Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 27 નવેમ્બરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..
અમદાવાદના વ્યસ્ત ગણાતા એસજી હાઈવે પર આવેલા પકવાન ચાર રસ્તાને બંધ કરવાનો નિર્ણય તંત્ર માટે ભારે પડ્યો છે. સવારે જ જંકશન બંધ કરીને બેરિકેડ મૂકી દેવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી અને હજારો વાહનચાલકો અટવાઈ પડ્યા હતા. કોઈ પણ પ્રકારના પૂર્વ આયોજન વગર જંકશન બંધ કરી દેવાયું હોવાના આક્ષેપ સાથે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આખરે ટ્રાફિકની સ્થિતિ વધુ વણસતાં તંત્રને સાંજે બેરિકેડ હટાવવાની ફરજ પડી હતી. હાલ પૂરતી જંકશન બંધ કરવાની કામગીરી મોકૂફ રાખવામાં આવી છે અને હવે નવી ડિઝાઇન તેમજ યોગ્ય આયોજન કર્યા બાદ જ કેપ્સ્યુલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.
27 Nov 2026 09:10 IST
Gujarat News Live: રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી GTU ના કુલપતિ બનવા જામી ભારે રસાકસી, સર્ચ કમિટી સમક્ષ અંદાજે 53 અરજીઓ આવી
રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી GTU ના કુલપતિ બનવા જામી ભારે રસાકસી. નવા કુલપતિ પદ માટે સર્ચ કમિટી સમક્ષ અંદાજે ૫૩ અરજીઓ આવી. ચોંકાવનારી વાત હાલ અન્ય ૩ યુનિવર્સિટીમાં કાર્યરત કુલપતિઓએ પણ GTU માટે અરજી કરી. અગાઉ નિયુક્તિ છતાં હાજર ન થયેલા ઉમેદવારોએ પણ GTU માં રસ દાખવ્યો. પૂર્વ કુલપતિઓ અને સરકારી ઇજનેરી કોલેજના પ્રિન્સિપાલ પણ સ્પર્ધામાં. કુલપતિ પદ મેળવવા ઉમેદવારોનું જોરદાર લોબીંગ શરૂ થયાની ચર્ચા. RSS, BJP અને ABVP ના જાહેર કાર્યક્રમોમાં હાજરી પુરાવી ધ્યાન ખેંચવાનો પ્રયાસ. ૫૩ અરજીઓની સ્ક્રૂટીની બાદ સર્ચ કમિટી ૩ યોગ્ય ઉમેદવારોની કરશે પસંદગી. રાજ્યભરમાં વિશાળ કાર્યક્ષેત્ર અને બે ટર્મની શક્યતાને કારણે GTU માં વધ્યું આકર્ષણ.
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી સાર્થક રેસીડેન્સીમાં રહેતા ધોરણ ૧૦ના વિદ્યાર્થી દેવમ પટેલે અભ્યાસના તણાવમાં આવીને આપઘાત કરી લીધો હોવાની કરુણ ઘટના સામે આવી છે. દેવમે પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધીને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત ઘોષિત કર્યો હતો. હાલ અડાજણ પોલીસે આ સમગ્ર બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
27 Nov 2026 08:53 IST
Gujarat News Live: સુરતના નાસીરનગર ડિમોલિશન પ્રકરણમાં મનપાને હાઇકોર્ટમાંથી મોટી રાહત, રૂબરૂ હાજરીના આદેશ પર સ્ટે
સુરતના નાસીરનગર ડિમોલિશન પ્રકરણમાં સુરત મહાનગરપાલિકાને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. મનપા કમિશનર અને સ્થાયી સમિતિના અધ્યક્ષને રૂબરૂ હાજર રહેવાના સિંગલ જજના ૨૩ ઓક્ટોબરના આદેશને LPA મારફતે ડિવિઝન બેન્ચમાં પડકારવામાં આવ્યો હતો. આ અરજી પર બંને પક્ષના વકીલોની અંદાજે પોણા ચાર કલાક સુધી વિસ્તૃત દલીલો ચાલી હતી, જેના અંતે ડિવિઝન બેન્ચે રૂબરૂ હાજરીના આદેશ પર સ્ટે મૂકી દીધો છે. આ નિર્ણયને પગલે ૨૭ નવેમ્બરના રોજ યોજાનારી સુનાવણી દરમિયાન બંને અધિકારીઓને કોર્ટમાં રૂબરૂ હાજર રહેવામાંથી મુક્તિ મળી છે.
27 Nov 2026 08:52 IST
Gujarat News Live: સુરતની શાળાઓમાં હવે ન્યાયાધીશો વિદ્યાર્થીઓને કાયદાના પાઠ ભણાવશે, કુલ ૭૯ શાળાઓમાં આ અભિયાન અંતર્ગત કાર્યક્રમોનું આયોજન
સુરત શહેર અને જિલ્લાની શાળાઓમાં હવે ન્યાયાધીશો દ્વારા વિદ્યાર્થીઓને કાયદાકીય બાબતો અંગે જાગૃત કરવામાં આવશે. 'સુરક્ષિત બચપણ અભિયાન' અંતર્ગત આગામી ૩૦ નવેમ્બરથી ૧૨ ડિસેમ્બર દરમિયાન ન્યાય અધિકારીઓ વિવિધ શાળાઓની મુલાકાત લેશે અને વિદ્યાર્થીઓને પોક્સો (POCSO) એક્ટ, બાળ લગ્ન પ્રતિબંધ તેમજ સાઇબર સુરક્ષા જેવા મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપશે. આ વિશેષ અભિયાનમાં સુરત શહેરની ૬૪ અને જિલ્લાના વિવિધ તાલુકાઓની ૧૫ મળીને કુલ ૭૯ શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યાં આ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન થશે.
આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓના ભાગરૂપે ગુજરાત ભાજપ દ્વારા ૧ ડિસેમ્બરથી ૨૫ ડિસેમ્બર સુધી ૨૫ દિવસનું વિશેષ 'સેવાદૂત અભિયાન' ચલાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર ૨-૨ સેવાદૂતોને મોકલવામાં આવશે, જેની જવાબદારી પક્ષના સિનિયર નેતાઓને સોંપવામાં આવશે. આ સેવાદૂતો દરેક વિધાનસભા બેઠકની મુલાકાત લઈને ત્યાંની સ્થાનિક અને રાજકીય પરિસ્થિતિનો વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરીને પક્ષને સોંપશે.
અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં મોડી રાત્રે એક મોબાઈલ ટાવરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ આગમાં મોબાઈલ ટાવરનો ઉપરનો ભાગ ઝપેટમાં આવી જતાં વિસ્તારમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં આજથી શરૂ થતી T.Y. B.Comની પરીક્ષા ટાણે જ સર્વર ઠપ થઈ જતાં ૫૮૦૦ જેટલા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટવાઈ ગઈ હતી. હોલ ટિકિટના અભાવે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે કયા બિલ્ડિંગમાં જવું તે અંગે ભારે મૂંઝવણ ઊભી થઈ હતી. જોકે, પરીક્ષા કેન્દ્ર પર કોઈ અફરાતફરી ન સર્જાય તે માટે કોમર્સ ફેકલ્ટીના ડીન અને સત્તાધીશોએ તાત્કાલિક પગલાં ભરીને વિદ્યાર્થીઓના બેઠક નંબર મુજબ પરીક્ષા કેન્દ્રની યાદી જાહેર કરી છે.
27 Nov 2026 08:51 IST
Gujarat News Live: ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે વાવ-થરાદમાંથી ગૌભક્તોનો કાફલો ગાંધીનગર રવાના, થરાદ સજ્જડ બંધ
ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે આજે ગાંધીનગરના અડાલજ ખાતે યોજાનારી મહાસભામાં જોડાવા માટે વાવ-થરાદ જિલ્લામાંથી ગૌભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. થરાદ, વાવ, દિયોદર અને ભાભર એસટી ડેપો તેમજ વિવિધ ગામોમાંથી કુલ ૪૪ એસટી બસો દ્વારા ગૌભક્તોનો કાફલો અડાલજ જવા રવાના થયો છે, જેમાં મુસ્લિમ સમાજના લોકો પણ જોડાયા છે. આ મહાસભાના સમર્થનમાં આજે થરાદ સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેને થરાદ એપીએમસી સહિત વિવિધ વેપારી એસોસિયેશનોએ ટેકો જાહેર કર્યો છે. બીજી તરફ, ગૌભક્તોની અવરજવર વચ્ચે સામાન્ય મુસાફરો અને વિદ્યાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે એસટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
27 Nov 2026 08:51 IST
Gujarat News Live: સુરતના કવાસ ગામમાં 9 વર્ષની સગીરા સાથે સગા ફુઆની શરમજનક હરકત, પોક્સો હેઠળ ગુનો નોંધાયો
સુરતના કવાસ ગામમાં ૯ વર્ષની બાળકી સાથે તેના જ સગા ફુઆએ અયોગ્ય વર્તન કર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. મળતી વિગતો અનુસાર, ૨૨ નવેમ્બરની રાત્રે પિતા અને ફુઆની વચ્ચે સૂતેલી બાળકી સાથે આરોપી ફુઆએ અડપલાં કર્યા હોવાનો આક્ષેપ છે. આ મામલે પરિવારમાં ચર્ચા થયા બાદ ૨૫ નવેમ્બરે બાળકીની માતાએ ઈચ્છાપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
27 Nov 2026 08:51 IST
Gujarat News Live: ભરૂચના ગાયત્રીનગર વિસ્તારમાં યુવાન પર ચપ્પુ વડે જીવલેણ હુમલો, મકાનના ખરીદ-વેચાણના સોદામાં નાણાકીય લેવડદેવડની તકરાર હોવાનું અનુમાન
ભરૂચ શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં મકાનના ખરીદ-વેચાણના સોદામાં થયેલી નાણાકીય લેવડદેવડની તકરારમાં તુષાર મોહિતે નામના યુવાન પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તે ICUમાં સારવાર હેઠળ છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે, જ્યારે ભરૂચ એ ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર બનાવ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
27 Nov 2026 08:50 IST
Gujarat News Live: કેન્દ્ર સરકારે સંસદના બંને ગૃહોની એક-એક દિવસની બોલાવી બેઠક, લોકસભાની 30 નવેમ્બર અને રાજ્યસભાની 2 ડિસેમ્બરે યોજાશે
કેન્દ્ર સરકાર દ્વારા સંસદના બંને ગૃહોની એક-એક દિવસની બેઠક બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, લોકસભાની બેઠક 30 નવેમ્બર, 2026ના રોજ મળશે, જ્યારે રાજ્યસભાની બેઠક 2 ડિસેમ્બર, 2026ના રોજ યોજાશે. આ એક દિવસીય બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરવામાં આવશે.
અમદાવાદમાં કોંગ્રેસના નેતા ગીતા બહેન પટેલની નાની બહેન સોનલ પટેલ ડ્રગ્સનું વેચાણ કરતા ઝડપાઈ હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી સોનલ પટેલ પોતાની હાઈ-પ્રોફાઈલ લાઈફસ્ટાઈલ જાળવી રાખવા અને મોજશોખ પૂરા કરવા માટે ડ્રગ્સના કાળા કારોબારમાં સંડોવાયેલી હતી. પોલીસે આ મામલે તેની ધરપકડ કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
27 Nov 2026 08:50 IST
Gujarat News Live: સુરતના દાના પાસે રિક્ષા ચાલક અને સ્થાનિક વચ્ચે છૂટ્ટાહાથની મારામારી, અન્ય એક શખ્સે લાકડા ફટકા પણ માર્યા
સુરતના દાના વિસ્તાર પાસે રિક્ષા હટાવવા જેવી સામાન્ય બાબતે રિક્ષા ચાલક અને સ્થાનિક વ્યક્તિ વચ્ચે બોલાચાલી થઈ હતી, જે ઉગ્ર બનતા છૂટ્ટાહાથની મારામારીમાં પરિણમી હતી. આ દરમિયાન અન્ય એક શખ્સે લાકડાના ફટકા વડે પણ હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે. મારામારી અને હુમલાની આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
27 Nov 2026 08:49 IST
Gujarat News Live: વડોદરાના ફતેગંજમાં ટેમ્પો અને પીકઅપ વચ્ચે સર્જાયો અકસ્માત, ઘટનામાં 3 લોકોને પહોંચી ઈજા
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ટેમ્પો અને પીકઅપ વાન વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ હાલ સામે આવ્યા છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચીને સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.
27 Nov 2026 08:49 IST
Gujarat News Live: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજથી 3 દિવસ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે, બુથ પ્રમુખો સાથે પણ કરશે બેઠક
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજથી ત્રણ દિવસ માટે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે જઈ રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ જિલ્લાના વિધાનસભા પ્રભારી, મંડલ પ્રભારી, ક્લસ્ટર પ્રભારી અને મહામંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજશે. આ ઉપરાંત, પાયાના સ્તરે કામગીરીની સમીક્ષા કરવા અને કાર્યકરો સાથે સીધો સંવાદ સાધવા માટે તેઓ બુથ પ્રમુખો સાથે પણ ખાસ બેઠક કરશે.
કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.