US Air Traffic: અમેરિકામાં એર ટ્રાફિક સિસ્ટમ ઠપ્પ થતાં સર્જાઈ સમસ્યા, હજારો લોકો એરપોર્ટ પર ફસાયા
US Air Traffic system Outage: અમેરિકાની એર ટ્રાફિક સિસ્ટમ ઠપ્પ થઈ જતા હજારો લોકો પરેશાન થયા હતા. કોમ્યુનિકેશન સિસ્ટમમાં ખરાબ થયાની સાથે જ અમેરિકામાં તમામ ફ્લાઈટ્સને ટેકઓફ કરતાં અટકાવી દેવામાં આવી હતી જેના કારણે અનેક યાત્રી એરપોર્ટ પર ફસાયા હતા.
US Air Traffic system Outage: અમેરિકામાં અચાનક જ બધી ફ્લાઈટને ટેક ઓફ કરતા અટકાવી દેવામાં આવી હતી. જેના કારણે એરપોર્ટ પર ફ્લાઈટ્સના થપ્પા લાગી ગયા હતા. આ ઘટના શુક્રવારે બની હતી. જાણવા મળતી માહિતી અનુસાર અમેરિકાના એર ટ્રાફિક કંટ્રોલ સેન્ટરની કોમ્યુનિકેશન સિસ્ટમ અચાનક ફેલ થઈ ગઈ હતી. જેના કારણે અમેરિકામાં હવાઈ યાત્રા પ્રભાવિત થઈ હતી. કમ્યુનિકેશન સિસ્ટમ ઠપ્પ થઈ જતા તુરંત જ બધી જ ફ્લાઈટને ટેક ઓફ કરતા અટકાવી દેવામાં આવી હતી. કમ્યુનિકેશન સિસ્ટમમાં સર્જાયેલી ખામીના કારણે 11,000 થી વધારે ફ્લાઇટ પ્રભાવિત થઈ હોય તેવી જાણકારી સામે આવી છે.
ગ્રાઉન્ડ સ્ટોપના આદેશ
એર ટ્રાફિક સિસ્ટમના કમ્યુનિકેશનમાં ખામી સર્જાતા ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા ભારતીય સમય અનુસાર રાત્રે 2.24 કલાકે અમેરિકાની તમામ ફ્લાઇટ માટે ગ્રાઉન્ડ સ્ટોપનો આદેશ જાહેર કરવામાં આવ્યો. ગ્રાઉન્ડ સ્ટોપ એટલે કે દેશભરમાં કોઈપણ ફ્લાઈટ ટેક ઓફ ન કરી શકે તેને ગ્રાઉન્ડ પર જ રોકી દેવામાં આવે. આ આદેશ થયાની સાથે જ એરપોર્ટ પર ફ્લાઇટ અટકી ગઈ હતી અને લોકો ફસાઈ ગયા. જે ફ્લાઈટ આ આદેશ દરમિયાન હવામાં હતી તેમને ડેસ્ટિનેશન સુધી પહોંચી જવાની અનુમતિ આપવામાં આવી હતી ત્યાર પછી કલાકો સુધી ફ્લાઇટ પર ગ્રાઉન્ડ સ્ટોપના આદેશ રાખવામાં આવ્યા.
અમેરિકામાં જાહેર થયેલા ગ્રાઉન્ડ સ્ટોપના આદેશના કારણે 8000 જેટલી ફ્લાઈટ પ્રભાવિત થઈ હતી. લાખો યાત્રીઓ એરપોર્ટ પર ફસાયા હતા અને અન્ય કેટલાક યાત્રીઓને યાત્રા પણ પ્રભાવિત થઈ હતી. જોકે સવાર સુધીમાં કોમ્યુનિકેશન સિસ્ટમમાં આવેલી સમસ્યા દૂર થઈ જતા ફ્લાઇટ પર લગાવેલો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો.
કોમ્યુનિકેશન સિસ્ટમમાં રહેલી ખામી દૂર થઈ ગયા પછી ફ્લાઈટ પરથી ગ્રાઉન્ડ સ્ટોપના આદેશ હટાવી લેવામાં આવ્યા તેમ છતાં ફ્લાઈટ મોડી થવાની સમસ્યા રહી શકે છે. કલાકો સુધી ગ્રાઉન્ડ સ્ટોપનો આદેશ રહેવાના કારણે અનેક ફ્લાઈટ એરપોર્ટ પર લેન્ડ થઈ ચૂકી છે હવે આ બધી જ ફ્લાઈટ ફરીથી ટેક ઓફ કરે તેમાં સમય લાગી શકે છે જેના કારણે મુસાફરોની યાત્રા પણ પ્રભાવિત થશે.
આ પણ વાંચો: Nvidia new CEO: એનવીડિયાની કમાન સંભાળશે કોલેટ ક્રેસ, અફેરના કારણે 33 વર્ષ પછી જેનસન હુઆંગને છોડવી પડી કંપની
અમેરિકાની એર ટ્રાફિક સિસ્ટમ એવા સમયે ખામી સર્જાય છે ત્યારે માઈક્રોસોફ્ટ માં પણ સમસ્યા ચાલી રહી હતી. આ અંગે અમેરિકાના ગૃહ સુરક્ષા સચિવે નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી દીધી છે કે આ ઘટનાનો માઈક્રોસોફ્ટ સાથે કોઈ સંબંધ નથી અને તેમણે એ વાતની સ્પષ્ટતા પણ કરી છે કે યુએસની સિસ્ટમ પર કોઈ સાઈબર અટેક પણ થયો નથી. સાઇબર એટેકની વાત પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ નિવેદન આપ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટ કર્યું છે કે ફ્લાઇટ ટેક ઓફ કરવામાં છે સમસ્યા થઈ છે તેની પાછળ સાઇબર એટેક કે એઆઈની કોઈ જ ભૂમિકા નથી.
2001 પછી પહેલી વખત ગ્રાઉન્ડ સ્ટોપના આદેશ
ગ્રાઉન્ડ સ્ટોપ એક ઇમર્જન્સી આદેશ છે જેમાં હવામાં હોય તે ફ્લાઇટને લેન્ડ કરવાની અનુમતિ હોય છે પરંતુ જે વિમાન એરપોર્ટ પર હોય તેમને ટેક ઓફ કરવાની પરવાનગી હોતી નથી. ગ્રાઉન્ડ સ્ટોપના આદેશ રહે ત્યાં સુધી કોઈ પણ ફ્લાઇટ ટેક ઓફ કરી શકતી નથી. મહત્વનું છે કે અમેરિકામાં 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલા આતંકી હુમલા પછી દેશભરમાં ગ્રાઉન્ડ સ્ટોપના આદેશ લગાવવામાં આવ્યા હતા. 2023 માં કોમ્પ્યુટર સિસ્ટમમાં ખરાબી થઈ હોવાના કારણે અમુક કલાકો સુધી ફ્લાઇટને રોકવામાં આવી હતી. આ બે ઘટના પછી 2026 માં આ પહેલી વખત છે જ્યારે અમેરિકામાં ગ્રાઉન્ડ સ્ટોપના આદેશ જાહેર કરવામાં આવ્યા હોય.