Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...
28 Oct 2026, 6:02 PM
Gujarat News Live: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સાબરમતી આશ્રમ હવે રમતગમત વિભાગ હસ્તક
ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ અને સાબરમતી આશ્રમનું વહીવટ શિક્ષણ વિભાગમાંથી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટના કબા ગાંધીનો ડેલો અને અમદાવાદના સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટનો વહીવટ હવે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ હસ્તક રહેશે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર ઠરાવ જાહેર કરાયો છે. બંને સંસ્થાઓની પ્રવૃત્તિઓ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સાથે સુસંગત હોવાથી વહીવટી ફેરફાર કરાયો છે. વર્તમાન નાણાકીય વર્ષ 2026-27 માટે બંને સંસ્થાઓને અનુદાનની ફાળવણી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવશે. જ્યારે નાણાકીય વર્ષ 2027-28થી અનુદાન માટે બજેટની જોગવાઈ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગે કરવાની રહેશે.
28 Oct 2026, 5:36 PM
Gujarat News Live: અમદાવાદ–ડાકોર હાઈવે પર અકસ્માત, બેનાં મોત
ખેડા જિલ્લાના મહેમદાવાદના કેશરા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, આ અકસ્માતમાં બે મહિલાઓનાં કરુણ મોત થયા છે. અમદાવાદ–ડાકોર હાઈવે પર આઈસર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર બે મહિલાઓનાં ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યાં હતા.
રોડ પર ખાડા પૂરવાની કામગીરી દરમિયાન ડિવાઈડર કે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ઘટનાસ્થળે આસપાસના લોકોનાં ટોળેટોળાં એકઠાં થયા હતા. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.
અમદાવાદમાં ફટાકડા બજારમાં મોંઘવારીના કારણે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે દિવાળીમાં મોંઘવારી નડશે. આ વર્ષે ફટકડામાં સામાન્ય વર્ષ કરતા બમણા જેવો ભાવ વધારો થયો છે. સામાન્ય રીતે દર વર્ષે 5થી 10 ટકા ભાવ વધતા હોય છે. જ્યાં આ વર્ષે 25થી 30 ટકા ભાવ વધારો જોવા મળ્યો. ફટકડામાં વપરાતા કેમિકલના ભાવ વધતા અને માલ ઓછો આવતા ઉત્પાદન ઘટવાને લઈને ભાવ વધ્યા છે. ભાવ વધતા આ સમયે ખરીદીમાં જોવા મળતી ભીડ સામે ભીડ ઘટી હોવાનું વેપારીઓનું કહેવું છે.
28 Oct 2026, 4:36 PM
Gujarat News Live: આગામી 3 દિવસ સામાન્ય વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 ઓક્ટોબરના નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે, તો 30 ઓક્ટોબરના ભાવનગર, અમરેલી, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. 31 ઓક્ટોબરના રોજ ભાવનગર, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.