Gujarat News Live: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અંબાજીનો કાર્યક્રમ રદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અંબાજીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. લાભ પાંચમના દિવસે PM મોદી અંબાજી નહીં જાય. વહીવટી કારણોસર હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો.
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અંબાજીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. લાભ પાંચમના દિવસે PM મોદી અંબાજી નહીં જાય. વહીવટી કારણોસર હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગાંધીનગર મુલાકાતને લઈ જાહેરનામું. મંત્રી નિવાસ સ્થાન તરફના રસ્તા સામાન્ય વાહનો પર પ્રતિબંધ. અક્ષરધામ સર્કલ થી ઇન્દ્રોડા સર્કલ સુધી રસ્તો બંધ. આવતીકાલ 13 સાંજે 4 વાગ્યાથી 14 નવેમ્બર સવારે 12 વાગ્યે સુધી બંધ રહેશે. ચ રોડ અને ઘ રોડ નો ઉપયોગ કરી શકાશે. જિલ્લા કલેકટર જાહેરનામું બહાર પાડ્યું.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના હવાઈ મુસાફરીને લઈને મોટા સમાચાર. હિરાસર એરપોર્ટને ફોરેન ઇમિગ્રેશન માટે કેન્દ્ર સરકારની મંજૂરી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેટેગરી-1 ઈમિગ્રેશન એરપોર્ટમાં કર્યો સમાવેશ. આગામી સમયમાં રાજકોટ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થશે. ઘણા સમયથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો રાહ જોઈ રહ્યા હતા.. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પર્યટન,ઉદ્યોગ અને વેપારને ફાયદો થશે. વિદેશ જતા સૌરાષ્ટ્રના લોકોને અમદાવાદ કે મુંબઈ જવું નહિ પડે. ઘણા વર્ષોથી ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું હતું પરંતુ ડોમેસ્ટિક ફ્લાઈટ ઉડતી હતી.
ગીર સોમનાથ જિલ્લામાં દિવાળીના મીની વેકેશન દરમિયાન યાત્રિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જ્યાં ભાઈબીજના તહેવાર બાદ પણ ભક્તોની અવિરત ભીડ યથાવત રહી છે. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે સતત પાંચમા દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ભારે ભીડને પગલે સોમનાથ મંદિર પરિસરમાં વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી રહી છે અને સમગ્ર મંદિર પરિસર 'હર હર મહાદેવ'ના પવિત્ર નાદથી ગુંજી ઉઠ્યું છે.
દિવાળી વેકેશનની રજાઓ માણવા માટે પર્યટન સ્થળ માઉન્ટ આબુ ખાતે મોટી સંખ્યામાં ગુજરાતી પ્રવાસીઓનું આગમન થતાં સમગ્ર હિલ સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. નક્કી લેક, અધર દેવી, દેલવાડા જૈન મંદિર અને ગુરુશિખર જેવા મુખ્ય પર્યટન સ્થળો પર પ્રવાસીઓ ઉમટી પડ્યા છે, જેના કારણે રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. પ્રવાસીઓના ભારે ધસારાને પગલે તમામ હોટેલ અને અન્ય સુવિધાઓ હાઉસફુલ થઈ ગઈ છે, ત્યારે ખાણીપીણીથી લઈને હોટેલના ભાડા વધુ વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે. રહેવાની વ્યવસ્થા ન મળતા અને ભારે ભીડના કારણે અનેક પ્રવાસીઓ રોકાયા વગર જ પરત ફરવા મજબૂર બન્યા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વર્ષે અલનીનોની અસરને કારણે રાજ્યમાં શિયાળાની ઋતુ દરમિયાન પણ ઠંડીનું પ્રમાણ ઓછું રહેશે, જેની સીધી અસર રવીપાક પર થવાની શક્યતા છે. ખાસ કરીને બટાકા, જીરું, ઘઉં અને મસાલાના પાકને આ બદલાતા હવામાનથી નુકસાન થઈ શકે છે. વધુમાં, આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે, જ્યારે 16 નવેમ્બરથી બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાવાની અને 18 નવેમ્બરે વાવાઝોડું બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વાતાવરણીય પલટાની અસર રાજ્યના મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લાઓમાં જોવા મળે તેવી સંભાવના છે.
રાજકોટ શહેરને હેમુ ગઢવી હોલ બાદ હવે વધુ એક અદ્યતન સભાગૃહ મળવા જઈ રહ્યો છે, કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઓડિટોરિયમ હવે જાહેર જનતાને પણ ભાડે આપવાનો નિર્ણય લેવાયો છે. અંદાજે 11.91 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલો આ ઓડિટોરિયમ એકસાથે 953 લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત, અહીં મુલાકાતીઓની સુવિધા માટે 150થી વધુ કાર અને 300 ટુ-વ્હીલર પાર્ક થઈ શકે તેવી વિશાળ પાર્કિંગ વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. જોકે, આ ઓડિટોરિયમને જાહેર જનતાના ઉપયોગ માટે ખુલ્લો મૂકતા પહેલાં સક્ષમ સત્તામંડળની જરૂરી મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
સુરતના ડીંડોલી વિસ્તારમાં વાલીઓ માટે લાલબત્તી સમાન એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જ્યાં એક નવનિર્મિત બાંધકામ સાઈટ પરથી નીચે પટકાતા બે વર્ષની માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રક્ષા રાઠવા નામની આ બાળકી બિલ્ડિંગના બીજા માળે રમી રહી હતી તે દરમિયાન અકસ્માતે નીચે પટકાઈ હતી. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. હાલ પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વાવ-થરાદ વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની અસરથી 44 ગાયોના કરુણ મોત નીપજ્યાની ઘટના બાદ 'ગાયની બેન' તરીકેનું બિરુદ પામેલા સાંસદ ગેનીબેન ઠાકોરે ધરણીધર ગૌશાળાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં ગૌશાળાના સંચાલકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી અને ભવિષ્યમાં ફરી આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે જરૂરી તકેદારી રાખવા અંગે ચર્ચા કરી હતી. આ સાથે જ ગેનીબેને ગૌશાળાના વિકાસ અને વ્યવસ્થાપન માટે પોતાની સાંસદ ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયાની આર્થિક સહાય પણ અર્પણ કરી હતી.
વડોદરાના બાજવા અન્ડરપાસ પર અંદાજે રૂપિયા 80 કરોડના જંગી ખર્ચે એક નવો અને આધુનિક રેલવે ઓવરબ્રિજ સાકાર થવા જઈ રહ્યો છે, જેનાથી ચોમાસામાં અન્ડરપાસમાં પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનો કાયમી અંત આવશે. 880 મીટર લાંબો અને 11.50 મીટર પહોળો બનનારો આ 3 લેન બ્રિજ ભૂકંપ સામે સુરક્ષા માટે M-40 ગ્રેડના સિસ્મિક અરેસ્ટર જેવી આધુનિક ટેકનોલોજીથી સજ્જ હશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થવાથી GSFC, IOCL રિફાઇનરી અને IPCL જેવી દિગ્ગજ કંપનીઓની કનેક્ટિવિટી વધુ સરળ બનશે તેમજ ગોરવા GIDC અને દુમાડ-સમા વિસ્તારને ટ્રાફિક મુક્ત સીધી લિંક મળશે. હાલમાં આ પ્રોજેક્ટ માટે રેલવે વિભાગ સાથે મંજૂરી અને સંકલનની પ્રક્રિયા ચાલી રહી છે અને મંજૂરી મળતાની સાથે જ બ્રિજનું પ્રત્યક્ષ બાંધકામ શરૂ કરી દેવામાં આવશે.
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના આકલાચા ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાતા બે યુવાનોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક યુવાનો દસ્ક્રોઇ તાલુકાના વાંચ ગામે માતાજીના માંડવા નિમિત્તે યોજાયેલ લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોરના કાર્યક્રમમાં હાજરી આપીને વહેલી સવારે બાઈક પર પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. આ ભયાનક અકસ્માતનો વીડિયો નજીકના સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે, જેમાં જોઈ શકાય છે કે આગળ થયેલા આ અકસ્માતને પોતાની નજરે જોતાં પાછળથી આવી રહેલા અન્ય એક બાઈક ચાલકે પણ ગભરાઈને સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. આ કરુણ અકસ્માતના પગલે બંને યુવાનોના ઘટનાસ્થળે જ મોત થતાં પરિવાર અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
નર્મદા જિલ્લામાં સનદ આપવાના વિવાદ અંગે આદિજાતિ મંત્રી નરેશ પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, નર્મદા જિલ્લાની લડતમાં સામેલ ગામો પણ સનદથી વંચિત નહીં રહે અને પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને સનદ મળશે. હાલમાં સનદ આપવાની પ્રક્રિયા અવિરત ચાલુ હોવાનો દાવો કરતાં મંત્રીએ ઉમેર્યું હતું કે, 7/12ની નોંધ બાકી હોય તેવા 450 લોકોને સનદ આપવામાં આવશે, તેમજ કુલ 18,825 લોકોને 7/12ની નોંધ સાથે અધિકાર પત્ર એનાયત કરવામાં આવશે.
દુનિયામાં કોરોના વાયરસના એક નવા વેરિઅન્ટ PJ. 2.1 એ દસ્તક દીધી છે, જેણે આખી દુનિયામાં ચિંતા વધારી દીધી છે. આ નવો વેરિઅન્ટ સૌપ્રથમ મે 2026માં કેનેડામાં મળી આવ્યો હતો અને ત્યારબાદ અમેરિકા, યુરોપ તથા ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં ઝડપથી ફેલાઈ ગયો છે. આ વાયરસમાં અત્યંત પરિવર્તિત સ્પાઈક પ્રોટીન જોવા મળ્યું છે અને તેની એન્ટિબોડીઝથી બચવાની ક્ષમતા સામાન્ય છે. તાવ, શરદી, ઉધરસ, ગળામાં દુખાવો અને થાક તેના મુખ્ય લક્ષણો છે. જોકે, રાહતની વાત એ છે કે આ અગાઉના વેરિઅન્ટ કરતાં વધુ ખતરનાક હોવાના કોઈ નક્કર પુરાવા નથી અને WHOએ પણ હજુ સુધી તેને ચિંતાજનક વેરિઅન્ટ ગણાવ્યો નથી. વળી, ભારતમાં આ નવા વેરિઅન્ટની હાજરી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને એક પણ કેસ નોંધાયો નથી. વૈજ્ઞાનિકો દ્વારા આના પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, ત્યારે નિષ્ણાતોના મતે ડરવાને બદલે સાવચેતી અને સતર્કતા રાખવી અત્યંત જરૂરી છે.
ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. અમદાવાદના જમાલપુર વિસ્તારનો મેમણ પરિવાર કાર લઈને અમદાવાદથી ભાવનગર તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન પીપળી ગામ પાસે કારચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડની સાઈડમાં પલટી ગઈ, આ અકસ્માતમાં પતિ-પત્નીના મોત નીપજ્યા છે, જ્યારે તેમની 8 વર્ષીય દીકરી સહિત 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સેમ પિત્રોડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના 'ગુજરાતી મિત્ર' ગણાવીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. આ શુભેચ્છાના પ્રત્યુત્તરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એટલી જ ઉષ્માપૂર્વક જવાબ આપતા પોતાના સંદેશમાં તેમને 'સેમભાઈ' કહીને સંબોધિત કર્યા હતા. PM મોદીએ સેમ પિત્રોડા તેમજ તેમના સમગ્ર પરિવારને દિવાળીના પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવીને સૌહાર્દપૂર્ણ સંબંધોનો પરિચય આપ્યો હતો.