)
સુમુલ ડેરીમાં અંદરો અંદર ચાલી રહેલા વિવાદનો મામલો. અંદરો અંદર લડશો તો ડેરીમાં કસટોડિયન મૂકવાની પ્રદેશ પ્રમુખની ચીમકી. ડેરીના હોદ્દેદારોને પ્રદેશ પ્રમુખે ટપાર્યા. દૂધની આવક વધારવા આદેશ. બંને જૂથ સામેની તપાસ ચાલુ છે. પરિણામ ભોગવવા તૈયાર રહેવા અલ્ટીમેટમ. સુમુલ ડેરીના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત તમામ ડિરેક્ટરો ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને રૂબરૂ મળવા પહોંચ્યા હતા. માનસીહ પટેલ જૂથ અને રાજુ પાઠક જૂથ વચ્ચે ચાલી રહેલી તપાસ હજુ પણ ચાલુ હોવાની બાબતને યાદ કરાવી. એકબીજાને નીચા દેખાડવા સોશિયલ મીડિયામાં જે નિમ્ન કક્ષાની પોસ્ટ વાયરલ કરે છે તે તાત્કાલિક બંધ કરવાની તાકીદ કરાઈ.
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કાર અને બાઈક વચ્ચે રાત્રે અકસ્માત. ધોરાજી - જૂનાગઢ રોડ પર કાર વચ્ચે કોઈ પ્રાણી આવી જતા કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈકને હડફેટે લઈ કાર ઝાડ સાથે અથડાતા વૃક્ષ ધરાશાઈ થયું. વૃક્ષ ધરાશાઈ થતાં કાર અને બાઈકને નુકસાન. અકસ્માત બાદ વૃક્ષ મુખ્ય રસ્તા વચ્ચે પડતા ટ્રાફિક જામ થયો. અકસ્માતમાં બાઈક ચાલકને સામાન્ય ઈજા તેમજ કારમાં એરબેગ ખુલી ગઈ. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નહીં. ધોરાજી નગરપાલિકા દ્વારા વૃક્ષ હટાવી ટ્રાફિક ક્લીયર કર્યો.
જામનગરમાં રિલાયન્સ ટાઉનશિપ ખાતે અંબાણી પરિવાર દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ-2026માં બોલિવૂડનો જલવો જોવા મળી રહ્યો છે. નવરાત્રીના રંગે રંગાયેલા આ મહોત્સવમાં એક પછી એક બોલિવૂડના જાણીતા ફિલ્મી સિતારાઓ મહેમાન બની રહ્યા છે. વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને તાપસી પન્નુ બાદ હવે બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાએ પોતાના ધમાકેદાર ડાન્સ પર્ફોર્મન્સથી દર્શકોને ઝૂમવા મજબૂર કર્યા હતા. હિન્દી ફિલ્મોનાં લોકપ્રિય ગીતો પર મલાઈકા અરોરાના ડાન્સથી સમગ્ર માહોલ ઉત્સાહ અને ઉમંગથી ગુંજી ઊઠ્યો હતો. હજુ પણ નવરાત્રીના બાકી દિવસોમાં એક પછી એક બોલિવૂડ સેલિબ્રિટીઓ રિલાયન્સ ટાઉનશિપ ખાતે પોતાના પર્ફોર્મન્સ રજૂ કરવા પહોંચશે, ત્યારે જામનગરમાં નવરાત્રી મહોત્સવનું આકર્ષણ સતત વધી રહ્યું છે.
ભરૂચમાં નવરાત્રિની રાત્રે તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં 5 મકાનનાં તાળાં તૂટ્યાં. નર્મદા બંગ્લોઝ સોસાયટીનાં 4 બંધ મકાનોને તસ્કરોએ બનાવ્યાં નિશાન. વહેલી સવારે બાઈક પર આવેલા 3 બુકાનીધારી તસ્કરોએ ચોરીને આપ્યો અંજામ. દુબઈ ટેકરી વિસ્તારમાં પરિવાર ઉપરના રૂમમાં સૂતો રહ્યો અને તસ્કરોએ નીચેના મકાનમાં કરી ચોરી. દુબઈ ટેકરીના મકાનમાંથી 15 તોલા સોનાનાં દાગીના અને રોકડની ચોરી. એક જ રાતમાં ₹25 લાખથી વધુની મત્તા ચોરાતાં પોલીસ બેડામાં દોડધામ. પોલીસે CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તસ્કરોને ઝડપી પાડવા તપાસ તેજ કરી.
ભરૂચના હાંસોટ-સુરત સ્ટેટ હાઈ-વે પર ટ્રોલી-ટ્રક પલટી મારી. સાહોલ ગામ નજીક પ્લાય ભરેલો ટ્રક વરસાદી કાંસમાં પલટી જતાં દોડધામ. હાંસોટ નજીકની કંપનીમાંથી 42 ટન પ્લાય ભરી ટ્રક દિલ્હી જવા નીકળતા બની ઘટના. રસ્તો પૂછવા ડ્રાઈવર નીચે ઉતરતાં ટ્રક ધીમે ધીમે આગળ સરક્યો. હેન્ડ બ્રેક ન લગાવવાના કારણે ટ્રક પલટી મારી હોવાની પ્રાથમિક માહિતી.
નાના પાટેકરના પોસ્ટમોર્ટમનો અહેવાલ આવ્યા બાદ અભિનેત્રી તનુશ્રી દત્તાએ મોટો દાવો કર્યો છે. તનુશ્રીએ દાવો કર્યો છે કે નાના પાટેકર હજી પણ સિંગાપુર કે મલેશિયામાં હયાત છે. તેણે સિંગાપુર અને મલેશિયાની પોલીસને આ વ્યક્તિને જોતાની સાથે જ ઠાર કરવાની અપીલ કરી છે. આ નિવેદનને લઈને સોશિયલ મીડિયા અને મનોરંજન જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે. અભિનેત્રીના આ પ્રકારના દાવાથી નવો વિવાદ ઊભો થવાની પૂરી સંભાવના છે.
સુપરસ્ટાર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'કિંગ'નું આખરી શૂટિંગ મુંબઈમાં ચાલી રહ્યું છે. મુંબઈના અંધેરી અને ગોરેગાંવ વિસ્તારોમાં ફિલ્મનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં શાહરૂખ સાથે દીપિકા પાદુકોણનું એક ગીત પણ ફિલ્માવવામાં આવશે. ત્રણ વર્ષના લાંબા અંતરાલ બાદ શાહરૂખ ખાન મોટા પડદે લીડ રોલમાં નજરે પડશે. અભિનેતાના આગામી જન્મદિવસે (૨જી નવેમ્બરે) આ ફિલ્મનું ટીઝર રિલીઝ થવાની શક્યતા છે.
સાઉદી અરેબિયાના પ્રિન્સ પર સંભવિત હુમલાના અહેવાલો બાદ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઈ છે. યુએસ પ્રમુખ અને ગુપ્તચર એજન્સીઓની મદદથી સુરક્ષાના કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. યમનના સરહદી વિસ્તારોમાં હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઇઝરાયેલ દ્વારા થયેલા હુમલા અને નુકસાન બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે. સાઉદી પ્રશાસને નાગરિકોને સતર્ક રહેવા અને સુરક્ષા નિયમોનું પાલન કરવા આદેશ આપ્યો છે.
મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ અઝરબૈજાને શાળાઓમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારના ડ્રેસ કોડના નવા નિયમ વિરુદ્ધ કેટલીક વિદ્યાર્થીનીઓ અને શિક્ષિકાઓએ વિરોધ શરૂ કર્યો છે. આ વિવાદ હવે સરહદ પાર કરીને પડોશી દેશ તુર્કી સુધી પણ પહોંચી ગયો છે. સરકારનું કહેવું છે કે શાળાઓમાં સમાનતા જાળવવા માટે નવો ડ્રેસ કોડ જરૂરી છે. વિરોધ કરનારાઓનું માનવું છે કે હિજાબ એ વ્યક્તિગત પસંદગી અને ધાર્મિક આસ્થાનો વિષય છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે હૈદરાબાદ ખાતે ચોથી ટી-20 ક્રિકેટ મેચ રમાનાર છે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સીરીઝ પોતાના નામે કરવાનો પૂરતો પ્રયાસ કરશે. પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝ ટીમ સામે શ્રેણી જીવંત રાખવા માટે આ મુકાબલો જીતવો અનિવાર્ય છે. અગાઉની મેચોમાં ભારતીય ઓપનરો અને મિડલ ઓર્ડરનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. કેપ્ટન અક્ષય અને ટીમના ખેલાડીઓ આક્રમક વલણ અપનાવીને મેદાન પર ઉતરશે.
અમદાવાદમાં એક 17 વર્ષીય દુષ્કર્મ પીડિતાને હાઇકોર્ટે ગર્ભપાત કરવા મંજૂરી આપી. સગીરાને 24 સપ્તાહનો ગર્ભ છે. આ સાથે જ આરોપી સામે પુરાવા માટે ડીએનએ સેમ્પલ લેવા પણ સૂચન કરાયું. ભાવનગરના મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન ચાલુ વર્ષે સગીરા સાથે જાતિય શોષણનો ગુનો નોંધાયો હતો. કેસમાં પીડીતાએ તેના પિતા મારફતે ગર્ભપાતની મંજૂરી માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટના આદેશથી ભાવનગરની હોસ્પિટલના તબીબોની પેનલ દ્વારા પીડીતાની તપાસ કરીને ગર્ભપાત કરવો શક્ય છે તેવું જણાવ્યું હતું. ડોક્ટરોના રિપોર્ટ અને સલાહ પર થી હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી. જોકે ગર્ભપાતની તમામ જવાબદારી પીડિતાની રહેશે તેવું પણ જણાવ્યું. આ કેસમાં પુરાવો એકત્ર કરવા ડીએનએ ટેસ્ટ કરીને રિપોર્ટ 8 અઠવાડિયાની અંદર રજૂ કરવાનો આદેશ અપાયો. આ સાથે જ નીચલી અદાલત મા છ મહિનાની અંદર કેસનો નિકાલ કરવા પણ આદેશ અપાયો.
એક છેતરપિંડીના ગુનામાં હાઇકોર્ટનો મહત્વનો નિર્દેશ. એક કેસમાં હેડ કોન્સ્ટેબલ સામે કાનૂની કાર્યવાહી કરવા હાઇકોર્ટે આપ્યા આદેશ. આરોપીને સમન્સ કે વોરંટની બજવણી કરી નહીં હોવાનું આવ્યું હતું સામે. આરોપી સામે એક પક્ષે જ કેસ ચાલ્યો હોવા અને પાડોશી કાલ્પનિક ઉભો કર્યો હોવાનું પણ આવ્યું સામે. વેરાવળ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.એ પરમાર સામે ખાતાકીય તપાસ કરવા અપાયા આદેશ. Sp દ્વારા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને ફોજદારી રાહે કાર્યવાહી કરવા આદેશ અપાયા. આરોપી સંદીપ શ્રીવાસ્તવ સામે ફેબ્રુઆરી 2024 માં રાજકોટ કોર્ટમાંથી ગીર સોમનાથ જિલ્લા ની વેરાવળ કોર્ટમાં કેસ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. રાજકોટમાં સુનાવણીમાં આરોપી હાજર રહેતો હતો. જ્યારે વેરાવળ કેસ ટ્રાન્સપોર્ટ થતા આરોપીએ સરનામું બદલ્યું છે તેવું જણાવી કોઈ વોરંટ કે સમન્સ બજવતું ન હોવાનું સામે આવ્યું હતું. હેડ કોન્સ્ટેબલ દ્વારા આરોપીનું સરનામું બદલાઈ ગયું છે તેના માટે કાલ્પનિક પાડોશી પણ ઉભો કરી દસ્તાવેજ બનાવ્યા હતા. આરોપીને નોટિસો મળવાનું બંધ થતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો જે બાદ મામલો હાઇકોર્ટ પહોંચ્યો હતો. આ કેસ પરથી હાઇકોર્ટે વોરંટ ઇસ્યુ ના કેસમાં સરનામું કન્ફર્મ કરીને નોટિસ ચોંટાડેલો ફોટો ગ્રાફ્સ પાડીને બે પ્રતિષ્ઠિત વ્યક્તિ ના નિવેદન સાથે સંપૂર્ણ ખરાઈ કરવાની સૂચન આપ્યું.
રાજકોટમાં વાહન અથડાવા જેવી સામાન્ય બાબતે જાહેર રસ્તા પર છરી નીકળી પડતાં ચકચાર મચી ગઈ છે! રાજકોટના હુડકો ચોકડી પાસે કાર અથડાવા મામલે બે પક્ષો વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન ભારત સરકાર (Gov. of India) લખેલી કારના ચાલકે અચાનક છરી કાઢી લેતાં ઘટનાસ્થળે હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રસ્તા પર થયેલી આ માથાકૂટને પગલે આસપાસના લોકોનાં ટોળેટોળાં એકઠાં થઈ ગયાં હતાં. વાહન અથડાવા જેવી સામાન્ય બાબતે છરી કાઢવાની ઘટના સામે આવતાં અનેક સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. હવે સવાલ એ છે કે વાહન અથડાવા જેવી સામાન્ય બાબતે છરી કાઢનાર કારચાલક કોણ છે અને આખરે બોલાચાલી દરમિયાન પરિસ્થિતિ આટલી ઉગ્ર કેમ બની?
રાજકોટના ઔદ્યોગિક વિસ્તાર મેટોડામાં આગની વધુ એક ઘટના સામે આવતા ફાયર વિભાગ દોડતું થયું છે. મેટોડા GIDCના ગેટ નંબર-2 પાસે આવેલી Little Man ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફેક્ટરીમાં આગ લાગતા જ આગની ઊંચી જ્વાળાઓ અને ધુમાડાને પગલે ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગની ટીમની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે, આ સમગ્ર ઘટનામાં રાહતની વાત એ છે કે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ત્યારે મેટોડા જેવા ઔદ્યોગિક વિસ્તારમાં આગની વારંવાર બનતી ઘટનાઓ વચ્ચે ફેક્ટરીઓમાં ફાયર સેફ્ટીના સાધનો અને સુરક્ષાનાં પગલાં કેટલાં સજ્જ છે. તે પણ એક મહત્ત્વનો સવાલ છે.
રાજકોટમાં મિશ્ર ઋતુના કારણે રોગચાળાએ માથું ઊંચક્યું છે! બદલાતી ઋતુ, વાતાવરણમાં જોવા મળતી વધઘટ અને નવરાત્રીના માહોલ વચ્ચે શહેરમાં શરદી, ઉધરસ, તાવ અને ઝાડા-ઊલટી જેવા રોગોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
રાજકોટમાં નવરાત્રીના પર્વ વચ્ચે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ખાદ્યપદાર્થોના વેપારીઓ સામે ફૂડ વિભાગે લાલ આંખ કરી છે! રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા નોનવેજનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં મેગા ચેકિંગ હાથ ધરી દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં અંદાજે 1400 કિલો ચિકનનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાતની નીતિ સામે હવે મોટા સવાલો ઊભા થયા છે! એક તરફ સામાન્ય નાગરિકો વેરો ન ભરે તો તેમની મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. તો બીજી તરફ સરકારી મિલકતોનો અંદાજે રૂ. 100 કરોડનો વેરો બાકી હોવા છતાં મનપા વસૂલાત કરવામાં લાચાર હોય તેવી સ્થિતિ સામે આવી છે. વ્યાજમાફી યોજના પૂર્ણ થયા બાદ નાના બાકીદારો સામે સિલિંગની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. પરંતુ સરકારી વિભાગો પાસેથી કરોડો રૂપિયાનો બાકી વેરો વસૂલવા માટે મનપા માત્ર પત્રવ્યવહાર સહિતના પ્રયાસો કરી રહી છે.
રાજકોટમાં સસ્તા અનાજના દુકાનદારોની મુશ્કેલીઓ વધી છે. CBDC સર્વરની સમસ્યાને કારણે રેશનકાર્ડ ધારકોને પૂરતા પ્રમાણમાં અનાજનું વિતરણ કરવામાં મુશ્કેલી પડી રહી છે. રાજકોટ જિલ્લામાં 700થી વધુ સસ્તા અનાજના દુકાનદારો આ સમસ્યાથી પરેશાન છે. સર્વર અને સોફ્ટવેરની ખામીને કારણે અનાજ લેવા આવતા ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે વારંવાર ઘર્ષણની સ્થિતિ સર્જાઈ રહી છે. આ મામલે દુકાનદારો પુરવઠા અધિકારી સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા. દુકાનદારોની માંગ છે કે, અગાઉની ફિંગરપ્રિન્ટ આધારિત વ્યવસ્થા ફરી શરૂ કરવામાં આવે અને ટેકનિકલ ખામી દૂર ન થાય ત્યાં સુધી CBDC મારફતે અનાજ વિતરણની કામગીરી મોકૂફ રાખવામાં આવે.
રાજકોટમાં ધોળા દિવસે લૂંટની ચકચારી ઘટના સામે આવી છે. શહેરના નાના મૌવા રોડ પર થેલો લઈને જઈ રહેલા મામા-ભાણેજને નિશાન બનાવી શખ્સો અંદાજે 10થી 11 લાખ રૂપિયાની રોકડ લૂંટીને ફરાર થઈ ગયા હતા. ચાલુ બાઇકે આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ DCP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જોકે, આ લૂંટની ઘટના ખરેખર બની છે કે પછી સમગ્ર મામલો શંકાસ્પદ છે. તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. હાલ CCTV ફૂટેજના આધારે લૂંટારુઓને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભક્તિની શક્તિ, આસ્થાનો અતૂટ વિશ્વાસ અને માથે સળગતી આગ. રાજકોટમાં નવરાત્રિના પર્વ દરમિયાન જોવા મળી રહ્યો છે ભક્તિ અને શૌર્યનો અનોખો સંગમ! મવડી ચોક સ્થિત શ્રી બજરંગ ગરબી મંડળમાં બાળાઓએ સળગતી ઇંઢોણીનો એવો રોમાંચક રાસ રજૂ કર્યો કે દર્શકો પણ મંત્રમુગ્ધ બની ગયા. માથે સળગતી ઇંઢોણી, હાથમાં મશાલ અને સળગતા ગરબા સાથે છ બાળાઓએ સતત 20 મિનિટ સુધી રાસ રમીને સૌનું ધ્યાન ખેંચ્યું. છેલ્લા 19 વર્ષથી યોજાતી આ પ્રાચીન ગરબીમાં આસ્થાની સાથે પરંપરાનું પણ અનોખું જતન થઈ રહ્યું છે. ત્યારે જોઈએ આસ્થા, શક્તિ અને પરંપરાના અદ્ભુત સંગમની આ ખાસ તસવીરો
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...