Cleaning Hacks: બાથરુમના અરીસા પર થયેલા સફેદ ડાઘ કાઢવાનો અચૂક ઉપાય, આ રીતે 5 મિનિટમાં બધા ડાઘ નીકળી જશે
Mirror Cleaning Hacks: તમારા ઘરના બાથરુમમાં લગાવેલા અરીસમાં પણ સફેદ ડાઘા થઈ ગયા હશે. આ ડાઘને સાફ કરવાની જોરદાર રીત આજે તમને જણાવીએ. આ રીત અપનાવશો તો અરીસા પરથી બધા જ ડાઘ એકવારમાં નીકળી જશે.
Mirror Cleaning Hacks: દિવાળીનો તહેવાર જેમ જેમ નજીક આવશે તેમ દરેક ઘરમાં સાફ-સફાઈની શરૂઆત થઈ જશે. દિવાળી પહેલા ઘરની દરેક વસ્તુને ચકાચક કરવામાં આવે છે. દિવાળીની સાફ-સફાઈમાં મોટાભાગની વસ્તુ તો ફટાફટ ક્લીન થઇ જાય છે પરંતુ બાથરૂમમાં લગાવેલા અરીસા ઝડપથી સાફ થતા નથી. બાથરૂમમાં લગાવેલા કાચ અને અરીસા પર સફેદ ડાઘ પડી જાય છે આ ડાઘને સાબુ કે લિક્વિડ સોપથી સાફ કરો તો તે થોડા ઝાંખા પડે છે પરંતુ નીકળતા નથી. આવું તમારી સાથે પણ થતું હોય તો આજે તમને 3 એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને અરીસા પર લગાડશો એટલે સફેદ ડાઘ એકવારમાં જ નીકળી જશે.
બાથરૂમના અરીસા પર સફેદ ડાઘ પડી જવા તે સામાન્ય સમસ્યા છે, જે દરેક ઘરમાં જોવા મળે છે. બાથરૂમમાં લગાવેલા કાચ અને અરીસાને સાફ કરવા હોય અને તેની પરથી ડાઘ કાઢવા હોય તો આ ચાર અસરદાર ઉપાય અજમાવી શકો છો. આ 3 વસ્તુઓ એવી છે જે ગણતરીની મિનિટોમાં અરીસા પરથી બધા જ ડાઘ સાફ કરી નાખશે. તો આ વખતે દિવાળીની સાફ-સફાઈ શરૂ કરો ત્યારે ઘરના અરીસા આ રીતે સાફ કરજો. ઘરમાં અરીસા એવા ચમકશે જાણે નવા જ લગાવ્યા હોય.
અરીસા પરથી સફેદ ડાઘ કાઢવાની રીત
બેકિંગ સોડા
ઘરના અરીસા પર સફેદ ડાઘ પડી ગયા હોય તો તેને કાઢવા માટે લીંબુ અને બેકિંગ સોડા નો ઉપયોગ કરી શકો છો. એક વાટકીમાં બેકિંગ સોડા લઈ તેમાં લીંબુનો રસ ઉમેરો. ત્યાર પછી આ મિશ્રણને અરીસા પર લગાવો. એક થી બે મિનિટ આ મિશ્રણને અરીસા પર રહેવા દો ત્યારપછી કોટનના સાફ કપડાંથી અરીસો સાફ કરી લો. લીંબુ અને બેકિંગ સોડાની મદદથી અરીસા પરના જીદ્દી ડાઘ એકવારમાં નીકળી જશે.
હેન્ડ સેનિટાઇઝર
અરીસા પર લાગેલા ક્ષારના ડાઘ અને સફેદ ડાઘ દૂર કરવામાં હેન્ડ સેનિટાઇઝર પણ મદદરૂપ થઈ શકે છે.. હેન્ડ સેનિટાઈઝરને નાનકડી સ્પ્રે બોટલમાં ભરો અને પછી અરીસા પર છાંટી દો એક મિનિટ માટે હેન્ડ સેનિટાઈઝરને અરીસા પર રહેવા દો અને ત્યાર પછી કોટનના કપડા વડે અરીસાને સાફ કરો. હેન્ડ સેનિટાઈઝરની મદદથી અરીસા પર લાગેલા દરેક પ્રકારના ડાઘ દૂર થઈ જશે અને અરીસો નવો હોય તેવો લાગશે.
ટૂથપેસ્ટ
ટૂથપેસ્ટ ની મદદથી પણ તમે અરીસો સાફ કરી શકો છો. જો તમારે નવી ટૂથપેસ્ટ બગાડવી ન હોય તો એક્સપાયર થયેલી ટૂથપેસ્ટ ને સફાઈ માટે સાચવી રાખો. એક્સપાયર થઈ ગઈ હોય તેવી ટુથપેસ્ટને અરીસા પર ડાઘ હોય તે જગ્યાએ લગાવો. થોડી મિનિટ રહેવા દો અને ત્યાર પછી સોફ્ટ સ્ક્રબ થી અરીસાને સાફ કરો અને છેલ્લે ભીના કપડાથી અરીસો ક્લીન કરો.. ટૂથપેસ્ટ ની મદદથી અરીસા પર લાગેલા સાબુના ડાઘ સરળતાથી નીકળી જાય છે.
આ 3 વસ્તુની મદદથી અરીસા પર લાગેલા સફેદ ડાઘ કાઢવામાં મદદ મળશે. જોકે અરીસો સાફ કરતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે તેને ક્લીન કરવા માટે લોખંડના સ્ક્રબ નો ઉપયોગ કરવો નહીં. કોઈપણ સોફ્ટ કે પછી કોટનના કપડાનો જ ઉપયોગ કરવો. તમે ઈચ્છો તો જૂના અખબાર નો ઉપયોગ પણ કરી શકો છો. અરીસાની સફાઈ કર્યા પછી છેલ્લે સુતરાઉ કપડાની મદદથી અરીસો સાફ કરી લેવો. અરીસા પર ભેજ રહી જશે તો પણ તેના નિશાન પડી જાય.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)