Storage Hacks: હવે મોંઘા ભાવના લીંબુ નહીં સુકાય, આ સ્ટોરેજ ટ્રિક્સથી અડધું લીંબુ પણ દિવસો સુધી ફ્રેશ રહેશે
Lemon Storage Hacks: લીંબુના ભાવ એટલા વધી ગયા છે કે ગૃહિણીઓને અડધું લીંબુ પણ વેસ્ટ જાય તે પરવળે તેમ નથી. એટલા માટે જ અહીં કેટલીક ઉપયોગી જાણકારી શેર કરવામાં આવી છે. રસોઈમાં ઉપયોગ પછી બચેલા અડધા લીંબુને સ્ટોર કેવી રીતે કરવું ચાલો તમને પણ જણાવીએ.
Lemon Storage Hacks: અત્યારની સ્થિતિ એવી છે કે શાક માર્કેટમાં સૌથી વધારે મોંઘા લીંબુ છે. લીંબુના ભાવ જે રીતે વધી રહ્યા છે તેને જોતાં લાગે છે કે લીંબુ રાતાપાણીએ રોવડાવશે. લીંબુના વધતા ભાવ મહિલાઓની ચિંતા એટલા માટે વધારે છે કે સવારના નાસ્તાથી લઈ રાતના ભોજન સુધી દરેક વસ્તુમાં લીંબુનો ઉપયોગ કરવો પડે છે. આવા સમયે ઉપયોગમાં લીધા પછી અડધું લીંબુ બચે તો તેને પણ સાચવીને રાખવું જરૂરી છે. જો કે અડધા લીંબુને ફ્રીજમાં વાટકીમાં મુકી દેવાથી તે સુકાઈ જાય છે અથવા તો સડી જાય છે. આવું ન થાય તેના માટે શું કરવું આજે તમને જણાવીએ.
લીંબુના વધેલા ભાવને લઈને ગૃહિણીઓ અડધા લીંબુમાં થોડો રસ પણ હોય તો તેને પણ સાચવીને રાખે છે. આ રીતે કાપેલું કે અડધું લીંબુ કઈ રીતે રાખવું જોઈએ એ જાણવું આજના સમયમાં જરૂરી થઈ ગયું છે. આજે તમને આવા જ સ્ટોરેજ હૈક વિશે જણાવીએ જે અડધા લીંબુની સેલ્ફ લાઈફ વધારશે અને તમારા પૈસા બચાવશે. તો ફટાફટ જાણી લો કે ફ્રીજમાં અડધું લીંબુ કઈ રીતે રાખવું જેથી તે ખરાબ ન થાય.
અડધું લીંબુ સ્ટોર કરવાની રીતો
પાણીની વાટકી
જો લીંબુનો વપરાશ એક દિવસમાં થઈ જવાનો હોય તો તમે અડધા લીંબુને પાણીની વાટકીમાં રાખી દો. એક વાટકીમાં એટલું પાણી ભરો જેમાં અડધા લીંબુની છાલ ડુબેલી રહે. લીંબુની છાલ પાણીમાં રહેશે તો ફ્રીજની ઠંડી હવાના કારણે લીંબુ કડક નહીં થાય અને તેનો રસ પણ નહીં સુકાય. એક કે બે દિવસમાં લીંબુનો વપરાશ થઈ જવાનો હોય તો લીંબુને પાણીમાં રાખો.
તેલ લગાડો
લીંબુની છાલ ફ્રીજની ઠંડી હવાના કારણે સુકાઈ જાય તો પછી તેનો રસ પણ સુકાવા લાગે છે. આ સ્થિતિમાં લીંબુની છાલને સુકાતા અટકાવવા માટે તેના પર તેલ લગાવી ફ્રીજમાં મુકો. જે પણ તેલનો ઉપયોગ રસોઈમાં કરતાં હોય તેને લીંબુની છાલ પર લગાવી લીંબુને ફ્રીજમાં મુકો. આ ટ્રીક આખા લીંબુ પર વધારે સારી રીતે કામ કરે છે.
કાચની ડબ્બીમાં રાખો
અડધા લીંબુને 4,5 દિવસ સુધી ફ્રેશ રાખવું હોય તો લીંબુને રાખવા માટે નાનકડી કાચની ડબ્બી કે બરણી શોધી લો. કાચની ડબ્બીમાં અડધા લીંબુને રાખી. ડબ્બી બરાબર પેક કરી ફ્રીજમાં રાખી દો. આ રીતે પણ અડધું લીંબુ દિવસો પછી પણ ઉપયોગને લાયક રહેશે.
ફોઈલનો ઉપયોગ કરો
અડધું લીંબુ હવાના સંપર્કમાં રહે તો ઝડપથી ખરાબ થઈ જાય છે. આવું ન થાય તે માટે તમે અડધા લીંબુને ફોઈલ કે પ્લાસ્ટિકની મદદથી કવર કરી ફ્રીજમાં રાખી શકો છો. ફોઈલ કે પ્લાસ્ટિક થી કવર કરી લીંબુ રાખશો તો અડધું લીંબુ સુકાશે નહીં.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)