Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 23 ઓક્ટોબરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
23 Oct 2026, 5:28 PM
Gujarat News Live: ગુજરાત યુનિવર્સિટીમાં M.Sc. કેમિસ્ટ્રી લેબ મુદ્દે ભારે વિવાદ: વિદ્યાર્થીઓ માટે લેબની ફાઈલ 3 વખત ગુમ થયાનો HODનો આરોપ
ગુજરાત યુનિવર્સિટીના સાયન્સ વિભાગમાં M.Sc. કેમિસ્ટ્રી લેબનું નિર્માણ ન થતાં આંતરિક વહીવટ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સાયન્સ વિભાગના HOD હિતેશ પટેલે બળાપો ઠાલવતા આરોપ લગાવ્યો છે કે વિદ્યાર્થીઓ માટેની લેબની ફાઈલ રહસ્યમય રીતે ત્રણ વખત ગુમ થઈ ગઈ છે, જેના કારણે લેબ વગર જ વિદ્યાર્થીઓનું આખું સેમેસ્ટર પૂરું થઈ ગયું છે. બીજી તરફ, ઈન્ચાર્જ વીસી (VC) ના બંગલાના રીનોવેશનની ફાઈલ માત્ર ૩ મહિનામાં મંજૂર થઈ જતાં તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે "જો બંગલાનું રીનોવેશન જરૂરી હોય તો વિદ્યાર્થીઓ માટે લેબ કેમ નહીં?" આ મુદ્દે યુનિવર્સિટીના વોટ્સએપ ગ્રુપની ચેટ પણ વાયરલ થઈ છે. વધુમાં, HODએ એવો પણ ગંભીર આરોપ લગાવ્યો છે કે રજૂઆતો કરવા જવા છતાં તેમને વારંવાર વેઇટિંગ એરિયામાં બેસાડી રાખવામાં આવે છે, જે યુનિવર્સિટી તંત્રની વિદ્યાર્થીઓ અને શિક્ષકો પ્રત્યેની નીતિ સામે વિરોધ દર્શાવે છે.
નવરાત્રિ દરમિયાન બબાલ મચાવનાર આરોપી ભાવિક ગજ્જર એક અઠવાડિયા કરતાં પણ વધુ સમય વિતી ગયા છતાં હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. અમદાવાદ શહેરમાં જ તેના નામે અનેક ગુનાઓ નોંધાયેલા છે, છતાં તેણે તાજેતરમાં બે વીડિયો જાહેર કરીને સીધા પોલીસની કામગીરી સામે જ સવાલો ઊભા કર્યા છે. બોપલ ખાતે સૌપ્રથમ શરૂ કરેલા સૌથી જૂના પાર્લર બાદ સિંધુભુવન, ગોતા અને થલતેજ જેવા પોશ વિસ્તારોમાં 'રિચી રિચ પાન પાર્લર' નામે તેની એકથી વધુ પ્રોપર્ટી આવેલી છે. ચાર જેટલા વૈભવી પાન પાર્લર, આલીશાન મકાન અને લક્ઝુરિયસ કાર્સ જોતાં ભાવિક ગજ્જર અત્યંત આલીશાન લાઈફસ્ટાઈલ જીવતો હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.
23 Oct 2026, 5:28 PM
Gujarat News Live: સુરત રેલવે સ્ટેશન પર નકલી TTE બની ફરતા યુવકનો વીડિયો વાયરલ, વ્યૂઝ મેળવવા મુસાફરોની ટિકિટ ચેક કરવાનો ઢોંગ ભારે પડ્યો
સોશિયલ મીડિયામાં વ્યૂઝ અને મનોરંજન મેળવવાની ઘેલછામાં સુરત રેલવે સ્ટેશન પર TTE જેવો વેશ ધારણ કરી મુસાફરો પર રોફ જમાવતા લિંબાયતના 25 વર્ષીય સમીઉલ્લાહ શેખને સુરત GRP અને RPF ની સંયુક્ત ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી પ્લેટફોર્મ નંબર ૦૨ તેમજ ચાલતી ટ્રેનના જનરલ ડબ્બામાં મુસાફરોની ટિકિટ ચેક કરવાનો ઢોંગ કરી ટિકિટ ન હોય તો દંડની ધમકી આપતો હતો, અને કેટલાક મુસાફરોને માફી માગવા તેમજ પગે પડવા પણ મજબૂર કર્યા હતા. 'chillboy_92' નામે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર ૧૮ ઓક્ટોબરે શૂટ કરેલો આ વીડિયો વાયરલ થતાં X (ટ્વિટર) પર ફરિયાદ મળ્યા બાદ ટેકનિકલ સર્વેલન્સના આધારે મહાપ્રભુ નગરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આરોપીએ મુસાફરો પાસેથી નાણાં ન પડાવ્યા હોવાનો દાવો કર્યો છે, પરંતુ રેલવે અધિકારીનો વેશ ધારણ કરી લોકોને ગેરમાર્ગે દોરવા બદલ તેની સામે RPF સુરત પોલીસ સ્ટેશનમાં રેલવે અધિનિયમની કલમ ૧૪૫(૨)(a) અને ૧૪૭ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
રાજકોટમાં હેમુ ગઢવી હૉલ પાસે આવેલી ખાઉ ગલીમાં RMC દ્વારા DI પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ હતી, તે દરમિયાન અચાનક GSPCની ગેસ પાઈપલાઈનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં જેસીબી ડ્રાઈવર, પાનની દુકાનદાર અને ચાની દુકાનદાર સહિત ચાર લોકો દાઝી જતાં તેઓને ત્વરિત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે, ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, GSPC અધિકારીઓની હાજરીમાં જ ખોદકામ ચાલતું હતું અને ગેસ લાઈન નકશામાં દર્શાવેલી જગ્યાથી દૂર હોવાનું સામે આવ્યું છે, જેથી આ દુર્ઘટના પાછળ કોની બેદરકારી અને જવાબદારી છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે.
પાટણ જિલ્લાની હારીજ નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાના ઉદ્ઘાટન પ્રસંગે વધુ એક વાર 'પતિરાજ'નો કિસ્સો સામે આવતા મોટો વિવાદ સર્જાયો છે. પાલિકાના આ સત્તાવાર કાર્યક્રમમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ચંદ્રિકાબેન રાવળ ગેરહાજર રહ્યા હતા અને તેમના સ્થાને તેમના પતિ દિનેશ રાવળ સ્ટેજ પર બિરાજમાન થયા હતા. એટલું જ નહીં, મંચ પરથી મહિલા કોર્પોરેટરનું નામ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં તેમના પતિએ જ જાહેર સન્માન સ્વીકાર્યું હતું. ભાજપના પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર સહિતના અગ્રણી નેતાઓ તેમજ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસર જેવા જવાબદાર હોદ્દેદારોની ઉપસ્થિતિમાં બનેલી આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.
સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી મહાવીર સોસાયટીમાં કચરો ફેંકવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર માથાકૂટ સર્જાઈ હતી. સોસાયટીમાં એક મહિલા દ્વારા અપશબ્દો બોલીને લાકડાના ફટકાથી હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં મહિલાની ખુલ્લેઆમ દાદાગીરી જોવા મળી રહી છે. સોસાયટીમાં રહેતા સ્થાનિક લોકો આ મહિલાના ત્રાસથી અત્યંત પરેશાન થઈ ગયા છે, ત્યારે તંત્ર દ્વારા આ મસ્તીખોર મહિલા સામે વહેલી તકે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.
23 Oct 2026, 5:26 PM
Gujarat News Live: વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં મારામારી, યુવકે વચ્ચે ઉગ્ર મારામારીના દ્રશ્યો આવ્યા સામે..
વડોદરાની જાણીતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ફરી એકવાર મારામારીની ઘટનાને કારણે ચર્ચામાં આવી છે. તાજેતરમાં યુનિવર્સિટી પરિસરમાં યુવકો વચ્ચે ઉગ્ર મારામારી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે શૈક્ષણિક માહોલ ડહોળાયો છે. આ અગાઉ પણ યુનિવર્સિટી કેમ્પસમાં અનેક વખત મારામારી અને બબાલની ઘટનાઓ બની ચૂકી છે. વારંવાર બનતી આવી અસામાજિક ઘટનાઓથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે, ત્યારે આ મારામારીમાં સંડોવાયેલા શખ્સો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.
23 Oct 2026, 4:11 PM
Gujarat News Live: પાટણના સમી પાસે ભયાનક અકસ્માત: કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમાં બેનાં મોત, ચાર ઘાયલ
પાટણ જિલ્લાના સમી નજીક સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દ્વારકાથી ભાભર તરફ જઈ રહેલા એક સોની પરિવારની કારને ટ્રક સાથે જોરદાર ટક્કર લાગતા આ દુર્ઘટના ઘટી હતી. અકસ્માતની જાણ થતા જ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
23 Oct 2026, 4:10 PM
Gujarat News Live: રાજકોટમાં પીવાના પાણી મુદ્દે શાબ્દિક જંગ, રણદીપ સુરજેવાલાએ માત્ર 48 કલાક પુરતુ પાણી હોવાનો કર્યો દાવો
રાજકોટ શહેરમાં પીવાના પાણીની સમસ્યાને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ દાવો કર્યો હતો કે રાજકોટવાસીઓ પાસે હવે માત્ર ૪૮ કલાક પુરતો જ પાણીનો જથ્થો બચ્યો છે. આ દાવા સામે રાજકોટના મેયર નેહલ શુક્લે આકરો પલટવાર કરતાં જણાવ્યું છે કે સુરજેવાલા ૪૮ કલાક નહીં પરંતુ ૪૮૦ કલાક રાજકોટમાં આવીને રોકાય, શહેરમાં પાણીનો કોઈ કાપ મૂકવામાં નહીં આવે. મેયરના આ વળતા જવાબથી પાણીના પ્રશ્ને શરૂ થયેલો શાબ્દિક જંગ વધુ તેજ બન્યો છે.
ગુજરાત વિધાનસભામાં વંદે માતરમ ગીત અને ગેરવર્તનને લઈને સર્જાયેલા વિવાદમાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે વિધાનસભાની વિશેષાધિકાર સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં ગૃહ દરમિયાન થયેલી ઘટનાના સીસીટીવી ફૂટેજની સઘન તપાસ કરવામાં આવી છે. આ ઉપરાંત, તેમણે ગૃહની બહાર આપેલા નિવેદનો અને વર્તનની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવાનો નિર્ણય લેવાયો છે.
રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકોના જીવન સાથે ખિલવાડ કરતા નકલી ડોક્ટરોનો મોટો રાફડો ફાટ્યો છે. આરોગ્ય તંત્ર અને પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન જસદણ, જેતપુર અને શાપર સહિતના સ્થળોએથી કુલ ૧૭ જેટલા બોગસ ડોક્ટરો ઝડપાઈ ગયા છે. આ તમામ તબીબો કોઈ પણ જાતની માન્ય મેડિકલ ડિગ્રી વગર જ ગેરકાયદેસર રીતે દવાખાના ચલાવીને નિર્દોષ લોકોની સારવાર કરી રહ્યા હતા. તંત્રની આ કડક કાર્યવાહીથી આવા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
સુરતના ઉત્રાણ વિસ્તારમાંથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી ઘીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં 'સુહાસ ગાયના ઘી'ના સેમ્પલ ફેલ સાબિત થતાં આ સમગ્ર ગેરરીતિ સામે આવી છે. કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી આશરે ૯૦૦ કિલો જેટલો નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. લોકોના જીવ સાથે રમત રમીને ભેળસેળયુક્ત ઘી વેચવાના આ કૌભાંડમાં સામેલ ૪ અસામાજિક તત્વોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
23 Oct 2026, 4:09 PM
Gujarat News Live: અમિતાભ બચ્ચન અને દિલજીત દોસાંજનેને મળી બોમ્બની ધમકી
સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના મુંબઈ સ્થિત બંગલાને બોમ્બથી ઉડાવી દેવાનો એક ધમકીભર્યો ઈમેલ મળતા જ સમગ્ર બોલીવુડ અને પોલીસ પ્રશાસનમાં ભારે ખળભળાટ મચી ગયો છે. અજ્ઞાત તરફથી આવેલા આ ઈમેલમાં માત્ર અમિતાભ બચ્ચન જ નહીં, પરંતુ જાણીતા પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ સનસનાટીભર્યા સમાચાર સામે આવતા જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને અમિતાભ બચ્ચનના બંગલાની સુરક્ષામાં તાત્કાલિક ધોરણે વધારો કરી દેવામાં આવ્યો છે. હાલમાં પોલીસ અને સાયબર સેલની ટીમ આ ઈમેલના સ્ત્રોતને ટ્રેસ કરીને મોકલનાર સુધી પહોંચવા માટે સઘન તપાસ ચલાવી રહી છે.
કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.