SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ખેડૂતો માટે લાલબત્તી સમાન કિસ્સો! રાજકોટમાં કોલસેન્ટરની આડમાં જમીન પચાવી પાડવાનો ખેલ

Rajkot News : જગતનો તાત જે ધોમધખતા તાપમાં પરસેવો પાડીને, કાળી મજૂરી કરીને આખા દેશનું પેટ ભરે છે. એ જ અન્નદાતા આજે કેટલાક હાઇટેક વરુઓના નિશાના પર છે. ભોળા ખેડૂતોના હાથમાંથી તેમની કરોડોની જમીન આંચકી લેવાનો એક સનસનાટીપૂર્ણ અને કથિત કાળો ખેલ પ્રકાશમાં આવ્યો છે. કોણ છે આ ખેલનો માસ્ટરમાઈન્ડ અને કેવી રીતે ચાલતો હતો જમીન પચાવવાનો ખેલ ? તેના વિશે આ લેખમાં જાણીશું.

Written By Dilip Chaudhary
Published: Sep 26, 2026, 08:11 PM IST | Updated: Sep 26, 2026, 08:14 PM IST
Join

ગૌરવ દવે, રાજકોટ : જે હાથ ખેતરમાં મહેનત કરીને અન્ન ઉગાડે છે, એ જ ખેડૂતોને નિશાન બનાવવાનો કથિત ખેલ રાજકોટ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ ખેડૂતોની આર્થિક મજબૂરી અને અજ્ઞાનતાનો લાભ ઉઠાવતા હતા. રાજકોટ અને અમદાવાદ શહેરમાં ધમધમતા બે હાઈટેક કોલસેન્ટરો પર પોલીસે ત્રાટકીને આખા કૌભાંડનો ભાંડો ફોડ્યો છે.

આ કોલસેન્ટરોના માધ્યમથી ભોળા અને અજ્ઞાની ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવતો હતો. ખેડૂતોને વ્યાજે નજીવી રકમ આપીને, તેમની કરોડોની કિંમતી જમીન અન્ય વ્યક્તિઓના નામે કરાવી લેવાનો ખેલ ચાલતો હતો.

મજબૂરીનો ફાયદો, જમીન પર નજર

આરોપીઓ એટલા શાતિર હતા કે તેઓ 'શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ', 'ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ' અને 'પટેલ ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ' જેવા ભ્રામક નામોથી પેઢીઓ ચલાવતા હતા. રાજકોટના કોલસેન્ટર પરથી 14 જેટલી મહિલાઓ ખેડૂતોને જાળમાં ફસાવવા માટે ફોન કરતી હતી. જ્યારે ખેડૂત જમીન પાછી માંગે, ત્યારે અગાઉ લીધેલી રકમ કરતાં કરોડો રૂપિયા વધુ માંગવામાં આવતા હતા. પોલીસના દરોડા દરમિયાન રાજકોટ, મોરબી, જામનગર સહિતના વિવિધ જિલ્લાના 32 જેટલા ખેડૂતોના ૭/૧૨, ૮-અ અને આધારકાર્ડ જેવા ગુપ્ત દસ્તાવેજો મળી આવ્યા.

જેલમાંથી ચાલતું હતું આખું નેટવર્ક

પરંતુ આ કૌભાંડના મૂળિયાં ક્યાંક વધુ ઊંડા અને ચોંકાવનારા છે. આ આખું નેટવર્ક જેલની અંદર બંધ કુખ્યાત અલ્પેશ દોંગા અને બહારથી તેનો સાગરીત અક્ષિત અકબરી ઉર્ફે હેપ્પી પટેલ ઓપરેટ કરી રહ્યા હતા. અલ્પેશ દોંગા વિરુદ્ધ અગાઉથી જ રાજકોટ શહેર અને ગ્રામ્યમાં 13 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે. હાલ પોલીસે આ કેસમાં હિરેન નામના આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે જેલમાં બંધ અલ્પેશ દોંગાનો ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જો મેળવવા તજવીજ શરૂ કરી છે.

લોનની જાળ બિછાવીને જગતના તાતની જમીન હડપ કરનારા આ વ્યાજખોરો આખરે કાયદાના સકંજામાં આવી ગયા છે. પરંતુ આ ઘટના એ તમામ ખેડૂતો માટે લાલબત્તી સમાન છે જેઓ મજબૂરીમાં આવીને આવા અજાણ્યા કોલસેન્ટરોના શિકાર બને છે.

નાની જરૂરિયાત માટે લેવાયેલી રકમ અને સામે કરોડોની જમીન રાજકોટ ગ્રામ્ય પોલીસની તપાસમાં જમીન સાથે જોડાયેલી આ કથિત ઠગાઈનું નેટવર્ક સામે આવ્યું છે. હવે પોલીસ તપાસમાં મહત્વનો સવાલ એ છે કે કેટલા ખેડૂતો આ નેટવર્કનો ભોગ બન્યા અને જમીનના આ ખેલમાં હજુ કેટલા ચહેરા સામેલ છે?

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES