8th Pay Commission: સરકારી કર્મચારીઓને મળશે આ ભેટ? 4 સુધીના ફિટમેન્ટ ફેક્ટરની માંગ, અધધધ...થઈ શકે પગાર વધારો
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ હાલ આઠમા પગાર પંચની ભલામણો ક્યારે આવે અને ક્યારે તે લાગૂ થાય તેની રાહ જોઈ બેઠા છે. આ ભલામણો માટે સરકારે પંચને બનવાની તારીખ 3 નવેમ્બર 2025થી 18 મહિનાનો સમય આપેલો છે. કર્મચારીઓના પગાર, પેન્શન, ભથ્થા વગેરે બદલાય તેમાં સૌથી મોટો ફાળો ફિટમેન્ટ ફેક્ટરનો હોય છે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ કાગડોળે આઠમાં પગાર પંચના લાગૂ થવાની રાહ જોઈ રહ્યા છે. ભલામણો લાગૂ થશે ત્યારબાદ પગારધોરણ બદલાશે. હાલ તો પંચ પોતાનો રિપોર્ટ સરકારને સોંપવા માટે સંપૂર્ણ રીતે એક્શન મોડમાં છે. એવું કહેવાઈ રહ્યું છે કે પગાર પંચ આગામી વર્ષ મે મહિનામાં પોતાની અંતિમ ભલામણો સરકારને સોંપી શકે છે. આ અગાઉ અલગ અલગ કર્મચારી અને પેન્શનર્સના સંગઠનો, કર્મચારીઓ પાસેથી સૂચનો પણ ભેગા કરવામાં આવી રહ્યા છે. પગાર વધવામાં જો કોઈ સિંહફાળો આપી શકે તો તે છે ફિટમેન્ટ ફેક્ટર.
ફિટમેન્ટ ફેક્ટર વિશે જાણો
- ફિટમેન્ટ ફેક્ટર વિશે વાત કરીએ તો આ એક એવો ગુણાંક છે જેનાથી કર્મચારીના બેઝિક પગારનું સ્ટ્રક્ચર બદલાય છે.
- પેન્શનમાં સંશોધનમાં પણ સંબધિત નિયમ હેઠળ તેની અસર પડી શકે છે.
- ફિટમેન્ટ ફેક્ટરના ગુણાંકને બેઝિક પગાર સાથે ગુણવામાં આવે ત્યારે પગારમાં ફેરફાર થાય છે.
- બેઝિક સેલરીના આધારે ભથ્થા અને અન્ય બાબતો નક્કી થાય છે.
- સાતમાં પગાર પંચમાં 2.57નું ફિટમેન્ટ ફેક્ટર નક્કી થયું હતું.
- આઠમાં પગાર પંચની વાત કરીએ તો કેટલાક કર્મચારી સંગઠનોએ 3.83 કે 4 સુધીનું ફિટમેન્ટ ફેક્ટર સૂચવેલું છે.
- જ્યારે વિશેષકોનું અનુમાન છે કે 1.83 થી 2.57 વચ્ચે ફિટમેન્ટ ફેક્ટર નક્કી થઈ શકે છે.
- જો કે અંતિમ નિર્ણય તો જ્યારે લેવાશે ત્યારે જ ખબર પડશે. ત્યાં સુધી ફિટમેન્ટ ફેક્ટર વિશે ચર્ચાઓ જરૂર થઈ રહી છે.
- પરંતુ જો હાલ કર્મચારી સંગઠનોની માંગણીને જોઈએ અને એ રીતે ગણતરી કરીએ તો કેટલો પગાર વધી શકે તે પણ જાણો.
બેઝિક પગાર આટલો વધી શકે
- જો વર્તમાન ન્યૂનતમ બેઝિક સેલરી 18000ને અલગ અલગ સંભવિત ફિટમેન્ટ ફેક્ટર સાથે ગુણીએ તો 1.83ના ફિટમેન્ટ ફેક્ટર પર નવો બેઝિક પગાર 32940 રૂપિયા, 2 ફિટમેન્ટ ફેક્ટર હોય તો 36000 રૂપિયા અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર હોય તો 46260 રૂપિયા થઈ શકે છે.
- જ્યારે કર્મચારીઓની માંગણી પ્રમાણે જોઈએ તો 3.83નું ફિટમેન્ટ ફેક્ટર હોય તો બેઝિક સેલરી વધીને 68940 થઈ શકે છે. જ્યારે 4 ફિટમેન્ટ ફેક્ટર હોય તો 72000 રૂપિયા જેટલો થઈ શકે. જો કે આ ફક્ત સંભવિત ગણતરી છે. હજુ આ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.
પંચ ક્યારે આપશે પોતાની ભલામણો?
આમ તો જ્યારે આઠમાં પગાર પંચની રચના થઈ ત્યારે એટલે કે 3 નવેમ્બર 2025ના 18 મહિનાની અંદર પંચે ભલામણો સરકારને સોંપવાની વાત હતી. આમ જોઈએ તો ભલામણોનો રિપોર્ટ સરકારને સોંપવાની અંતિમ સમયમર્યાદા મે 2027 થાય. એકવાર પગાર પંચની ભલામણો આવી ગયા બાદ તેને સંપૂર્ણ રીતે લાગૂ થવામાં બેથી 3 વર્ષનો સમય લાગી શકે છે. જેનો અર્થ એ થયો કે 2027મં જો પગાર વધારાની જાહેરાત થાય તો તેને લાગૂ થવામાં 2029 કે 2030 સુધીનો સમય લાગી શકે. હાલ તો જો કે કેન્દ્ર સરકારના કર્મચારીઓએ ફિટમેન્ટ ફેક્ટર, લઘુત્તમ પગાર, પેન્શનમાં ફેરફાર માટે સત્તાવાર જાહેરાતોની રાહ જોવી પડશે. છેલ્લો નિર્ણય તો પગાર પંચની ભલામણો અને કેન્દ્ર સરકારની મંજૂરી બાદ સ્પષ્ટ થશે.