SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સુરતમાં ફિલ્મી ઢબે કોમ્પ્યુટર વેપારીનું અપહરણ: જાણીતા બિલ્ડર મુકેશ નાહટાનો પુત્ર રીષભ નાહટા સહિત 3 ઝડપાયા

સુરતમાં એક વેપારીના અપહરણની ઘટનામાં ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી છે. આ ઘટનામાં સુરતના જાણીતા બિલ્ડર મુકેશ નાહટાનો પુત્ર પણ સામેલ છે. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Written By Gokani Dhaval
Published: Oct 03, 2026, 10:37 AM IST | Updated: Oct 03, 2026, 10:39 AM IST
Join

સુરતના અલથાણ વિસ્તારમાં એક ચોંકાવનારી અપહરણની ઘટના સામે આવી છે. ભીમરાડ-કેનાલ રોડ પરથી પિસ્તોલ અને ચપ્પાની અણીએ એક કોમ્પ્યુટર વેપારીનું ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં શહેરના જાણીતા બિલ્ડર મુકેશ નાહટાના પુત્ર રીષભ નાહટા સહિત ત્રણ આરોપીઓની અલથાણ પોલીસે ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં અપહરણ પાછળ ખંડણી નહીં, પરંતુ વેપારીની દીકરી સાથેની મિત્રતામાં આવેલા વિવાદની વાત સામે આવી છે.

સુરતના વેપારીની દીકરી અને રીષભ નાહટા વચ્ચે છેલ્લા એક વર્ષથી મિત્રતા હતી. જોકે, યુવતીએ અચાનક રીષભ સાથે વાતચીત બંધ કરી દેતા તે ઉશ્કેરાયો હતો. ગુરુવારે મોડી રાત્રે તે પોતાના બે સાગરીતો સાથે યુવતીના ઘરે પહોંચ્યો હતો. યુવતી ઘરે હાજર ન હોવાથી તેના પિતા સાથે બોલાચાલી કરી હતી. દીકરી સાથે વાત કરાવવાની માંગણી કરી હતી, પરંતુ પિતાએ ઇનકાર કરતાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો.આ સમગ્ર ઘટના પહેલી ઓક્ટોબરની રાત્રે આશરે 10:40 વાગ્યે બની હતી. ભીમરાડ-કેનાલ રોડ પરથી અજાણ્યા શખ્સો એક વ્યક્તિને પિસ્તોલ અને ચપ્પુ બતાવી બળજબરીથી કારમાં બેસાડી લઈ ગયા હોવાની માહિતી પોલીસ કંટ્રોલ રૂમના 112 ઇમરજન્સી નંબર પર આપવામાં આવી હતી.

કોલ મળતાની સાથે જ 112ની ટીમે અલથાણ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી. ગણતરીના કલાકોમાં જ સિટીલાઇટ વિસ્તારમાંથી ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને અપહરણનો ભોગ બનેલા વેપારીને હેમખેમ છોડાવી લેવામાં આવ્યા હતા.પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, યુવતીએ રીષભ સાથે સંપર્ક તોડી નાખ્યો હતો. આ બાબતથી નારાજ રીષભ તેના બે મિત્રો સાથે વેપારીના ઘરે પહોંચ્યો હતો. યુવતી ઘરે ન મળતા તેણે તેના પિતા સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.આરોપીઓએ વેપારીને પિસ્તોલ અને ચપ્પુ બતાવી ધમકાવ્યો હતો અને બળજબરીથી પોતાની સાથે લઈ ગયા હતા.

આ પણ વાંચોઃ "પટેલ-વાણિયા કે બ્રાહ્મણ આદિવાસીઓનું મેલું ઉપાડે તો 50 હજાર આપું": શંકરસિંહ વાઘેલાના નિવેદનથી 

ચાલુ કારમાં વેપારીને ચપ્પુના ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે.પકડાયા બાદ મુખ્ય આરોપી રીષભ નાહટાએ પોલીસ સમક્ષ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે વેપારીની દીકરીએ તેની અન્ય એક બહેનપણીને ફોન પર ગાળો આપી હતી. આ બાબતે સ્પષ્ટતા કરવા તે યુવતીના ઘરે ગયો હતો. યુવતી હાજર ન હોવાથી તેના પિતા સાથે વાત કરાવવાનો આગ્રહ કર્યો હતો. જોકે, પિતાએ ઇનકાર કરતાં વિવાદ વધ્યો હતો.

જોકે, આરોપીની આ રજૂઆતની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અપહરણ પાછળનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રીષભ નાહટા સાથે ઝડપાયેલા બે આરોપીઓની ઓળખ દેવ કેતન આહિર (રહે. અડાજણ) અને લક્ષ્મણ રાઠોડ (રહે. ઉમરાગામ) તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ, દેવ રીષભનો મિત્ર છે અને તે જ પિસ્તોલ લઈને આવ્યો હતો. જ્યારે લક્ષ્મણ બિલ્ડરની ઓફિસમાં નોકરી કરે છે.બંને આરોપીઓ સામે અગાઉ મારામારી, અકસ્માત અને દારૂ સંબંધિત ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.અલથાણ પોલીસે આરોપીઓ પાસેથી અપહરણમાં વપરાયેલી બિલ્ડર મુકેશ નાહટાની માલિકીની અંદાજે રૂ.40 લાખની કાર, એક પિસ્તોલ, એક ચપ્પુ અને રૂ.1.40 લાખની કિંમતના ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂ.41.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.હથિયારો ક્યાંથી મેળવવામાં આવ્યા હતા અને ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES