અબજોપતિઓનો 'VIP પાસ': કયામતથી બચવા જમીન નીચે વસાવી રહ્યા છે ખાનગી દુનિયા!
Doomsday bunkers : દુનિયા પર કયામત ત્રાટકવાની છે કે પછી અબજોપતિઓને કોઈ મોટો ખતરો દેખાઈ રહ્યો છે? સવાલ એટલા માટે મોટો છે, કારણ કે દુનિયાના ધનકુબેરો હવે જમીનની નીચે પોતાની અલગ દુનિયા વસાવી રહ્યા છે. માર્ક ઝુકરબર્ગથી લઈને કાઈલી જેનર સુધી, સૌ કોઈ કરોડો-અબજો ખર્ચીને અભેદ્ય બંકરો બનાવી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે જો મહાવિનાશ સર્જાય..તો શું પૈસાના જોરે મોતને પણ માત આપી શકાશે? જોઈએ આ ખાસ અહેવાલ..
Mark Zuckerberg Hawaii bunker : ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગથી લઈને રિયાલિટી ટીવી ક્વીન કાઈલી જેનર સુધી, તમામ લોકો ગુપ્ત રીતે પોતાની અબજો રૂપિયાની સંપત્તિ જમીનની નીચે રોકી રહ્યા છે. જમીનની નીચે એક એવી આલીશાન દુનિયા તૈયાર કરવામાં આવી રહી છે, જે પરમાણુ હુમલો, જૈવિક યુદ્ધ અને ગ્લોબલ વોર્મિંગ જેવી કોઈપણ મહાવિનાશક આફતનો સામનો કરી શકે..
- આફતના ડરથી અબજોપતિઓ ચિંતામાં
- જમીન નીચે બનાવ્યા અભેદ બંકરો
- ઝુકરબર્ગે બનાવ્યું અબજોનું સુરક્ષિત સામ્રાજ્ય
- પરમાણુ હુમલાથી બચવા કરી લીધી તૈયારી
- શું બંકરોમાં બચી શકશે માનવ સભ્યતા?
સોશિયલ મીડિયાના બેતાજ બાદશાહ માર્ક ઝુકરબર્ગ. હવાઈના એક દૂરના અને અત્યંત સુંદર ટાપુ પર એક ભવ્ય પરિસર બનાવી રહ્યા છે. લગભગ 270 મિલિયન ડોલરના ખર્ચે તૈયાર થઈ રહેલા આ ઠેકાણાની બરાબર નીચે એક અભેદ્ય પાતાળલોક તૈયાર કરવામાં આવ્યો છે.
અહેવાલો અનુસાર, જમીનની નીચે એક વિશાળ બંકર બનાવવામાં આવ્યું છે. આ બંકરની સુરક્ષા એવી છે કે તેના દરવાજા કોંક્રિટથી ભરેલા સ્ટીલના બનેલા છે, જે મોટા પરમાણુ વિસ્ફોટના આંચકાને પણ સરળતાથી સહન કરી શકે છે.
આ બંકરની અંદર પોતાનું વીજળીનું ગ્રીડ છે, પાણીની પોતાની ટાંકી છે અને મહિનાઓ સુધી જીવિત રહી શકાય તેવી આધુનિક ફૂડ ફાર્મિંગ વ્યવસ્થા પણ છે. એટલે કે જો જમીનની ઉપરની આખી દુનિયા તબાહ થઈ જાય, તો પણ ઝુકરબર્ગ અને તેમનો પરિવાર વર્ષો સુધી જમીનની નીચે બહારની કોઈપણ મદદ વિના તમામ સુખ-સુવિધાઓ સાથે જીવી શકે છે.
હોલિવૂડની ચમકદમક પણ હવે આ ભયના ઓથાર હેઠળ
કુદરતી આફતોનો ડર માત્ર સિલિકોન વેલીના વૈજ્ઞાનિકો અને ટેક અબજોપતિઓ સુધી સીમિત નથી પરંતુ હોલિવૂડની ચમકદમક પણ હવે આ ભયના ઓથાર હેઠળ છે. દુનિયાની સૌથી યુવા અબજોપતિ મહિલાઓમાં સ્થાન ધરાવતી અને જાણીતી મોડેલ કાઈલી જેનર પણ લોસ એન્જલસમાં પોતાના આલીશાન ઘરની નીચે આવું જ એક સુરક્ષિત અંડરગ્રાઉન્ડ ઠેકાણું તૈયાર કરાવી રહી છે.
મળતી માહિતી અનુસાર, જમીનની નીચે બની રહેલા આ બંકરો ફાઈવ સ્ટાર સુપર લક્ઝરી રિસોર્ટ જેવા છે, જેમાં તમામ પ્રકારની સુખ-સુવિધાઓ ઉપલબ્ધ છે. આ બંકરોમાં આલીશાન સ્વિમિંગ પૂલ, અત્યાધુનિક જિમ, વાઈન સેલર, હોમ થિયેટર અને એટલું જ નહીં, રોબોટિક સર્જરીની સુવિધાઓથી સજ્જ આધુનિક આરોગ્ય કેન્દ્ર એટલે કે મિની હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે..
સામાન્ય વ્યક્તિ જમીનની ઉપર કલ્પના કરતી હોય
કાઈલી જેનર અને અન્ય જાણીતી હસ્તીઓના આ બંકરોમાં એવી તમામ સુવિધાઓ છે. જેની એક સામાન્ય વ્યક્તિ જમીનની ઉપર કલ્પના કરતી હોય છે. લંડનની આર્કિટેક્ચર ફર્મ જાનીન સ્ટોન એન્ડ કંપની અનુસાર, તાજેતરના વર્ષોમાં આવા સુરક્ષિત બાંધકામોની માંગમાં 12 ગણો વધારો થયો છે...
સંપત્તિના જોરે કયામતનો VIP પાસ પણ ખરીદી લીધો
આ આંકડો દર્શાવે છે કે જો કોઈ મહાઆપત્તિ આવે તો આ અબજોપતિઓ પોતાના આલીશાન બંકરોમાં સુરક્ષિત રહી શકે અને ત્યાં તેમની તમામ વૈભવી સુવિધાઓ પણ ઉપલબ્ધ હોય. આજે આ ધનકુબેરોએ પોતાની અઢળક સંપત્તિના જોરે કયામતનો VIP પાસ પણ ખરીદી લીધો છે.
પરંતુ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે કે જો એવી કોઈ વૈશ્વિક મહાઆપત્તિ આવે, જે સમગ્ર માનવ સભ્યતાનો અંત લાવી દે, તો શું આ અબજોપતિઓ પોતાની આ કૃત્રિમ અને વૈભવી દુનિયામાં હંમેશાં સુરક્ષિત રહી શકશે? શું પૈસાના જોરે કોઈ અબજોપતિ અમર બની શકે છે?