)
ગાંધીનગર ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે સત્તાવાર હુકમ કરીને રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓના નિયામક નલિનકુમાર ચૌધરીનું રાજીનામું 23 નવેમ્બરથી અમલી બને તે રીતે મંજૂર કર્યું છે. તેમના રાજીનામા બાદ નાયબ નિયામક અનિલકુમાર બી. ચાવડાને ફાયર નિયામકનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. અગાઉ રાજીનામું રીવોક કરવા બાબતે પણ ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું, જોકે રાજીનામા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.
પાટણ ખાતે પદ્મનાભ ભગવાનના સપ્તરાત્રિ મેળામાં નાગરિકોને સ્વચ્છ અને સુરક્ષિત ખાદ્યચીજવસ્તુઓ મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાત્રિ દરમિયાન ખાદ્યસામગ્રી વેચતા એકમોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન અંદાજે રૂ. 5,500ની કિંમતની બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજવસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં 7 લિટર ઉપયોગ માટે અયોગ્ય તેલ, 10 કિલો રંગયુક્ત મંચુરિયન અને 15 કિલો રંગયુક્ત ચટણીનો સમાવેશ થાય છે. મેળામાં ખાદ્યસલામતીના નિયમોનું કડક પાલન થાય તે માટે તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
સુરતના ચકચારી સતીષ મરાઠા હત્યાકાંડ અને ગુજસીટોક કેસમાં છેલ્લા સાડા ત્રણ મહિનાથી ફરાર આરોપી અંકુર દુર્ગાપ્રસાદ પાંડેને ભેસ્તાન પોલીસના સર્વેલન્સ સ્ટાફે ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે પોલીસે પલસાણામાં શિવમ હોસ્પિટલ પાસે ચામુંડા ટી સ્ટોલ નજીક વોચ ગોઠવીને આરોપીની ધરપકડ કરી હતી. મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરનો વતની અને અગાઉ સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતો આરોપી અંકુર પાંડે લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો. આરોપીને ઝડપી લીધા બાદ ભેસ્તાન પોલીસે તેની સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર જિલ્લાના કલોલ સ્થિત પોક્સો કોર્ટે સાડા બાર વર્ષની સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં 20 વર્ષીય આરોપી રાજકુમાર ઉર્ફે છોટું ગુલાબપ્રસાદ બંસલને પોક્સો કાયદા હેઠળ 20 વર્ષની સખત કેદ અને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે, જે ન ભરવા પર વધુ 3 મહિનાની સાદી કેદ ભોગવવી પડશે. 19 મે 2026ની રાત્રે દંતાલી GIDC વિસ્તારમાંથી લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કર્યા બાદ આરોપી તેને મધ્યપ્રદેશ અને બિહાર લઈ ગયો હતો અને ત્યાં તેનું વારંવાર શારીરિક શોષણ કર્યું હતું, જે અંગે સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. સાંતેજ પોલીસના પીઆઇ એસ.આર. ચૌધરી અને ટીમની તપાસ તથા સરકાર પક્ષે એપીપી જીગ્નેશ એચ. જોષીની દલીલો બાદ ન્યાયાધીશ બી.આર. રાજપુતે ચુકાદો આપતા નોંધ્યું હતું કે આરોપીએ બાળકીની અપરિપક્વતાનો ગેરલાભ ઉઠાવ્યો છે અને બાળકીની સુરક્ષા એ સમાજ તથા ન્યાયતંત્રની સર્વોપરી જવાબદારી છે.
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા વિસ્તૃત ટર્મિનલ બિલ્ડિંગને ગ્રીન બિલ્ડિંગના માપદંડો પર ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રતિષ્ઠિત GRIHA (ગૃહ)નું 4-સ્ટાર રેટિંગ પ્રાપ્ત થયું છે. પર્યાવરણને અનુકૂળ આયોજનના કારણે ટર્મિનલના ઊર્જા વપરાશમાં 43.6 ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે, જેમાં 140 કિલોવોટની સોલાર સિસ્ટમ, વીજળી બચાવતી LED લાઇટિંગ અને સફાઈ કામગીરી માટે ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ મુખ્ય ફાળો આપી રહ્યા છે. આ ઉપરાંત, જળ સંરક્ષણ માટે વરસાદી પાણીના સંગ્રહની ખાસ વ્યવસ્થા, વોટર રિસાઈક્લિંગ સિસ્ટમ તેમજ પાણીનો ઓછો વપરાશ કરતા આધુનિક નળ અને ઉપકરણો સ્થાપિત કરવામાં આવ્યા છે, જે સુરત એરપોર્ટની પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
રાજકોટમાં બંધારણ ગૌરવ દિવસની ઉજવણી દરમિયાન સાંસદ પરષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી જ બંધારણના સન્માનની પરંપરા શરૂ થઈ હોવાનો દાવો કરી, કટોકટી અને નવજીવન પ્રેસ પર પોલીસની રેડનો ઉલ્લેખ કરી કોંગ્રેસને આડે હાથ લીધી હતી. જોકે, રાજકીય નિવેદનો વચ્ચે રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીના મુદ્દે રૂપાલાના તેવરમાં નરમાશ જોવા મળી હતી. અઢી મહિના અગાઉ ચૂંટણી પૂર્ણ થઈ હોવા છતાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક અટવાઈ છે. ત્યારે હવે આ મામલે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવાની વાત રૂપાલાએ કરી છે. અગાઉ જાહેર મંચ પરથી સંઘના ભરપેટ વખાણ કરનાર રૂપાલાએ હવે નિમણૂકમાં વિલંબ મુદ્દે પ્રદેશ ભાજપ સમક્ષ રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે. તો શું ભાજપના આંતરિક જૂથવાદના કારણે સંઘની સત્તાની કમાન સોંપવામાં વિલંબ થઈ રહ્યો છે
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભગુડા ગામે દીપડાએ 8 વર્ષીય બાળક પર હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. તળાજાના પ્રતાપપરાના વતની અશોકભાઈ ભાલીયા ખેત મજૂરી અર્થે ભગુડા ગામે આવ્યા હતા, જ્યાં તેમનો 8 વર્ષીય પુત્ર આશીષ ખેતરમાં કામ પૂરું કરીને માતા મકીબેન સાથે ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક ઘસી આવેલા દીપડાએ બાળક પર હુમલો કર્યો હતો અને તેને ઢસડીને વાડમાં ઉપાડી ગયો હતો, જોકે આસપાસના લોકોએ બૂમાબૂમ કરતા દીપડો બાળકને મૂકીને નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાળકને તાત્કાલિક સારવાર માટે તળાજાની ખાનગી સદવિચાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ભગુડાના ગ્રામજનો દ્વારા વહેલી તકે દીપડાને પાંજરે પૂરવાની માંગ કરવામાં આવી રહી છે.
સુરત શહેર પોલીસ કમિશનર વાબાંગ જામીરના 'NO DRUGS IN SURAT CITY' અભિયાન હેઠળ જહાંગીરપુરા પોલીસે સુડા સંસ્કૃતિ આવાસના એક ફ્લેટમાં રેડ કરીને મોટી કાર્યવાહી કરી છે. આ દરોડા દરમિયાન પોલીસે રૂ. 1,15,710ની કિંમતનો 33.060 ગ્રામ હાઈબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે અને 24 વર્ષીય ડિલિવરી બોય જેનીશ ઉર્ફે જોખમ જયંતિભાઈ માહ્યાવંશીની ધરપકડ કરી છે. ફ્લેટમાંથી ગાંજા તથા આઇફોન સહિત કુલ રૂ. 1,25,710નો મુદ્દામાલ તેમજ વેચાણ માટેની ઝીપલોક બેગ, ક્રશર અને ઇલેક્ટ્રિક વજનકાંટો પણ મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ગાંજાનો જથ્થો પૂરો પાડનાર કતારગામના ધાર્મિક રાઠોડને વોન્ટેડ જાહેર કરીને જહાંગીરપુરા પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર GMERS સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી મેડિસિન વિભાગમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીઓની સારવાર અને બેદરકારી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે, જે અંગે ખુદ ઈમરજન્સી સેવાના વડાએ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટને લેખિત પત્ર લખીને રજૂઆત કરી છે. પત્રમાં જણાવાયું છે કે શ્વસન રોગ અને એનેસ્થેસિયા વિભાગ વચ્ચે સંકલન તથા સ્પષ્ટ કાર્યપદ્ધતિના અભાવે વેન્ટિલેટર પરના દર્દીઓની જવાબદારી મુદ્દે વિવાદ ઊભો થયો છે, અને દર્દીના મૃત્યુની સ્થિતિમાં જવાબદારી કોની રહેશે તેવો ગંભીર પ્રશ્ન પણ ઉઠાવાયો છે. તાજેતરમાં માથામાં ઈજા પામેલા એક દર્દીને 25 મિનિટ સુધી સર્જનની રાહ જોવી પડતા પરિવારજનો તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવા મજબૂર બન્યા હતા. આ ઉપરાંત, સ્ટાફની અછત અને કામના ભારણથી તબીબો પર માનસિક દબાણ વધી રહ્યું હોવાથી તમામ વિભાગોની સ્પષ્ટ જવાબદારી નક્કી કરી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
ગુજરાત એટીએસ (ATS) દ્વારા ઝડપાયેલા શંકાસ્પદ આતંકી શેહરૂલ ઈસ્લામને કોર્ટે 14 દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે. એટીએસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ અને તપાસ માટે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેને કોર્ટે માન્ય રાખી છે. પ્રાથમિક તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ આતંકી વડોદરા એરફોર્સ સ્ટેશન પર હુમલો કરવાનો ખતરનાક પ્લાન બનાવી રહ્યો હતો. હવે રિમાન્ડ દરમિયાન એટીએસ તેના અન્ય સાગરીતો અને આતંકી નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ હાથ ધરશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસનો આજે બીજો દિવસ છે, જેમાં તેઓ વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોમાં હાજરી આપશે. આજના પ્રવાસ દરમિયાન તેઓ જેતપુર પાવી ખાતે ચાલી રહેલા અલગ-અલગ વિકાસ પ્રોજેક્ટ્સની પ્રગતિ અને કામગીરીની રૂબરૂ મુલાકાત લઈને સમીક્ષા કરશે. આ ઉપરાંત, તેઓ સ્થાનિક યુવાનો સાથે ખાસ પરિસંવાદ પણ યોજશે, જેમાં યુવાનોના પ્રશ્નો, કારકિર્દી અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે સીધો સંવાદ સાધવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે યાત્રાધામ દ્વારકાની મુલાકાતે જઈ રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ સૌપ્રથમ જગતમંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરશે. ત્યારબાદ, મુખ્યમંત્રી આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત બ્લ્યુ ફ્લેગ બીચ શિવરાજપુર ખાતે રૂ. 102 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ પ્રવાસન અને વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ નવીન સુવિધાઓથી શિવરાજપુર બીચ પર આવતા પ્રવાસીઓ માટે આકર્ષણમાં વધારો થશે અને સ્થાનિક રોજગારીને પણ મોટો ફાયદો થશે.
ગુજરાત રાજ્યભરમાં શિયાળાની અસલી જમાવટ જોવા મળી રહી છે અને ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે રાજ્યના મોટાભાગના શહેરોના લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના લીધે વહેલી સવારે અને મોડી રાત્રે લોકો તીવ્ર ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..