SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

99% મહિલાઓ રોટલી રાખવામાં આ ભૂલ કરે, એટલે રોટલી થઈ જાય છે કડક, જાણો રોટલીને સોફ્ટ રાખવાની ટ્રિક

Cooking Hacks: રોટલી ગરમ હોય ત્યાં સુધી સોફ્ટ રહે અને પછી કડક થઈ જતી હોય છે. તેનું મુખ્ય કારણ લોટ બાંધવાની રીત, રોટલી રાખવાની રીત હોય શકે છે. રોટલીને બીજા દિવસ સુધી સોફ્ટ રાખવી હોય તો કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું ચાલો જાણીએ.

Written By Krupa Shah
Published: Sep 24, 2026, 10:19 AM IST | Updated: Sep 24, 2026, 10:23 AM IST
Join

Cooking Hacks:  શું તમારી સાથે પણ એવું થાય છે કે રોટલી સવારે બનાવો ત્યારે એકદમ સોફ્ટ હોય અને બપોરે જમવાના સમય સુધીમાં કડક થઈ જાય ? જો આવું થાય છે તો તેનો અર્થ છે કે તમે પણ રોટલીનો લોટ બાંધવાથી લઈ રોટલીને પેક કરવા સુધીની પ્રક્રિયામાં કેટલીક ભુલો કરો છો. રોટલી ઠંડી થયા પછી પણ કડક ન થાય અને સોફ્ટ જ રહે તે માટે એકવાર આ રીત ફોલો કરી જુઓ.

સોફ્ટ રોટલી માટે રોટલીનો લોટ બાંધવાથી લઈને રોટલી રાખવા સુધીના કામ કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું તે અહીં દર્શાવેલું છે. આ રીતોને ધ્યાનમાં લેશો તો સવારે બનાવેલી રોટલી સાંજ સુધી નહીં બીજા દિવસે નાસ્તામાં ખાવા સુધી સોફ્ટ રહેશે.

રોટલીને સોફ્ટ રાખવા માટેની ટીપ્સ

રોટલીનો લોટ કેવો રાખવો ?

રોટલી સોફ્ટ રાખવી હોય તો તેનો લોટ કડક ન રાખવો. વધારે કડક લોટની રોટલી પણ કડક થઈ જશે. રોટલી સોફ્ટ રાખવી હોય તો રોટલીનો લોટ પણ થોડો નરમ રાખો. રોટલીનો લોટ બાંધ્યા પછી તેને ઓછામાં ઓછી 15 મિનિટ રેસ્ટ આપો.

રોટલીના લોટમાં ઉમેરો દહીં

જો તમે સવારે વહેલા રોટલી બનાવી લેતા હોય તો રોટલીનો લોટ બાંધો ત્યારે તેમાં 2 ચમચી તાજું દહીં ઉમેરી દો અને હુંફાળા પાણીથી રોટલીનો લોટ બાંધો. લોટ બાંધી 10 થી 15 મિનિટ રેસ્ટ આપો અને પછી 1 ચમચી તેલ ઉમેરી લોટને બરાબર મસળી પછી રોટલી બનાવો.

રોટલી રાખવાની સાચી રીત

રોટલી બની જાય પછી તુરંત તેને કેસરોલમાં પેક ન કરો. પહેલા રોટલીને પ્લેટમાં રાખો. રોટલીની વરાળ નીકળી જાય પછી કેસરોલમાં મલમલનું કપડું રાખો અને તેમાં રોટલી મુકો. રોટલી મુકી કપડાથી રોટલીને કવર કરી દો. આ રીતે રાખવાથી રોટલી સોફ્ટ રહેશે.

રોટલીની સાઈડ પર ઘી લગાવો

રોટલી ઠંડી થઈ જાય એટલે તેની કિનારી કડક થઈ જાય છે. રોટલીને કડક થતા અટકાવવા માટે રોટલી બની જાય પછી તેને કેસરોલમાં મુકતાં પહેલા હાથમાં થોડું ઘી લો અને તેને બધી જ રોટલીની કિનારી પર લગાવી દો.

રોટલી બનાવતી વખતે આ વાતોને ધ્યાનમાં રાખશો તો રોટલી ઠંડી થયા પછી પણ સોફ્ટ રહેશે. રસોઈ દરમિયાન થયેલી નાની-નાની ભુલોના કારણે રોટલી કડક થઈ જતી હોય છે આ ભુલોને સુધારી લેવામાં આવે તો રોટલી સોફ્ટ રહે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES