SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

'મારો દીકરો મને મળશે': મોદીને મળવા નવસારીથી દિલ્હી પહોંચેલા 90 વર્ષના હીરાબાની ભાવુક કહાની, ભૂલા પડતા ગુડગાંવમાં ફસાયા

"નવસારીના 90 વર્ષીય હીરાબાના હૃદયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે એટલો અખૂટ માતૃપ્રેમ છે કે તેઓ તેમને રૂબરૂ મળીને આશીર્વાદ આપવાની એકમાત્ર ઝંખના સાથે એકલા જ દિલ્હી જવા ટ્રેનમાં નીકળી પડ્યા. ઉંમર અને અશક્તિના કારણે તેઓ રસ્તો ભૂલીને ગુડગાંવ અટવાયા હતા, પરંતુ વહીવટી તંત્રની ત્વરિત મદદથી તેમને હેમખેમ નવસારી પરત લાવવામાં આવ્યા. ભલે તેઓ આ વખતે પીએમને ન મળી શક્યા, પણ આ વૃદ્ધ માતાની આંખોમાં 'મારો દીકરો મને એક દિવસ જરૂર મળશે' તેવો અડગ વિશ્વાસ અને નિઃસ્વાર્થ પ્રેમ આજે પણ અકબંધ છે."

Written By Kinjal Patel
Published: Sep 26, 2026, 09:33 AM IST | Updated: Sep 26, 2026, 09:42 AM IST
Join

Navsari News: 90 વર્ષની ઉંમર... શરીરે અશક્તિ... અને પરિવારના નામે ઘરના ચાર ખૂણામાં પથરાયેલી એકલતા. છતાં, આ હૃદયમાં પ્રેમનો એક એવો દિવડો બળે છે. જેની રોશની તેમને આટલી ઉંમરે પણ સોં-બસો નહીં, પણ હજારો કિલોમીટર દૂર ખેંચી ગઈ! આ વાર્તા નવસારીના એ હીરાબાની છે. જેમની પાસે સંબંધોનું કોઈ સરનામું નથી, પણ દિલમાં દેશના વડાપ્રધાન માટે એક માતા જેવો અનંત પ્રેમ છે. 'બસ, એક વાર બેટા નરેન્દ્રને મળવું છે...' આ એક જ ઘેલછામાં 90 વર્ષના દાદી નવસારીથી દિલ્હી જવા ટ્રેનમાં બેસી ગયા! પરંતુ, ઉંમરના તકાજા વચ્ચે રસ્તો ભૂલાયો અને પહોંચી ગયા ગુડગાંવ! જુઓ, એક માતા સમાન વૃદ્ધાની આ અનોખી અને ભાવુક સફરનો વિશેષ અહેવાલ...

નવસારીના વિજલપોરમાં આવેલા એક નાનકડા ઘરમાં 90 વર્ષના હીરાબા એકલા રહે છે. ઘરમાં કોઈ નથી, પણ તેમના દિલમાં આખા દેશ પ્રત્યે લાગણીનો અખૂટ ભંડાર છે. તાજેતરમાં જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારી આવ્યા, ત્યારે હીરાબાએ તેમને ગળે લગાવીને વહાલથી કહ્યું હતું. "આ તો મારો દીકરો છે!" બસ, આ જ માતૃત્વનો ભાવ તેમને સીધા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી ખેંચી ગયો. પીએમ મોદીના સ્વર્ગસ્થ માતુશ્રીનું નામ પણ 'હીરાબા' હતું. અને આ સંયોગ જ કદાચ નવસારીના આ હીરાબાને પીએમ મોદીમાં પોતાનો પુત્ર દેખાડે છે.

વડાપ્રધાનને રૂબરૂ મળીને આશીર્વાદ આપવાની એક જ હઠ સાથે આ વૃદ્ધા ઘરમાંથી નીકળી પડ્યા અને દિલ્હી જતી ટ્રેનમાં સવાર થઈ ગયા! ઉંમર 90 વટાવી ચૂકી છે. દ્રષ્ટિ ધૂંધળી થઈ છે. પણ મનોબળ અડીખમ હતું. પરંતુ, મુસાફરી દરમિયાન મૂંઝવણ વધી અને તેઓ દિલ્હી ઉતરવાને બદલે હરિયાણાના ગુડગાંવ સ્ટેશને એકલાં અટવાઈ ગયાં. અજાણ્યો ડર, અજાણ્યા લોકો અને આંખોમાં વહેતા આંસુ...પરંતુ હીરાબા પાસે એક આશાનું કિરણ હતું.

નવસારી કલેક્ટર કચેરીના PAનો ફોન નંબર. એક નાનકડો ફોન થયો અને વહીવટી તંત્રથી લઈને રાજકીય આગેવાનો સુધી સન્નાટો વ્યાપી ગયો. 'મા હીરાબા અટવાયા છે' એ સમાચાર મળતાં જ તંત્ર હરકતમાં આવ્યું. ગુડગાંવથી અમદાવાદ અને ત્યાંથી 'ગુજરાત ક્વીન' મારફતે તેમને હેમખેમ નવસારી પરત લાવવામાં આવ્યા હતા.

હીરાબા આજે પોતાના ઘરે સુરક્ષિત પરત ફરી ચૂક્યા છે. પીએમ મોદીને ન મળી શક્યાનો અફસોસ તેમની આંખોમાં સાફ દેખાય છે. પરંતુ એ જ અશ્રુભીની આંખોમાં એક અડગ વિશ્વાસ પણ છે કે 'મારો દીકરો મને એક દિવસ જરૂર મળશે.' 91 વર્ષની ઉંમરે પ્રેમ, આસ્થા અને ઝંખનાની આ વાર્તા ખરેખર હૃદયને સ્પર્શી જાય તેવી છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES