લીલાછમ ખેતરોની આડમાં મોતનું ઝેર, આખરે કોણ છે આ લીલાછમ ઝેરનો અસલી માસ્ટરમાઈન્ડ? રુંવાડા ઉભા કરશે આ અહેવાલ
પ્રકૃતિની ગોદમાં વસેલા ડાંગ જિલ્લાની લીલીછમ હરિયાળી વાદીઓ અને એ હરિયાળી પાછળ છુપાયેલો નશાનો ખેલ! સાવધાન ગુજરાતમાં આજે વાત એક એવી ખેતીની, જેની પટકથા સાંભળીને તમે પણ ચોંકી જશો. ઘરની પાછળ ઉગાડ્યો ગાંજો. શાકભાજીની જેમ વાવ્યા નશાના છોડ!. આખરે કોણ છે આ લીલાછમ ઝેરનો અસલી માસ્ટરમાઈન્ડ? જુઓ આ રુંવાડા ઉભા કરી દેનારો ખાસ અહેવાલ...
Dang Ganja Raid : ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના બરડા ગામે નશાનો એક મોટો અને ખતરનાક ખેલ રમાઈ રહ્યો હતો. ડાંગ પોલીસને બાતમી મળી હતી કે, બરડા ગામમાં કાયદાના લીરેલીરા ઉડાવીને નશીલા પદાર્થોનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસે આખા ગામને ઘેરીને એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું.
- વાડામાં નશાનું વાવેતર
- ઘરની પાછળ ગાંજાની ખેતી
- વાડામાં ઉગાડ્યો નશાનો પાક
- 30 કિલોથી વધુ ગાંજો ઝડપાયો
- 15 લાખના ગાંજાના વાવેતરનો પર્દાફાશ
પોલીસની ટીમે જ્યારે બરડા ગામમાં રહેતા હરીભાઈ રાઠોડના ઘર પર દરોડો પાડ્યો, ત્યારે પોલીસ અધિકારીઓ પણ દંગ રહી ગયા. આરોપી હરીભાઈએ પોતાના ઘરની પાછળ આવેલા ગુપ્ત વાડાની અંદર જ મોહક અને ઝેરીલા ગાંજાનું આખું વાવેતર કરી રાખ્યું હતું. સામાન્ય પાકની જેમ જ આ વાડામાંથી પોલીસે નાના-મોટા થઈને ગાંજાના કુલ 10 જેટલા લીલાછમ છોડ શોધી કાઢ્યા હતા.
કિંમત 15 લાખથી વધુ હોવાનું પોલીસનું અનુમાન
પોલીસે વાડામાંથી જપ્ત કરેલા ગાંજાના છોડનું જ્યારે વજન કરવામાં આવ્યું, ત્યારે પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ. આ તમામ છોડનું કુલ વજન 30.69 કિલોગ્રામ જેટલું હતું. આ આંતરરાષ્ટ્રીય બજારની કિંમત મુજબ ઝડપાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત 15 લાખથી વધુ હોવાનું પોલીસનું અનુમાન છે. ડાંગ LCBની આ ઐતિહાસિક કાર્યવાહીથી જિલ્લામાં અત્યાર સુધીનો આ સૌથી મોટી રકમનો ગાંજાના વાવેતરનો કેસ જાહેર થયો છે.
- ઘરની પાછળ ઉગાડ્યો...ગાંજો
- શાકભાજીની જેમ વાવ્યા...નશાના છોડ
- નશાની ખેતીનો પર્દાફાશ!
હાલ તો વઘઈ પોલીસે મુખ્ય આરોપી હરીભાઈ રાઠોડની કાયદેસર ધરપકડ કરી લીધી છે અને તેની સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
પરંતુ સવાલ એ થાય છે કે, હરીભાઈ આ ગાંજાનો જથ્થો કોને સપ્લાય કરવાનો હતો? આ નશાની ખેતી પાછળ આંતરરાજ્ય ડ્રગ્સ માફિયાઓનું કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે કે કેમ? ડાંગ પોલીસ હવે આ તમામ કડીઓ જોડીને ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.
નશાની ખેતી કરનારા હવે ચેતી જજો
ડાંગ પોલીસની આ કાર્યવાહી નશાના કાળા કારોબારમાં સંડોવાયેલા ગુનેગારો માટે એક મોટો સબક છે.નશાની ખેતી કરનારા હવે ચેતી જજો. નહીં તો જિંદગીભર જેલના સળિયા ગણવા પડશે! શોર્ટકટથી અમીર બનવાના ચક્કરમાં અને લીલાછમ ખેતરોની આડમાં મોતનું ઝેર ઉગાડનારાઓ એ ભૂલી જાય છે કે કાયદાના હાથ ખુબ લાંબા હોય છે...