SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

યુદ્ધમાં હવે રોબોટ્સની એન્ટ્રી, યુક્રેને ઉતાર્યા આત્મઘાતી રોબોટ્સ, તો ચીન બનાવી રહ્યું રોબોટ્સની ફોજ

Robot Army : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું લોહિયાળ યુદ્ધ હવે એવા ખતરનાક વળાંક પર પહોંચી ગયું છે, જ્યાં માણસોની જગ્યાએ મશીનો મોતનું તાંડવ મચાવી રહ્યા છે. યુક્રેને યુદ્ધના મેદાનમાં આત્મઘાતી જમીની રોબોટ્સ અને AIથી સજ્જ સિસ્ટમ્સ ઉતારીને દુનિયાભરની રક્ષા એજન્સીઓને ચોંકાવી દીધી છે. ભારે વિસ્ફોટકોથી સજ્જ આ રોબોટ્સ દુશ્મનના ઠેકાણાઓ પર કહેર વરસાવી રહ્યા છે.

Written By Dilip Chaudhary
Published: Sep 29, 2026, 08:44 PM IST | Updated: Sep 29, 2026, 08:47 PM IST
Join

Robot Army : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પુતિન અને ઝેલેન્સ્કીની સેનાઓએ એકબીજાના દેશની સરહદમાં ઘૂસીને અગાઉ પણ તબાહી મચાવી છે, પરંતુ હવે યુક્રેને યુદ્ધના મેદાનમાં એવો ખતરનાક દાવ અજમાવ્યો છે, જેણે દુનિયાભરની રક્ષા એજન્સીઓને ચોંકાવી દીધી છે. યુક્રેને યુદ્ધમાં આત્મઘાતી જમીની રોબોટ્સ ઉતારી દીધા છે.

તબાહીની આ નવી કહાની પૂર્વી યુક્રેનના ડોનેત્સ્ક વિસ્તારમાં લખાઈ છે, જ્યાં યુક્રેનની થર્ડ આર્મી કોર્પ્સે ‘ઓપરેશન વિવાલ્ડી’ હેઠળ એવી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો, જેની કલ્પના અત્યાર સુધી માત્ર સાયન્સ ફિક્શન ફિલ્મોમાં જ કરવામાં આવતી હતી. રણનીતિ અત્યંત આક્રમક હતી ચાર પૈડાંવાળા નાના માનવરહિત જમીની વાહનો એટલે કે UGV, જેમાં મોટી માત્રામાં વિસ્ફોટકો ભરવામાં આવ્યા હતા.

મશીનો મચાવી રહ્યા છે મોતનું તાંડવ!

ભારે ડ્રોન આ આત્મઘાતી રોબોટ્સને રશિયન સેનાની સરહદથી 14.5 કિલોમીટર અંદર સુધી લઈ જઈને છોડી દેતા હતા. ત્યાર બાદ આ રોબોટ્સ જમીન પર આગળ વધીને રશિયન સૈનિકોના ઠેકાણાઓ સુધી પહોંચતા અને હુમલો કરતા હતા. આ ટેક્નોલોજીના આધારે યુક્રેને લગભગ 3 હજાર રશિયન સૈનિકોને ઠાર કર્યા હોવાનો દાવો કર્યો છે. સાથે જ ડોનેત્સ્કમાં અનેક ગામો અને વસાહતો ફરી કબજે કર્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ દરમિયાન આ રોબોટ્સે 15 હજારથી વધુ મિશન હાથ ધર્યા હતા.

‘આર્મી ઓફ રોબોટ્સ’ પ્રોજેક્ટની જાહેરાત 

યુક્રેન અહીં અટકવાનું નથી, પોતાની સેનાના જવાનોના જીવ બચાવવા માટે યુક્રેને ‘આર્મી ઓફ રોબોટ્સ’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ મેગા પ્રોજેક્ટ હેઠળ એવા હ્યુમનોઇડ રોબોટ્સ બનાવવામાં આવી રહ્યા છે, જે બંકરમાં બેસીને મશીનગનમાં ગોળીઓ ભરશે, બેટરી બદલશે અને માનવજીવનને જોખમમાં મૂક્યા વિના ફ્રન્ટલાઈન પર મોરચો સંભાળશે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIથી સજ્જ આ સિસ્ટમ્સ હવે યુદ્ધના મેદાનમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. જોકે નિષ્ણાતોના મતે, રોબોટ્સે હુમલાની ગતિ ભલે વધારી હોય, પરંતુ ટ્રિગર દબાવવાનો અને રણનીતિ નક્કી કરવાનો અંતિમ નિર્ણય આજે પણ માનવ કમાન્ડર્સના હાથમાં જ છે.

રોબોટિક રેસમાં ભારત પણ પાછળ નથી

આ રોબોટિક રેસમાં માત્ર યુક્રેન જ સામેલ નથી. રશિયા, ચીન અને ઈઝરાયલ પણ માનવરહિત જમીની વાહનો વિકસાવવામાં લાગેલા છે. રશિયા તેનો ઉપયોગ હથિયારો પહોંચાડવા માટે કરી રહ્યું છે, જ્યારે ચીન ઝુંડમાં હુમલો કરનારા રોબોટ્સ વિકસાવી રહ્યું છે.

આ ટેક્નોલોજીની રેસમાં ભારત પણ પાછળ નથી. રક્ષા સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે DRDOએ ‘એક્સપ્લોડર’ નામનું માનવરહિત વાહન વિકસાવ્યું છે. જે ઊબડખાબડ રસ્તાઓ પર આગળ વધીને દેખરેખ રાખવા અને લેન્ડમાઈન જેવા ખતરનાક વિસ્ફોટકોને નિષ્ક્રિય કરવા માટે સક્ષમ છે.

યુદ્ધના મેદાનમાં આ રોબોટ સૈનિકોની એન્ટ્રીએ સાબિત કરી દીધું છે કે આવનારા સમયમાં યુદ્ધો માણસો વચ્ચે ઓછા અને ટેક્નોલોજી વચ્ચે વધુ લડાઈ શકે છે. યુક્રેન યુદ્ધમાં સૈનિકોના જીવ બચાવવા માટે મશીનોને ઢાલ બનાવી રહ્યું છે, પરંતુ આ ટેક્નોલોજીએ યુદ્ધને વધુ ઘાતક અને અનિશ્ચિત પણ બનાવી દીધું છે, સવાલ એ છે કે શું આવનારો સમય માનવ સભ્યતા માટે વધુ ખતરનાક બનવાનો છે ?
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES