Healthy Breakfast: દાળ-ચોખા વિના બનાવો હેલ્ધી ઈડલી, સવારના નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન
Healthy Breakfast: દાળ અને ચોખા વિના પણ તમે ઈડલી બનાવી શકો છો. આ ઈડલી બનાવવામાં દાળ કે ચોખાની જરૂર જ નથી પડતી એટલે આથો લાવવા દાળ-ચોખા પલાળવા પણ નહીં પડે. સવારના નાસ્તા માટે આ બેસ્ટ હેલ્ધી ઓપ્શન છે.
Healthy Breakfast: સવારના નાસ્તા માટે જો તમે હેલ્ધી ઓપ્શન શોધી રહ્યા હોય તો આજે તમને નાસ્તા માટે પરફેક્ટ હેલ્ધી ઈડલી બનાવવાની રીત જણાવી દઈએ. સામાન્ય ઈડલી બનાવવા માટે દાળ અને ચોખાને પલાળવા પડે છે પછી તેને પીસીને તેમાં આથો આવે તે માટે કલાકો સુધી રાખવું પડે છે. પરંતુ આજે જે ઈડલીની રીત અહીં તમને દર્શાવી છે તેમાં દાળ, ચોખાની જરૂર જ નથી પડતી. એટલા માટે જ આ ઈડલી બનાવવા માટે કલાકોનો સમય પણ નથી લાગતો. હેલ્ધી ઈડલી માત્ર 30 મિનિટની પ્રોસેસથી બની જાય છે.
નાસ્તા માટે હેલ્ધી ઈડલી
સવારે નાસ્તો કરવો જરૂરી હોય છે, ઘણા લોકો સવારના નાસ્તામાં લાઈટ વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. જો તમે પણ સવારે હેલ્ધી નાસ્તો પ્રીફર કરતા હોય તો ચાલો તમને રવાની સોફ્ટ ઈડલી કેવી રીતે બનાવી તે જણાવી દઈએ. રવાની ઈડલી બનાવવામાં સામગ્રી પણ ઓછી જોઈએ છે અને સમય પણ ઓછો લાગે છે. દરેક ઘરના રસોડામાં ઉપલબ્ધ હોય તેવી વસ્તુની મદદથી આ ઈડલી 30 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે.
રવાની ઈડલી બનાવવાની સામગ્રી
ઝીણો રવો એક કપ
દહીં એક કપ
મીઠું
એનો
તેલ
રવા ઈડલી બનાવવાની રીત
- સૌથી પહેલા એક મોટા બાઉલમાં ઝીણો રવો કાઢી લો. જો તમારી પાસે ઝીણો રોગો ન હોય તો જાડા રવાને મિક્સરમાં પીસીને ઉપયોગમાં લઈ શકો છો. રવામાં દહીં ઉમેરો અને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરો.
- રવા અને દહીંના મિશ્રણને ઢાંકીને 10 થી 15 મિનિટ રાખો ત્યાર પછી ચેક કરી લો. વધારે ઘટ્ટ લાગતું હોય તો થોડું પાણી ઉમેરી રવાના મિશ્રણને ઇડલીના ખીરા જેવું બનાવો.
- 15 મિનિટ પછી ગેસ પર ઈડલી બનાવવાનું સ્ટીમર ગરમ કરવા મૂકી દો અને ઈડલીના બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી તેલ અને ઇનો મિક્સ કરો. ઇનો મિક્સ કર્યા પછી ઈડલીને સ્ટીમ કરવા મૂકી દો.
10 મિનિટ માટે ઈડલીને મધ્યમ આંચ પર સ્ટીમ થવા દો અને પછી ઈડલી ચેક કરી બહાર કાઢી લો. તૈયાર કરેલી ઈડલી ને તમે ચટણી કે સાંભળ સાથે સર્વ કરી શકો છો.
વેજીટેબલ ઈડલી બનાવવાની રીત
અહીં તમને રવાની સાદી ઈડલી બનાવવાની રીત જણાવેલી છે. જો તમે વેજીટેબલ ઈડલી બનાવવા માંગતા હોય તો દહીંમાં રવો પલાળો ત્યારે તેમાં ખમણેલું ગાજર, દુધી, કોથમીર, બાફેલા વટાણા, ડુંગળી ઉમેરી દો. ત્યાર પછી ઈડલીના ખીરાને 10 મિનિટ સેટ થવા દો. દસ મિનિટ પછી થોડું તેલ લઈ તેમાં રાઈ અને લીમડાનો વઘાર કરો. આ વઘાર ઠંડો થઈ જાય પછી તેને ઈડલીના બેટરમાં મિક્સ કરી દો. આ રીતે તૈયાર કરેલા બેટરમાંથી પણ તમે વેજીટેબલ ઈડલી બનાવી શકો છો. આ રીતે બનાવેલી ઈડલી ખાવા માટે તમારે સાંભારની જરૂર પણ નહીં પડે.