)
બોટાદની જવાહર નવોદય વિદ્યાલયમાં ડમ્પિંગ સાઈટના વિરોધમાં વાલીઓનો આક્રોશ યથાવત્ છે. આજે સતત 8મા દિવસે પણ વાલીઓએ પોતાના બાળકોને શાળાએ મોકલ્યા નથી, જેના કારણે વિદ્યાલયમાં શિક્ષણ કાર્ય બંધ રહ્યું છે. 17 નવેમ્બરે ડમ્પિંગ સાઈટમાં લાગેલી આગના કારણે ફેલાયેલા ઝેરી ધુમાડાથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર અસર થઈ હોવાનો વાલીઓનો આક્ષેપ છે. વાલીઓની માગ છે કે ડમ્પિંગ સાઈટ તાત્કાલિક હટાવવામાં આવે અને કલેક્ટર લેખિત બાંહેધરી આપે. જો માગ નહીં સંતોષાય તો 405 વિદ્યાર્થીઓ સાથે કલેક્ટર કચેરીએ ધરણાં કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ગુજરાતમાં આરોગ્ય વિભાગની કથળતી સ્થિતિને લઈને કોંગ્રેસે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. હેલ્થ ડાયનામિક્સ ઓફ ઈન્ડિયાના આંકડાઓને ટાંકીને કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ રાજ્યમાં ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓની ભારે ઘટ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, રાજ્યના 492 PHC સેન્ટરમાં ડોક્ટરોની 1,867 જગ્યાઓમાંથી 380 જગ્યાઓ ખાલી છે. ગ્રામીણ વિસ્તારોમાં 147 ફાર્માસિસ્ટ અને 2,203 નર્સિંગ સ્ટાફની ઘટ છે. આ ઉપરાંત હેલ્થ વર્કરની 426 જગ્યાઓ ખાલી છે. રાજ્યના 1,492 PHC પૈકી માત્ર 485 સેન્ટર જ 24 કલાક કાર્યરત છે. કોંગ્રેસે સરકાર સમક્ષ તાત્કાલિક ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓની ભરતી કરવાની માગ કરી છે.
સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત્ રહ્યો છે. આ વખતે શ્વાને સુરત મહાનગરપાલિકાના જ કર્મચારી પર હુમલો કર્યો છે. પાંડેસરા તિરુપતિ નગરમાં સફાઈ કરી રહેલા કર્મચારીને શ્વાને 7થી વધુ જગ્યાએ બચકા ભરતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવો પડ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે.
સુરતમાં વોટ્સએપ પર Wedding Invitation APK ફાઈલ મોકલી મોબાઈલ હેક કરી બેંક ખાતામાંથી 10,02,000 ટ્રાન્સફર કર્યા હતા. સુરત સાયબર ક્રાઈમ સેલે ટેકનિકલ એનાલિસિસના આધારે ઉત્તરપ્રદેશના બિજનૌરથી આરોપી દેવેન્દ્ર મલીકને ઝડપી પાડ્યો. આરોપી સાયબર ઠગોને કમિશનથી પોતાનું બેંક એકાઉન્ટ પૂરું પાડતો હતો. છેતરપિંડીના રૂપિયા ચેક મારફતે ઉપાડી સાયબર ઠગોને પહોંચાડતો હતો. રોકડ ઉપાડેલી રકમમાંથી 20 ટકા કમિશન પોતે રાખતો હોવાનો ખુલાસો. બાકીની રકમ ફરાર સહઆરોપીઓને આપતો હતો.
પાલનપુરના ભાગળ ગામે બે કોમો વચ્ચે ફરીથી મારામારીની ઘટના સામે આવી છે. જુની અદાવતને લઈને બે કોમો વચ્ચે પથ્થરમારો અને છુટા હાથની મારામારી થઈ હતી. બંને કોમોના ટોળાએ પથ્થર અને ઈંટોના એકબીજા પર ઘા કર્યા હતા. બંને કોમોના લોકો અને મહિલાઓ વચ્ચે મારામારી થઈ છે. હુમલામાં બંને કોમના લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. પાલનપુર તાલુકા પોલીસ સહિતનો કાફલો ભાગળ ગામે પહોંચ્યો છે.
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલા કિન્નર અખાડામાં 24 નવેમ્બરની રાત્રે સંતવાણી કાર્યક્રમ દરમિયાન લૂંટ અને મારામારીની ઘટના બની હતી. આરોપી શિવગિરી ગુરુ જયદેવગીરી ત્રણ સાગરીતો સાથે ગદા લઈને અખાડામાં ઘૂસી આવ્યો હતો. મહામંડલેશ્વર 1008 ગિરનારગીરીજી માતાજી ઉર્ફે સ્વીટુમા સાથે માથાકૂટ કરી અન્નક્ષેત્ર માટે એકત્ર કરાયેલા ₹1.60 લાખ લૂંટી લીધા હતા. આ ઉપરાંત વિપુલ રાવતની વીંટી પણ ઝૂંટવી હતી. ગદાના હુમલામાં કેટલાક લોકોને ઈજા પહોંચી હતી. ભવનાથ પોલીસમાં ગુનો નોંધાયો છે. આરોપી સામે અગાઉ છ ગુના નોંધાયા છે અને હદપારી પણ થઈ ચૂકી છે. હાલ ફરાર આરોપીની શોધખોળ માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી છે.
Gujarat Breaking News Live Updates: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...