા હોય. કોઈ અન્ય વ્યક્તિની ઓળખ તેની જાણ બહાર ઉપયોગમાં લીધી હોય. કે પછી ટેલિકોમ ઓળખ નંબર અને IMEIની સાથે છેડછાડ કરાઈ હોય.
શું થઈ શકે દંડ?
- સૌથી મહત્વની વાત એ છે કે 50 લાખ રૂપિયા સુધીનો દંડ અને 3 વર્ષ સુધી જેલની સજા દરેક નાની ભૂલ માટે નિર્ધારિત નથી.
- DoTએ સંબંધિત અપરાધો માટે દૂરસંચાર અધિનિયમ 2023 હેઠળ મહત્તમ દંડની ચેતવણી આપી છે.
- આથી તેને SIM રાખવા પર 50 લાખ રૂપિયાનો દંડ સમજવો ખોટું હશે.