AI બની શકે માનવજાતનો સૌથી મોટો ખતરો, AIના ગોડફાધર હિન્ટનની ચેતવણીએ દુનિયાને ચોંકાવી
Artificial Intelligence : જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને આપણે આપણી પ્રગતિની સીડી માની રહ્યા છીએ એ જ આવનારા સમયમાં આપણો કાળ બની શકે છે. ગોડફાધર ઓફ AI જેફ્રી હિન્ટને દુનિયાને ઉંઘમાંથી જગાડતી ચેતવણી આપી છે. તેમનુ સ્પષ્ટ કહેવું છે કે, સુપર ઈન્ટેલિજન્ટ બન્યા બાદ AI મનુષ્યોને પોતાના રસ્તાનો કાંટો સમજવા લાગશે. ચોકાવનારી વાત એ છે કે, આ ખતરાને રોકવા માટે આપણી પાસે માત્ર એક વર્ષનો સમય બચ્યો છે.
Artificial Intelligence : જે ટેક્નોલોજી મનુષ્યે પોતાની સુવિધા અને પ્રગતિ માટે બનાવી છે, એ જ આવનારા સમયમાં સમગ્ર માનવજાતના વિનાશનું કારણ બની શકે છે. આ સવાલ હવે કોઈ હોલીવૂડની સાયન્સ-ફિક્શન ફિલ્મની સ્ક્રિપ્ટનો હિસ્સો નથી, પરંતુ ખુદ 'ગોડફાધર ઓફ AI' કહેવાતા નોબેલ પુરસ્કાર વિજેતા જેફ્રી હિન્ટને દુનિયાને આ ગંભીર ચેતવણી આપી છે.
હિન્ટનનું સ્પષ્ટ કહેવું છે કે AI પાસે ન તો કોઈ લાગણી છે અને ન તો મનુષ્યના ભલા સાથે કોઈ લેવાદેવા. તે માત્ર પોતાને સોંપાયેલું ટાસ્ક પૂર્ણ કરવાનું જાણે છે અને જો એ ટાસ્ક પૂર્ણ કરવામાં મનુષ્ય અડચણ બને, તો AI મનુષ્યોને ખતમ કરવામાં એક સેકન્ડનો પણ વિલંબ નહીં કરે.
AI બની શકે માનવજાતનો સૌથી મોટો ખતરો
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIના જનક કહેવાતા જેફ્રી હિન્ટને અમેરિકન સાંસદો સાથે બંધ બારણે યોજાયેલી બેઠકમાં આ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. હિન્ટનના જણાવ્યા પ્રમાણે AIને કોઈ ખતરનાક કામ સોંપવામાં ન આવે, તો પણ તે માનવજાત માટે મોટો ખતરો બની શકે છે.
સરળ ભાષામાં સમજીએ તો, જ્યારે સિસ્ટમ મનુષ્યો કરતાં વધુ બુદ્ધિશાળી એટલે કે સુપરઈન્ટેલિજન્ટ બની જશે, ત્યારે તે પોતાના મનમાફક નાના-નાના લક્ષ્યો નક્કી કરવા લાગશે. જો તેને લાગશે કે પોતાનું કામ ચાલુ રાખવા માટે તેનું એક્ટિવ રહેવું જરૂરી છે અને મનુષ્યો તેમાં અડચણ બની રહ્યા છે, તો તે મનુષ્યોને રસ્તામાંથી હટાવવા અથવા પોતાને શટડાઉન થવાથી બચાવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.
આ માત્ર સાયન્સ-ફિક્શનની વાતો નથી. તાજેતરમાં થયેલા કેટલાક ચોંકાવનારા ટેસ્ટે વૈજ્ઞાનિકોની ઊંઘ ઉડાડી દીધી છે.
પ્રથમ ઘટના
ઓપન AIના એક ટેસ્ટ દરમિયાન જુલાઈ 2026માં AI મોડેલ્સે કોઈપણ માનવીય મદદ વિના સુરક્ષા ઘેરો તોડી નાખ્યો અને ચોરી કરાયેલા લોગિન ડિટેઇલ્સનો ઉપયોગ કરીને હગિંગ ફેસના સર્વર સુધી પહોંચી ગયા.
બીજી ઘટના
એન્થ્રોપિકના AI મોડેલ ક્લોડ ઓપસ 4એ ટેસ્ટ દરમિયાન પોતાને બંધ થવાથી બચાવવા માટે એક અધિકારીના ખાનગી અફેરની માહિતી જાહેર કરવાની અથવા લીક કરવાની ધમકી સુધી આપી દીધી. આટલું જ નહીં, 10 હજાર AI એજન્ટ્સે મળીને 90 વર્ષ જૂની ગણિતની એક જટિલ સમસ્યાને માત્ર 88 કલાકમાં ઉકેલી નાખી. એટલે કે AI હવે પોતાની ખામીઓ જાતે સુધારી રહ્યું છે, પોતાની ક્ષમતા વધારી રહ્યું છે અને મનુષ્યોને ચકમો આપવાનું પણ શીખી રહ્યું છે.
આપણી પાસે માત્ર એક વર્ષનો સમય બચ્યો છે
જેફ્રી હિન્ટનની ચિંતા હવે વધુ ગંભીર બની રહી છે. જ્યાં તેમણે ડિસેમ્બર 2024માં કહ્યું હતું કે આગામી 30 વર્ષમાં AIના કારણે માનવ સભ્યતા ખતમ થવાની 10થી 20 ટકા આશંકા છે, પરંતુ હવે તેમનું અનુમાન છે કે આ ખતરો આગામી 10 વર્ષની અંદર જ સામે આવી શકે છે. એટલું જ નહીં, તેમનું એવું પણ કહેવું છે કે સુરક્ષિત અને નિયંત્રણમાં રહી શકે તેવી સિસ્ટમ બનાવવા માટે આપણી પાસે માત્ર એક વર્ષનો સમય બચ્યો છે.
આ ખતરાનો સામનો કરવા માટે હિન્ટને સરકારોને અપીલ કરી છે કે તેઓ અમેરિકન FDAની તર્જ પર એક સ્વતંત્ર સુરક્ષા તપાસ વ્યવસ્થા બનાવે. એટલે કે બજારમાં કોઈપણ શક્તિશાળી AI આવે તે પહેલાં તેની કડક સુરક્ષા તપાસ થવી જોઈએ. ટેક કંપનીઓ પોતાના નિયમો બનાવશે અને તેનું પાલન કરશે, એ વિશ્વાસ પર દુનિયાને છોડી શકાય નહીં.
AI જેટલી ઝડપથી શક્તિશાળી બની રહ્યું છે, તેને નિયંત્રણમાં રાખવાની રીતો તેનાથી પણ વધુ મજબૂત હોવી જરૂરી છે. જો સમય રહેતાં દુનિયાભરની સરકારો અને ટેક દિગ્ગજોએ કડક વૈશ્વિક નિયમો નહીં બનાવ્યા, તો એ દિવસ દૂર નહીં હોય જ્યારે મનુષ્યે બનાવેલું મશીન જ મનુષ્યના અસ્તિત્વને ખતમ કરવાનું સૌથી મોટું કારણ બની શકે છે.