9/11 થતા થતા રહી ગયું? ફ્લાયદુબઈ ફ્લાઈટ અંગે અત્યંત ચોંકાવનારો દાવો- વિમાન ક્રેશ કરવા માંગતો હતો પાઈલોટ
દુબઈ બેસ્ડ દુબઈ એવીએશશન કોર્પોરેશનની ફ્લાયદુબઈની એક ફ્લાઈટ જે દુબઈથી ઈઝરાયેલના તેલ અવીવ જઈ રહી હતી તેના તરફથી આજે અપહરણનો સંકેત મળતા જ હડકંપ મચી ગયો હતો. હવે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે આ ફ્લાઈટના એક પાઈલોટે વિમાનને ક્રેશ કરવાની કોશિશ કરી હતી અને બીજો પાઈલોટ તથા વિમાનમાં હાજર મુસાફરો વિમાનને ક્રેશ થતું બચાવવાના પ્રયત્નો કર્યા અને આ દરમિયાન લોહીયાળ જંગ ખેલાયો હતો.
યુનાઈટેડ આરબ અમીરાતના દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ નંબર FZ1073 વિશે એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. પહેલા આ વિમાન વિશે એવા રિપોર્ટ્સ હતા હાઈજેક થયું હોવાનું સિગ્નલ મળ્યું હતું અને ત્યારબાદ યેનકેન પ્રકારે વિમાનનું સાઉદી અરબના તાબુકમાં લેન્ડિંગ કરાવવામાં આવ્યું. પરંતુ હવે જે વિગતો સામે આવી રહી છે તે હચમચાવી નાખે તેવી છે. ત્યારબાદ ફરી એકવાર અમરિકામાં જે 9/11ની ઘટના ઘટી હતી તેની યાદ તાજી થઈ છે કે શું આવો કોઈ પ્લાન હતો?
પાઈલોટે કરી વિમાન ક્રેશ કરવાની કોશિશ?
રિપોર્ટ્સ મુજબ આ વિમાનના એક પાઈલોટે સ્યૂસાઈડ અને વિમાન ક્રેશ કરવાની કોશિશ કરી હતી. ત્યારે બીજા પાઈલોટે તેને રોકવાની કોશિશ કરી તો ચાકૂથી હુમલા થયા. જો કે આ ક્રેશ થયાના દાવાની હજુ પુષ્ટિ નથી થઈ પરંતુ ઈઝરાયેલી અધિકારીઓએ પાઈલોટો વચ્ચે મારામારીની પુષ્ટિ કરેલી છે. બોઈંગ 737 મેક્સ 8 વિમાનમાં લગભગ 180 મુસાફરો હતા અને તેમાંથી 150 જેટલા તો ઈઝરાયેલી નાગરિકો હતા.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ વિમાનની કોકપિટમાંથી બૂમો સંભળાતી હતી અને લોહી પડેલું જોવા મળ્યું હતું.
પાઈલોટે આત્મહત્યાની કોશિશ કર્યાનો દાવો
ઈઝરાયેલી મીડિયા રિપોર્ટ્સ મુજબ એક પાઈલોટે જ્યારે વિમાનને જમીન તરફ વાળીને ક્રેશ કરવાની કોશિશ કરી તો બીજા પાઈલોટે મુસાફરોની મદદથી તેને રોકવાની કોશિશ કરી હતી. અન્ય એક રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો કે પાઈલોટે આત્મહત્યા કરવાની ધમકી પણ આપી હતી. જો કે આ દાવાઓની કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ એક ઈઝરાયેલી મુસાફર આ બધી માથાકૂટ થતા વિમાનની કોકપિટમાં પહોંચ્યો અને બીજા પાઈલોટને મદદ કરવા લાગ્યો હતો. બંનેએ મળીને તે બેકાબૂ થયેલા પાઈલોટને કાબૂમાં કર્યો હતો જેમાં આ મુસાફર પણ ઘાયલ થયેલો સામે આવ્યું છે. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ચેનલ 12ના રિપોર્ટમાં એવો પણ દાવો છે કે વિમાનમાં સાદા કપડાંમાં કેટલાક પાઈલોટ પણ મુસાફરો તરીકે હાજર હતા. તેમણે પણ આ પાયલોટને રોકવામાં મદદ કરી.
ચારેબાજુ લોહી ફેલાયેલું!
એક અન્ય મુસાફરના જણાવ્યાં મુજબ તેણે કોકપિટમાથી બૂમાબૂમના અવાજ સાંભળ્યા હતા. દરવાજો ખુલ્યો તો એક પાઈલોટ ઘાયલ હતો. તેના હાથમાં ચાકૂ હતું અને ચારેબાજુ લોહી ફેલાયેલું હતું.
શું હતો મામલો?
વાત જાણે એમ હતી કે વિમાન 180 જેટલા લોકોને લઈને ઉડી રહેલા વિમાને પહેલા તો 7700 નો કોડ મોકલતા હડકંપ મચી ગયો હતો. આ કોડનો અર્થ એ થાય છે કે વિમાનમાં કોઈ ઈમરજન્સી આવી છે. ગણતરીની પળો બાદ વિમાને 7500 કોડ વિમાનમાંથી આવ્યો અને આ કોડ વિમાન હાઈજેકનો હોય છે.
ફ્લાઈટ રડાર મુજબ વિમાન ફક્ત બે મિનિટમાં 34 હજાર ફૂટથી સીધું 16600 ફૂટની ઊંચાઈ પર આવી ગયું. ત્યારબાદ વિમાને પોતાનો રસ્તો બદલ્યો અને સાઉદી અરબ બાજુ જતું રહ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ મુજબ વિમાનના કોકપિટમાં પાઈલોટ અને કો પાઈલોટ વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન વિમાનમાંથી ઈમરજન્સી સિગ્નલ્સ આવ્યા હતા. જો કે આ પાઈલોટ કઈ વાતે ઝઘડ્યા હતા તેની જાણકારી હજુ સામે આવી નથી.
ઈઝરાયેલમાં તપાસ ચાલુ
ઈઝરાયેલમાં આ સમગ્ર મામલે તપાસ ચાલુ છે. ઈઝરાયેલી પત્રકાર અમિત સેગલે એવો પણ દાવો કર્યો છે કે કો પાઈલોટે કેપ્ટન પર અનેકવાર ચાકૂથી હુમલો કર્યો હતો. તેમના જણાવ્યાં મુજબ મુસાફરોએ કોકપિટમાં પહોંચીને કો પાયલોટને કાબૂ કર્યો હતો. ચેનલ 12 સાથે વાતચીતમાં ઈઝરાયેલના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ફ્લાયદુબઈની આ ફ્લાઈટમાં એક મોટી અનહોની ટળી. જો પાયલોટને કાબૂ ન કરી શકાયો હોત તો 2001માં અમેરિકામાં જે 9/11 થયું હતું તેવું થઈ શકતું હતું.