ખાખી વર્દી, સરકારી ગાડી અને ખંડણીનો ખેલ! સુરતમાં નકલી અધિકારીઓનો પર્દાફાશ
Surat : જો તમારી ઓફિસે અચાનક 'ગવર્નમેન્ટ ઓફ ગુજરાત' લખેલી ચમકતી ઇનોવા કાર આવીને ઊભી રહે. અંદરથી કડક ખાખી વર્દીમાં સજ્જ સાયબર ક્રાઈમના અધિકારીઓ ઉતરીને તમને એવું કહે કે તમે ગેરકાયદેસર કામ કરો છો, જિંદગીભર જેલમાં સડશો, તો તમારું હૈયું બેસી જાય ને? પણ જરા ઊભા રહો! જો આ ખાખી અને સરકારી ગાડી બંને નકલી નીકળે અને મામલો સીધો 50 લાખની ખંડણીના અપહરણનો હોય, તો? ક્રાઈમ થ્રિલર ફિલ્મોને પણ શરમાવે તેવી એક એવી જ ચોંકાવનારી ઘટના સુરતના સરથાણાથી સામે આવી છે.
ચેતન પટેલ, સુરત : સુરતના સરથાણા મહાવીર ચોક પાસે આવેલા ગેલેરીયા કોમ્પ્લેક્સ પાસે ગત 24મી ઓક્ટોબરે બપોરે ત્રણ વાગ્યે એક ઈનોવા કાર આવીને ઊભી રહે છે, જેના પર લખેલું હતું ગવર્નમેન્ટ ઓફ ગુજરાત. કારમાંથી ઊતરીને છ શખ્સો મિહિત દેસાઈની વેબ ડેવલોપિંગની ઓફિસમાં ઘૂસી જાય છે.
પોતાની ઓળખ ગાંધીનગર સાયબર ક્રાઈમના અધિકારી તરીકે આપી આ ટોળકી ઓફિસમાં આતંક મચાવે છે. તમે લોકો ગેરકાયદેસર કામ કરો છો, જિંદગીભર જેલમાં સડશો તેવી ધમકી આપીને ઓફિસના માલિક મિહિત અને તેના બે ભાગીદારો મિલન તથા પ્રણવને બળજબરીપૂર્વક ઈનોવા કારમાં બેસાડી દેવામાં આવે છે.
50 લાખ રૂપિયાની ખંડણી માંગી
અપહરણકારો ત્રણેય વેબ ડેવલોપર્સને કારમાં બેસાડી હાઈવે પર ગોળ-ગોળ ફેરવતા રહે છે. કેસ પતાવવા અને જેલમાંથી બચવા માટે પહેલા 50 લાખ રૂપિયાની તોતિંગ ખંડણી માંગવામાં આવે છે. ભારે રકઝક બાદ આ આંકડો 4 લાખ રૂપિયા પર નક્કી થાય છે. કામરેજ પાસે પ્રણવનો ભાઈ 4 લાખ રૂપિયાની રોકડી રકમ આપી જાય છે અને ત્યારબાદ જ આ નકલી પોલીસ ત્રણેય યુવકોને મુક્ત કરે છે.
અમદાવાદમાં GMC સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં હોબાળો, 300 લોકોની પરીક્ષા અટવાઈ
આ મામલો સરથાણા પોલીસ મથકે પહોંચતા જ પોલીસ ઈન્સપેક્ટરે તાબડતોબ અલગ-અલગ ટીમો બનાવીને ઓપરેશન હાથ ધર્યું. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી પોલીસે અમદાવાદ અને ગાંધીનગરમાં દરોડા પાડ્યા. ગણતરીના કલાકોમાં જ આ આખી ટોળકીનો માસ્ટર માઈન્ડ પ્રતીક હીરાણી, સાહિલ પરમાર, યશ ઉર્ફે નિમેશ બારૈયા અને ચોથો સાગરિત પોલીસના સિકંજામાં આવી ગયા. પોલીસે ખંડણીના ચાર લાખ રૂપિયા પણ રિકવર કરી લીધા છે.
પોલીસ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા
જ્યારે પોલીસ પૂછપરછમાં ખુલાસા થયા તો અસલી પોલીસ પણ માથું ખંજવાળવા લાગી. આ ગેંગનો માસ્ટર માઈન્ડ પ્રતીક કાંતિ હીરાણી છે અને તે પ્રતિક એક યુટ્યુબ ચેનલ ચલાવે છે. તેણે જ આ આખો પ્લાન ઘડ્યો હતો. વેબ ડેવલોપર્સની ઓફિસના જ એક ભૂતપૂર્વ ભેદુએ પ્રતીકને ટીપ આપી હતી કે આ યુવકો પાસેથી મોટી રકમ મળી શકે તેમ છે.
ગુનાને અંજામ આપવા માટે રવિ કેશુ સભાયા નામના શખ્સને નકલી ઈન્સપેક્ટર બનાવવામાં આવ્યો હતો, જ્યારે વાળંદનું કામ કરતો સાહિલ અને પાનનો ગલ્લો ચલાવતો યશ કોન્સ્ટેબલ બન્યા હતા. લક્ઝરી લુક આપવા માટે ભાડે લાવેલી ઈનોવા કાર પર ગુજરાત સરકારનો લોગો પણ લગાવવામાં આવ્યો હતો.
હાલમાં પોલીસે પકડાયેલા આરોપીઓના કોર્ટમાંથી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે આ ગુનામાં સંકળાયેલા અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઓફિસના એ ભેદુ કોણ છે અને આ ગેંગે ભૂતકાળમાં અન્ય કોઈને ટાર્ગેટ કર્યા છે કે કેમ, તે દિશામાં હવે સુરત પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.