દિલ્હીમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની આશંકા, બચાવ કામગીરી ચાલુ
Delhi Building Collapsed: દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં આવેલી મચ્છી માર્કેટમાં પાંચ માળની એક બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને બચાવ કામગીરી શરૂ કરી છે.
Delhi Building Collapsed: દિલ્હીના ન્યૂ સીમાપુરી વિસ્તારમાં બુધવારે એક મોટી દુર્ઘટના બની હતી, જેમાં ઈદગાહ મચ્છી માર્કેટ નજીક આવેલી પાંચ માળની બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ હતી. કાટમાળ નીચે અનેક લોકો ફસાયેલા હોવાની આશંકા છે. આ દુર્ઘટનામાં નજીકના બે-ત્રણ મકાનો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા અને તેમને નુકસાન થયું હતું. અહેવાલો અનુસાર, જ્યારે પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ ત્યારે નજીકના એક મકાનમાં સમારકામનું કામ ચાલી રહ્યું હતું.
NDRFની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમોએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા જીટીબી હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ NDRFની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી છે.
બચાવ ટીમોએ કાટમાળમાંથી 7થી 8 લોકોને બહાર કાઢ્યા છે. કાટમાળ હટાવવા માટે JCB મશીનો તૈનાત કરવામાં આવ્યા છે અને રાહત તથા બચાવ કામગીરી ચાલુ છે. શાહદરા જિલ્લાના DCP રાજેન્દ્ર કુમાર મીના અને ઝોનલ ચેરપર્સન પંકજ લુથરાએ પણ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરવા માટે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. હાલમાં કાટમાળ નીચે ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા એ પ્રાથમિકતા છે.
બપોરે 3:15 વાગ્યે ઘટના અંગે માહિતી મળી
દિલ્હી ફાયર સર્વિસને બપોરે લગભગ 3:15 વાગ્યે બિલ્ડિંગ ધરાશાયી થવા અંગેનો કોલ મળ્યો હતો. ત્યારબાદ, દિલ્હી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી.
સ્થાનિકોનો દાવો: ભૂકંપના કારણે તિરાડો પડી હતી
સ્થાનિક રહેવાસીઓએ દાવો કર્યો હતો કે મંગળવારે રાત્રે ઉત્તરાખંડમાં આવેલા ભૂકંપને કારણે દિલ્હી-એનસીઆર (NCR) વિસ્તારમાં અનુભવાયેલા આંચકા બાદ બિલ્ડિંગમાં તિરાડો પડી હતી. જોકે, અધિકારીઓનું કહેવું છે કે બિલ્ડિંગ ધરાશાયી થવાનું વાસ્તવિક કારણ તપાસ બાદ જ જાણી શકાશે.
ઘટના બાદ સમાચાર સંસ્થા પીટીઆઈ (PTI) સાથે વાત કરતા સલીમ નામના એક સ્થાનિકે જણાવ્યું હતું તે, અહીં અમારું પાંચ માળનું મકાન હતું. બિલ્ડિંગમાં મોટી તિરાડો પડી રહી હતી અને અમે તેને ખાલી કરવાનું વિચારી રહ્યા હતા ત્યારે જ તે અચાનક ધરાશાયી થઈ ગયું. આ મકાનમાં 15થી 20 લોકો રહેતા હતા.