Cleaning Hacks: ઘટસ્થાપના માટેનો કળશ સાફ કરવાની સૌથી સરળ રીત, 10 મિનિટમાં ચમકવા લાગશે તાંબાનો કળશ
Cleaning Hacks: નવરાત્રીની પૂજા માટે કળશ સહિતના તાંબાના વાસણ ઉપયોગમાં લેવાના હોય છે. તાંબાના કળશ સહિતના વાસણ જો કાળા પડી ગયા હોય તો તેને ફરીથી ચમકાવવાનો સરળ રસ્તો આજે તમને જણાવી દઈએ.
Cleaning Hacks: તાંબાના કળશ સહિતના પૂજાના વાસણ દરેક ઘરમાં હોય છે. તાંબાના વાસણની એક સમસ્યા હોય છે કે તે ઘરમાં રાખેલા હોય તો ધીરે-ધીરે કાળા પડી જાય છે. તમારા ઘરમાં રાખેલા કળશ સહિતના તાંબાના વાસણ પર જે કાળા ડાઘ પડી ગયા હોય તેને કાઢવાનો સરળ રસ્તો આજે તમને જણાવીએ. નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે અને નવરાત્રીમાં તાંબાના વાસણનો ઉપયોગ થતો હોય છે.
જો તમે પણ નવરાત્રિમાં તાંબાના કળશ સહિતના વાસણનો ઉપયોગ કરવા માંગતા હોય તો તેને આ ત્રણમાંથી કોઈ એક ઉપાય અપનાવીને સાફ કરજો. વર્ષો જૂનો તાંબાનો કાળો કળશ પણ ચકાચક થઈ જશે. આ કામમાં વધારે મહેનત પણ કરવી નહીં પડે અને તાંબાના વાસણ પરથી બધા જ ડાઘ નીકળી જશે.
આ પણ વાંચો: Curd Storage: ફ્રીજમાં રાખેલું દહીં કેટલા દિવસ પછી ચેક કરીને વાપરવું જોઈએ જાણો
તાંબાના કળશ સાફ કરવાની રીતો
1. તાંબાના કળશ અને અન્ય વાસણ કાળા પડી ગયા હોય તો તેને સાફ કરવા માટે મીઠું અને લીંબુનો ઉપયોગ કરી શકો છો. કળશની સફાઈ કરવા માટે લીંબુનો ટુકડો કરો અને તેના પર મીઠું રાખી કળશને લીંબુના ટુકડાથી ઘસીને સાફ કરો. કળશ પર જેમ જેમ લીંબુ લગાવતા રહેશો તેમ કળશ સાફ થતો દેખાશે અને તેના પરનો કાળો મેલ નીકળવા લાગશે. કળશની સફાઈ કરતી વખતે થોડું થોડું મીઠું લીંબુ સાથે ઉમેરતાં રહેવું. જ્યારે કળશ પરનો બધો જ મેલ નીકળી જાય ત્યારે કળશને ગરમ પાણીથી સાફ કરી લેવો. પાણીથી સાફ કર્યા પછી કપડાં વડે કળશને સારી રીતે સુકાવી લેવો જેથી તેના પર પાણીના ડાઘ પણ ન પડે.
આ પણ વાંચો: Soft Roti Hacks: સવારે બનાવેલી રોટલી રાત સુધી એકદમ સોફ્ટ રહેશે, લોટમાં ઉમેરી દેજો આ પીળી વસ્તુ
2. તાંબાના કળશને સાફ કરવાની બીજી રીત મીઠું અને વિનેગરની છે. અત્યારે લીંબુના ભાવ વધી ગયા છે તેવામાં સફાઈ માટે લીંબુનો ઉપયોગ ન કરવો હોય તો તેના બદલે વિનેગરનો ઉપયોગ કરી શકો છો. તેના માટે એક વાટકીમાં થોડો લોટ લઇ તેમાં મીઠું અને વિનેગર ઉમેરી પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટ વડે તાંબાના કળશને સાફ કરો. પાંચથી દસ મિનિટ કળશને આ પેસ્ટ વડે સાફ કરશો એટલે તાંબા પરનો બધો જ મેલ નીકળી જશે. છેલ્લે કળશને હુંફાળા પાણીથી સાફ કરી લો.
3. તાંબાના કળશ સહિતના વાસણને સાફ કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકાય છે. બેકિંગ સોડા અને વિનેગરને સમાન માત્રામાં મિક્સ કરો. હવે આ પેસ્ટ કળશ પર લગાવો અને 10 મિનિટ રહેવા દો. ત્યાર પછી કળશની સફાઈ નોર્મલ લિક્વિડ ડીશવોશથી કરો. છેલ્લે ગરમ પાણીથી કળશને સાફ કરો. આ રીતે કળશ પર જામેલો કાળો મેલ ફટાફટ નીકળી જશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)