'ઈરાન યુદ્ધ અમારી હારનું સૌથી મોટું કારણ' - જે.ડી. વેન્સનો સ્વીકાર, ટ્રમ્પના વોટર્સે છોડ્યો સાથ!
JD Vance : અમેરિકાની મિડ-ટર્મ ચૂંટણીઓ બાદ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે રિપબ્લિકન પાર્ટીની હાર માટે ચાર કારણો જણાવ્યા છે. આમાં ઈરાન સાથેના સતત તણાવ અને દેશભરમાં વધી રહેલી મોંઘવારીને ખાસ કરીને હારમાં ફાળો આપનારા પરિબળો તરીકે ગણાવ્યા છે.
JD Vance : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે 3 નવેમ્બરની મિડ-ટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીની કારમી હાર માટે કેટલાક પરિબળોને જવાબદાર ગણાવ્યા છે. ઈરાન સાથે યુદ્ધની સ્થિતિ, જીવનનિર્વાહના ખર્ચમાં વધારો અને ટ્રમ્પ વહીવટીતંત્રની વિદેશ નીતિને લઈને જનતામાં રહેલો રોષ. તેમણે દાવો કર્યો કે અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપનારા ઘણા મતદારોએ હવે ડેમોક્રેટ્સ તરફ વળ્યા છે.
ડેમોક્રેટ્સ કેમ જીત્યા?
‘X’ પરની એક પોસ્ટમાં જેડી વેન્સે જણાવ્યું હતું કે રિપબ્લિકન પાર્ટીની હારનું મોટું કારણ મતદારોની ઓછી ટકાવારીમાં મતદાન કરવાનું નહોતું. તેના બદલે તેમણે કહ્યું કે રિપબ્લિકન પાર્ટીના ઘણા સમર્થકોએ ચૂંટણીમાં ભાગ તો લીધો, પરંતુ તેમણે ડેમોક્રેટિક ઉમેદવારોને પસંદ કર્યા, કારણ કે તેઓ સરકારના નિર્ણયોથી નારાજ હતા.
અમેરિકી ચૂંટણીમાં ભારતીય-અમેરિકનોનો દબદબો: અમી બેરા 8મી વાર સંસદ પહોંચ્યા, ઘણા ભારતીય નેતાઓનો વિજય
રિપબ્લિકન પાર્ટીની હારનાં 4 મોટા કારણો
પાર્ટીના આંતરિક મૂલ્યાંકન અને રાજકીય સર્વે સાથેની વાતચીતનો હવાલો આપતાં જેડી વેન્સે એવા 4 મહત્ત્વના મુદ્દાઓની ઓળખ કરી, જેના કારણે મતદારો રિપબ્લિકન પાર્ટીથી દૂર થઈ ગયા. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ લખ્યું, ‘અમારી હારનું કારણ યુદ્ધ છે.’ તેમણે આ સંઘર્ષને કારણે થયેલા રાજકીય નુકસાનનો સ્વીકાર કર્યો.
- ઈરાન સાથે ચાલી રહેલું યુદ્ધ
- વધતી મોંઘવારી અને જીવનનિર્વાહનો વધી રહેલો ખર્ચ
- ટ્રમ્પ ‘અમેરિકા ફર્સ્ટ’ એજન્ડાથી પાછળ હટી રહ્યા હોવાની ધારણા
- ઇઝરાયેલ સાથે અમેરિકી સરકારના સંબંધોને લઈને અસંતોષ
તેમણે એક રિપબ્લિકન ડેટા એનાલિસ્ટ સાથે થયેલી વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ એનાલિસ્ટે ચેતવણી આપી હતી કે મતદારોની મોટી સંખ્યામાં ભાગીદારીનો અર્થ એ નથી કે તેઓ રિપબ્લિકન ઉમેદવારોને જ સમર્થન આપી રહ્યા છે. વિશ્લેષકના જણાવ્યા અનુસાર, 2024માં ટ્રમ્પ-વેન્સની જોડીને સમર્થન આપનારા ઘણા લોકો હવે ડેમોક્રેટ્સને મત આપવાનું વિચારી રહ્યા હતા.
વેન્સે કહ્યું કે ત્યારબાદ આવેલા ચૂંટણીનાં પરિણામોએ આ મૂલ્યાંકનને સાચું સાબિત કર્યું. તેમણે ફ્લોરિડાનું ઉદાહરણ આપ્યું, જ્યાં મતદારોમાં રિપબ્લિકન પાર્ટીની સ્થિતિ ઘણી મજબૂત રહી. તેમણે દલીલ કરી કે સમસ્યા મતદાનમાં ભાગીદારીની નહોતી, પરંતુ મતદારોની પસંદગીમાં આવેલા બદલાવની હતી.
બંને ગૃહો પર ડેમોક્રેટ્સનું નિયંત્રણ
રિપબ્લિકન પાર્ટીની આ હારને કારણે અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ બંને પર ડેમોક્રેટ્સનું નિયંત્રણ સ્થાપિત થયું છે, જે ટ્રમ્પ માટે મોટો રાજકીય ઝટકો છે.
આ પરિણામને કારણે ડેમોક્રેટ્સને સરકારના નિર્ણયોનું નિરીક્ષણ કરવાની, સરકારી અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવાની અને ઇમિગ્રેશન, આર્થિક વ્યવસ્થાપન તથા ઈરાન સંઘર્ષ જેવા મહત્ત્વના નીતિગત ક્ષેત્રોની ઝીણવટભરી સમીક્ષા કરવાની વધુ સત્તા મળી છે. આ પરિણામોને કારણે ટ્રમ્પના કાર્યકાળનાં બાકીનાં બે વર્ષ રાજકીય રીતે પડકારજનક બની શકે છે.