અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો, નોકરી કરવી હોય તો ભરવા પડશે 68 લાખ!
US Student Visa: અમેરિકામાં અભ્યાસ કરવાની સાથે સાથે પોતાનો ખર્ચો કાઢવા માટે નોકરી કરવા માંગતા વિદેશી વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર છે. કારણ કે ટ્રમ્પ પ્રશાસન અભ્યાસ સાથે નોકરી કરવા માંગતા વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી ભારેભરખમ ફી વસૂલવાની તૈયારી કરી રહ્યું છે.
Published: Oct 08, 2026, 03:14 PM IST
| Updated: Oct 08, 2026, 03:17 PM IST
વિદેશમાં ખાસ કરીને અમેરિકા જઈને ભણી ગણીને વસી જવાના સપના અનેક લોકોના મનમાં સેવાયેલા હોય છે પરંતુ હવે આ સપનું ભારે પડી શકે છે. કારણ કે વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે જો નોકરી કરીને કમાવવા માંગતા હોય તો તેમણે તે માટે ભારે ફી ચૂકવવાની તૈયારી કરવી પડશે. ટ્રમ્પ પ્રશાસને હવે અમેરિકામાં નોકરી કરવા માંગતા વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી ઓછામાં ઓછા 70 હજાર અમેરિકી ડોલર વસૂલવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ભારતીય ચલણમાં આ રકમ લગભગ 68 લાખ રૂપિયા જેવી થાય.
ભારતીયોને મળશે મોટો ઝટકો
- ટ્રમ્પ પ્રશાસન આ ફી ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) માટે વસૂલશે. ત્યારબાદ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કર્યા બાદ અમેરિકામાં નોકરી કરવાની મંજૂરી મળી શકે છે.
- આ પ્રસ્તાવ અંતર્ગત એફ-1 વિઝાવાળા નોન ઈમિગ્રેન્ટ વિદ્યાર્થીઓએ ઓપ્શનલ પ્રેક્ટિસિંગ ટ્રેનિંગ (OPT)માં સામેલ થવા માટે 70000 ડોલર ચૂકવવા પડશે. જ્યારે રિન્યૂ કરાવવા માટે 30000 ડોલરની ફી ભરવી પડશે.
- OPT પ્રોગ્રામ દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકામાં કામ કરવાની તક મળે છે. ટેક કંપનીઓ અને અન્ય અમેરિકી કંપનીઓ પણ ભારતીય વિદ્યાર્થીઓને જોબ પર રાખતા હોય છે.
- અત્રે જણાવવાનું કે આ રકમ વિદ્યાર્થીએ નહીં પરંતુ તેની કોલેજ કે યુનિવર્સિટીએ ભરવી પડશે.
- એવું કહેવાય છે કે ટ્રમ્પ પ્રશાસન તરફથી વિદેશી વિઝા હોલ્ડર્સ સામે થઈ રહેલી કડક કાર્યવાહીનો જ આ એક ભાગ છે.
- ટ્રમ્પ પ્રશાસનના આ પગલાંથી ભારતીય વિદ્યાર્થીઓ સૌથી વધુ પ્રભાવિત થશે.
ભારતીયોને ભારે પડશે ટ્રમ્પ પ્રશાસનનો આ નિર્ણય!
- 2024-25ના આંકડા જોઈએ તો અમેરિકામાં સૌથી વધુ ભારતના લગભગ 3.63 લાખ વિદ્યાર્થીઓ ભણતા હતા.
- ત્યારબાદ ચીની વિદ્યાર્થીઓનો વારો આવે છે.
- હવે આટલી મોટી ફીના કારણે કોલેજો અને યુનિવર્સિટીઓ પર વિદેશી વિદ્યાર્થીઓને OPTની સુવિધા આપવાનો ખર્ચો ઘણો વધી જશે.
- જેનાથી અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે અભ્યાસ કરવો ઘણો મોંઘો બની શકે છે.
- અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાગનું કહેવું છે કે આ પગલું વિઝામાં ફ્રોડ અને OTP પ્રોગ્રામના દુરઉપયોગને અટકાવવા માટે છે.
હાલ શું છે સ્થિતિ?
- ટ્રમ્પ પ્રશાસન હાલ તો હજુ આ પ્રસ્તાવ લઈને આવ્યા છે. જેના પર લોકો અને સંસ્થાનોને પોતાના અભિપ્રાય આપવા માટે 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
- ત્યારબાદ સરકાર તેને અંતિમ સ્વરૂપ આપી શકે.
- આ પ્રસ્તાવનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે.
- ટેલેન્ટ મોબિલિટી ફંડના ડાયરેક્ટર ડગ રેન્ડનું કહેવું છે કે આ પ્રસ્તાવિત નિયમ કોર્ટોમાં ટકી શકશે નહીં.
- તેમનું કહેવું છે કે 1 લાખ ડોલરની એચ-1બી ફી અને પ્રતિબંધોવાળી નીતિઓ જેમ કોર્ટમાં ટકી શકી નહતી તેમ આ પણ રદ થઈ શકે છે.