કેપ્ટન સ્મિતને બચાવવા માટે 45 મિનિટ સુધી આકાશ પાતાળ એક કર્યા હતા ઈઝરાયેલી ડોક્ટરે, ભાવુક કરશે આ કહાની
ફ્લાયદુબઈની ઈઝરાયેલ જઈ રહેલી ફ્લાઈટમાં કો પાયલટે જીવલેણ હુમલો કરવા છતાં વિમાનને ક્રેશ થતું બચાવવા માટે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરે જે અથાગ પ્રયત્નો કર્યા એટલા જ પ્રયત્નો કેપ્ટન સ્મિતનો જીવ બચાવવા માટે ઈઝરાયેલી ડોક્ટરે કર્યા હોવાનો મોટો ખુલાસો થયો છે. જે વિગતો બહાર આવી છે તે જાણીને તમારી પણ આંખો ભીની થઈ જશે.
30મી સપ્ટેમ્બર 2026ના રોજ ફ્લાયદુબઈની એક ફ્લાઈટ દુબઈથી ઈઝરાયેલના તેલ અવીવ જઈ રહી હતી. વિમાનમાં કેપ્ટન તરીકે ભારતીય મૂળના સ્મિત મચ્છર હતા અને કો પાયલટ તરીકે ઓમાની મૂળનો નાગરિક હમામી અલ હમામી હોવાનું સામે આવ્યું છે. આ કો પાયલટે ફ્લાઈટ ઉડી ત્યારબાદ દોઢ બે કલાક પછી કેપ્ટન સ્મિત પર જીવલેણ હુમલો કર્યો હતો અને વિમાનને ક્રેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કેપ્ટન સ્મિતની હોશિયારી અને બહાદુરી સામે તે સફળ થઈ શક્યો નહીં. કેપ્ટન સ્મિતે જીવલેણ ઘા ઝેલીને વિમાનને ક્રેશ થતુ બચાવ્યું. જો કે તેઓ ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા. પરંતુ મુસાફરોમાં ઈઝરાયેલી મૂળના એક ડેન્ટિસ્ટ ડૉ. શ્રોતા મુસાયેવ હતા જેમણે કેપ્ટન સ્મિતને બચાવવા માટે તનતોડ પ્રયત્નો કર્યા હતા.
ગંભીર રીતે ઘાયલ થયા હતા કેપ્ટન સ્મિત
- આ ઈઝરાયેલી મૂળના ડૉક્ટરે ABC ન્યૂઝને જણાવ્યું કે જ્યારે તેઓ હંગામા બાદ કોકપિટ તરફ દોડ્યા તો પાયલટ સ્મિત મચ્છર ખુબ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનું ખુબ લોહી પણ વહી રહ્યું હતું.
- તેમણે કહ્યું કે ત્યારબાદ તેમણે પાયલટની મદદ કરી. પાયલટના માથા અને ડાબા હાથેથી ખુબ જ લોહી વહી રહ્યું હતું. મેં ટી શર્ટથી ઘાને દબાવ્યો પરંતુ લોહી વહેવાનું બંધ થયું નહીં.
- ડૉક્ટરે કહ્યું કે તેમણે સુરક્ષાકર્મી પાસે બરફ માંગ્યો કારણ કે ઘા એટલા ઊંડા હતા કે બરફની ઘણી પટ્ટીઓ મારવી પડી હતી. આમ છતાં લોહી વહેવાનું ઓછું થયું નહીં.
- તેમણે જણાવ્યું કે પૂરી 45 મિનિટ સુધી પાયલટના ઘા પર દબાણ રાખવું પડ્યું હતું.
"સૂઈ ન જતા, અમને તમારી જરૂર છે"
- કેપ્ટન સ્મિતને બચાવવા માટે તેમણે કેટલી જદ્દોજહેમત કરી તે જણાવતા ડોક્ટરે વધુમાં કહ્યું કે, હું પાયલટને સતત હોશમાં રાખવાની કોશિશ કરતો રહ્યો અને આ દરમિયાન તેમની સાથે વાતો કરતો હતો.
- મે તેમને કહ્યું કે, સૂઈ ન જતા, અમને તમારી ખુબ જરૂર છે. મે તેમને એ પણ પૂછ્યું કે તમારે કેટલા બાળકો છે? તેમના નામ શું છે? મેં તેમને કહ્યું કે, તમે ગભરાતા નહીં, તમે જલદી તમારા પરિવાર પાસે જશો અને આપણે બસ ઉતરવાના જ છીએ.
હોઠ વાદળી થઈ ગયા, ધબકારા નબળા પડ્યા
- ડોક્ટરે આ સાથે એમ પણ કહ્યું કે વાતચીત દરમિયાન સ્મિત મચ્છરે કહ્યું કે, કૃપા કરીને મારી મદદ કરો, મારો ભગવાન મારી સાથે છે. હું જીવવા માંગુ છું, મારા માથામાં ખુબ દુખાવો છે, ખુબ તકલીફ પડી રહી છે.
- ડોક્ટરે એમ પણ કહ્યું કે એક સમય એવો પણ આવ્યો કે તેમના ધબકારા ધીમા પડી ગયા હતા. એટલે સુધી કે તેમના હોઠ પણ વાદળી થઈ ગયા હતા. આવામાં મે તેમના પગ ઉપર ઉઠાવ્યા જેનાથી નસ પાછી યથાવત સ્થિતિમાં આવી ગઈ.
- તેમણે જણાવ્યું કે એક સમય એવો પણ આવ્યો કે જ્યારે મુસાફરોને એવું લાગ્યું હતું કે વિમાન દુર્ઘટનાનો ભોગ બનશે અને બધા મરી જઈશું.
- મોતની વાત કરતા ઈઝરાયેલી ડોક્ટર પોતે પણ ભાવુક થઈ ગયા હતા. મોતથી બધી માત્ર 5 મિનિટના અંતરે હતા એ વાત પર તેમણે હામાં જવાબ આપ્યો હતો.
મોતના મુખમાં જઈ આવ્યા 174 મુસાફરો
દુબઈથી ઈઝરાયેલની રાજધાની તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં 30 સપ્ટેમ્બરે જે થયું તે કલ્પનાબહારનું હતું. મોટાભાગે ઈઝરાયેલી નાગરિકોથી ભરેલી આ ફ્લાઈટને ક્રેશ કરવાના પ્રયત્ન કરી રહેલા ઓમાની કો પાયલટને ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર, અને મુસાફરોએ મળીને કાબૂમાં કરતા વિમાન ક્રેશ થતા બચી ગયું અને બધાનો ચમત્કારિક બચાવ થયો હતો. આ વિમાનને ત્યારબાદ સાઉદી અરબના તાબુકમાં લેન્ડ કરાવવામાં આવ્યું હતું. ઘાયલ કેપ્ટન સ્મિતને સાઉદીની હોસ્પટિલમાં દાખલ કરાયા હતા. હાલ આ આરોપી ઓમાની કો પાયલટની પૂછફરછ ચાલુ છે અને તેનું નામ હમામ અલ હમામી છે.