ધરતી પર મોતનું તાંડવ: નેપાળમાં પૂર અને ભૂસ્ખલને મચાવી તબાહી, 21ના જીવ ગયા
Nepal avalanche : નેપાળ ફરી એકવાર કુદરતના ભયાનક તાંડવની ઝપેટમાં આવ્યું છે. મનાંગ જિલ્લામાં 7,126 મીટર ઊંચા હિમલુન્ગ હિમાલ પર આવેલા વિનાશક હિમસ્ખલન અને એવલાંચે પર્વતારોહકોની કેમ્પને તહસનહસ કરી નાખી છે. જેમાં 12 લોકો લાપતા હોવાનું કહેવાઈ રહ્યું છે તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં મુશળધાર વરસાદ બાદ આવેલા ભયાનક ભૂસ્ખલન અને પૂરે અનેક મકાનોને કાટમાળમાં ફેરવી દીધા છે. અત્યાર સુધીમાં 21થી વધુ લોકોના મોત થયા છે.
Nepal landslide : નેપાળ પર કુદરતનો કહેર જાણે અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. 26 ઓગસ્ટે સર્જાયેલી ભીષણ તબાહીના ઘા હજુ રૂઝાયા પણ નથી ત્યાં ફરી એકવાર કુદરતે નેપાળ પર એવો પ્રલયકારી કહેર વરસાવ્યો છે કે ચોતરફ હાહાકાર મચી ગયો છે. ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલને જ્યાં એક તરફ સામાન્ય જનજીવનને સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે તો બીજી તરફ મનાંગ જિલ્લામાં બરફીલા તોફાન એટલે કે હિમસ્ખલને પર્વતારોહકોના શ્વાસ અધ્ધર કરી દીધા છે.
- નેપાળમાં ફરી કુદરતનો કહેર
- હિમલુન્ગ હિમાલ પર બરફનો પ્રલય
- ભારે વરસાદથી નેપાળમાં હાહાકાર
- કુદરતી આફતમાં 21થી વધુ મોત
- નેપાળ સામે મોટું માનવીય સંકટ
નેપાળના મનાંગ જિલ્લામાં 7,126 મીટર ઊંચા હિમલુન્ગ હિમાલ પર મોત બનીને બરફનો પ્રવાહ તૂટી પડ્યો. અકસ્માત સમયે ગાઈડ અને સપોર્ટ સ્ટાફ એક મોટા ટેન્ટમાં સૂઈ રહ્યા હતા ત્યારે અચાનક આવેલા હિમસ્ખલને સમગ્ર ટેન્ટને બરફની જાડી ચાદર નીચે દબાવી દીધો. આ ટેન્ટની અંદર કુલ 22 લોકો હાજર હતા. જેમાં 9 પર્વતારોહકો અને 13 સપોર્ટ સ્ટાફનો સમાવેશ થાય છે. આ તમામ લોકો આગામી પર્વતારોહણ સિઝન માટે માર્ગ તૈયાર કરવા અને બેઝ કેમ્પ તૈયાર કરવા માટે ત્યાં પહોંચ્યા હતા.
જેવી જ આ દુર્ઘટના સર્જાઈ કે અફરાતફરી મચી ગઈ. બચાવ દળ ઘટનાસ્થળે પહોંચ્યું અને બે મૃતદેહો બહાર કાઢ્યા પરંતુ ખરાબ હવામાન અને ફ્લાઈટ્સમાં ભારે મુશ્કેલીના કારણે સમગ્ર બચાવ ટીમ બેઝ કેમ્પ સુધી પહોંચી શકી નહોતી. પરિસ્થિતિ એવી બની કે હેલિકોપ્ટરની મદદ લેવી પડી. હેલિકોપ્ટરની મદદથી બાકીના બચાવકર્મીઓને બેઝ કેમ્પ સુધી પહોંચાડવામાં આવ્યા. આ કરુણ દુર્ઘટનામાં હજુ પણ 12 લોકો ગુમ છે. જેમની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
પહાડો પર બરફનો આ કહેર પોતાની જગ્યાએ છે તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદે પૂર અને ભૂસ્ખલનથી સ્થિતિ બેકાબૂ બનાવી દીધી છે. સમગ્ર નેપાળમાં અત્યાર સુધીમાં 21થી વધુ લોકોના મોત થયા છે. બાગલુન્ગ જિલ્લામાં ભૂસ્ખલનનું એવું ભયાનક દ્રશ્ય જોવા મળ્યું. જ્યાં એક આખું ઘર કાટમાળમાં દટાઈ ગયું. આ દુર્ઘટનામાં એક મહિલા અને તેના ત્રણ માસૂમ પુત્રોના કરુણ મોત થયા છે. જ્યારે પાલ્પા જિલ્લામાં પણ બે લોકોના મોતના અહેવાલ છે.
મોટા-મોટા પુલો ધોવાઈ ગયા
પૂર અને લૅન્ડસ્લાઈડના કારણે અનેક રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મોટા-મોટા પુલો ધોવાઈ ગયા છે અને અનેક મુખ્ય હાઈવે બંધ થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા બૂટવલના પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 1,000થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
હજારો લોકો હજુ પણ ગુમ
આ પહેલાં 26 ઓગસ્ટે ભોટેકોશી નદીમાં આવેલા ભયાનક પૂરે જે તબાહી મચાવી હતી તેના ઘા હજુ પણ તાજા છે. આ આફતમાં 1,400થી વધુ લોકોના મોત થયા હતા અને હજારો લોકો હજુ પણ ગુમ છે. એક પછી એક આવી રહેલી કુદરતી આફતોએ નેપાળ સામે મોટું માનવીય સંકટ ઊભું કરી દીધું છે..વહિવટી તંત્ર અને રાહત ટીમો બચાવ કામગીરીમાં લાગી છે પરંતુ કુદરતના આ તાંડવ સામે દરેક વ્યક્તિ લાચાર નજરે પડી રહી છે.