SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

કાળજાના ટુકડા સમાન ભાણેજે જ મામાને આપ્યો દગો, રાજકોટની 11 લાખની લૂંટની ઘટનામાં મોટો ટ્વિસ્ટ

Rajkot News : ક્યારેક લાલચની ઊધઈ કેવો મોટો વિશ્વાસઘાત કરી શકે છે, તેનો જીવતો જાગતો કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. જે ભાણેજને મામાએ પોતાના કાળજાના ટુકડાની જેમ રાખ્યો, ધંધા માટે પોતાના સોનાના દાગીના ગીરવે મૂકીને 40 લાખ રૂપિયા આપ્યા. એ જ ભાણેજે મામાની આખી મૂડી ઓળવી જવા માટે ધોળા દિવસે રાજકોટની સડકો પર હચમચાવી દેનારો ખેલ ખેલ્યો. ભાણેજે મામાને તળિયાઝાટક કરવા કેવો ખેલ ખેલ્યો, તેના વિશે આ લેખમાં જાણીશું.

Written By Dilip Chaudhary
Published: Oct 12, 2026, 09:51 PM IST | Updated: Oct 12, 2026, 09:54 PM IST
Join

સાહિલ સપ્પા, રાજકોટ : રાજકોટમાં બે દિવસ પૂર્વે દિનદહાડે બનેલી 11 લાખની સનસનાટીભરી લૂંટની ઘટનામાં મોટો ટ્વિસ્ટ આવ્યો છે. પોલીસે કલાકોની જહેમત બાદ લૂંટના આ આખેઆખા ફિલ્મી તરકટનો પર્દાફાશ કરી દીધો છે. જે ભાણેજ પર મામાએ આંધળો વિશ્વાસ મૂક્યો, એ જ ભાણેજ વિશ્વાસઘાતી નીકળ્યો. મામાની આંખો સામે જ 11 લાખ રૂપિયાની લૂંટનું નાટક રચીને ભાણેજે લોહીના સંબંધોને લજવ્યા છે.

વાંકાનેરમાં પ્રેમ પ્રકરણ બન્યું ઘાતક: દીકરી ભાગી છૂટી ને પિતાના ગુસ્સાએ લીધો નિર્દોષ દાદાનો ભોગ

મામાને લૂંટવાનો ભાણેજનો ખેલ

પોલીસની પ્રાથમિક તપાસમાં ધીરેન્દ્ર સિંહ વાઘેલા દ્વારા પોતાના મામા હરદેવસિંહ ઝાલા પાસેથી ત્રણ મહિના પૂર્વે 40 લાખ રૂપિયા જેટલી રકમ કટકે કટકે લીધી હતી. જે રકમ પરત ચૂકવવી ન પડે તે માટે ભાણેજે જ મામા સાથે છેતરપિંડી કરી ₹11 લાખની લૂંટનું નાટક રચ્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

ભાણેજે પોતાના બે મિત્રો સાથે મળીને લૂંટનું ખોટું કાવતરું ઘડ્યું હતું. પ્લાન મુજબ, નંબર પ્લેટ વગરની બાઇક પર આવેલા બે શખસોએ મામાની બાઈકને પાછળથી લાત મારી હતી અને ભાણેજના હાથમાં રહેલો ખાલી થેલો લઈ ફરાર થયા હોવાનો દેખાવ ઊભો કરાયો હતો.

નકલી લૂંટના તરકટનો પર્દાફાશ

આ નકલી લૂંટના ડ્રામા બાદ ભાણેજ ધીરેન્દ્રસિંહે પોતે જ ભોગ બન્યા હોવાનો ઢોંગ કરીને પોલીસને જાણ કરી હતી, પરંતુ જ્યારે પોલીસે પૂછપરછ શરૂ કરી ત્યારે 11 લાખ ક્યાંથી આવ્યા, કોણે આપ્યા તે અંગે ભાણેજ એક પણ સંતોષકારક જવાબ આપી શક્યો નહીં. પોલીસને શંકા જતાં જ્યારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી, ત્યારે આ આખેઆખા ષડયંત્રની કડીઓ એક પછી એક ખુલતી ગઈ.

ભાણેજ જેલના સળિયા પાછળ ધકેલાયો

લૂંટની ઘટનાની ગંભીરતાને જોતાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની જુદી જુદી ટીમો કામે લગાડવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે કાવતરાખોરો જામનગર-કાલાવડ રોડ તરફ નાસી ગયા હોવાની પાકી બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને નકલી લૂંટ ચલાવનાર ધ્રુવરાજસિંહ ગોહિલ અને ભાવેશ ખુવાને રોડ પરથી જ દબોચી લીધા હતા.

સોનાના દાગીના ગીરવે મૂકીને જે ભાણેજને ધંધા માટે મામાએ આર્થિક મદદ કરી, એ જ કળિયુગી ભાણેજે રૂપિયા પરત ન આપવા પડે તે માટે આખું લૂંટનું નાટક રચ્યું. પરંતુ કહેવાય છે ને કે કાયદાના હાથ લાંબા હોય છે અને રાજકોટ પોલીસની સજાગતાએ ભાણેજના આ કાળા કરતૂતનો પર્દાફાશ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES