ગુજરાતના ટુરિઝમને મળશે નવી ઉડાન! હોમસ્ટેથી HYROX ઈવેન્ટ સુધી હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાતો
Gujarat Tourism : GIFT સિટીમાં વર્લ્ડ ટુરિઝમ ડેની ઉજવણી દરમિયાન હર્ષ સંઘવીએ ગુજરાતના પ્રવાસન વિકાસ માટે સ્વચ્છતા, સોફ્ટ સ્કિલ્સ, હોમસ્ટે અને ગ્રામ્ય પ્રવાસન પર ભાર મૂક્યો. સ્થાનિક સંસ્કૃતિ અને તહેવારોને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવા ટુર ઓપરેટરોને અપીલ કરી. તો નવેમ્બરમાં ગાંધીનગરમાં યોજાનારી HYROX ઈવેન્ટ માટે ખાસ ટુર પેકેજ તૈયાર કરવા પણ સૂચન કર્યું.
Gujarat Tourism : GIFT સિટી ક્લબ ખાતે પ્રવાસન વિભાગ દ્વારા વર્લ્ડ ટુરિઝમ ડે-2026ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીત ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રના વિકાસ, નવી તકો અને સ્થાનિક સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે પહોંચાડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને સોફ્ટ સ્કિલ્સ પર ભાર
કાર્યક્રમને સંબોધતા હર્ષ સંઘવીએ ગુજરાતના ટુરિઝમ સેક્ટરના વિકાસ માટે સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને સોફ્ટ સ્કિલ્સ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે આ ત્રણેય બાબતો પર સાથે મળીને કામ કરવામાં આવે તો ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર ઝડપથી આગળ વધી શકે છે. પ્રવાસન સ્થળોની સ્વચ્છતા જાળવવામાં સરકારની સાથે નાગરિકોની પણ મહત્વપૂર્ણ જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું.
હોમસ્ટે અને ગ્રામ્ય પ્રવાસનને પ્રોત્સાહન
હર્ષ સંઘવીએ હોમસ્ટે અને ગ્રામ્ય પ્રવાસનને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. પસંદગીના ગામોમાં હોમસ્ટે વિકસાવી તેના સંચાલકોને પ્રવાસીઓ સાથે વ્યવહારની તાલીમ આપવા સૂચન કરવામાં આવ્યું છે. સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરા જાળવીને આધુનિક સુવિધાઓ સાથે હોમસ્ટે વિકસાવવામાં આવે તથા સરકારની નીતિ હેઠળ જરૂરી મદદ પૂરી પાડવામાં આવે તેવી વાત પણ તેમણે કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે ટ્રાઇબલ વિસ્તાર, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને સરહદી ગામોની સંસ્કૃતિમાં પ્રવાસીઓ રસ ધરાવે છે. ગુજરાતના ગામડાઓની પરંપરા અને સ્થાનિક ઉત્સવોને પ્રવાસન સાથે જોડવાથી નવા વ્યવસાય અને રોજગારીની તકો ઊભી થઈ શકે છે.
કાઇટ ફેસ્ટિવલ અને સ્થાનિક ઉત્સવો માટે નવા ટુર પેકેજ
પ્રવાસીઓ ગુજરાતમાં વધુ સમય રોકાય તે માટે નવા પ્રવાસન પેકેજ અને બિઝનેસ પ્લાન સાથે આગળ આવવા ટુર ઓપરેટરોને અપીલ કરવામાં આવી હતી. કાઇટ ફેસ્ટિવલ, નવરાત્રી અને હોળી જેવા ઉત્સવોને આસપાસના જિલ્લાઓના પ્રવાસન સ્થળો સાથે જોડતા પેકેજ તૈયાર કરવા પણ સૂચન કરાયું હતું.
છોટા ઉદેપુર અને કવાંટની હોળી જેવા સ્થાનિક ઉત્સવોનું વૈશ્વિક સ્તરે બ્રાન્ડિંગ કરવા તેમજ વિદેશી ટુર ઓપરેટરો સાથે ભાગીદારી કરવા ગુજરાતના ટુર ઓપરેટરોને અપીલ કરવામાં આવી હતી. નાના ગામડાઓમાં કામ કરતા ટુર ઓપરેટરોને પણ સરકારી યોજનાઓનો લાભ મળે તે દિશામાં કામ કરવા પર ભાર મૂકાયો હતો.
નવેમ્બરમાં ગાંધીનગરમાં HYROX ઈવેન્ટ
આ ઉપરાંત હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં નવેમ્બરમાં યોજાનારી HYROX ઈવેન્ટ અંગે પણ મહત્વની જાહેરાત કરી હતી. 26, 27 અને 28 નવેમ્બરે યોજાનારી આ ઈવેન્ટમાં અંદાજે 8થી 10 હજાર પ્રવાસીઓ ગાંધીનગર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 1,000થી વધુ વિદેશી એથ્લેટ્સ ભાગ લે તેવી અપેક્ષા પણ તેમણે વ્યક્ત કરી હતી.
HYROXમાં ભાગ લેનારા એથ્લેટ્સને ગુજરાતના મહેમાન ગણાવી તેમનું સ્વાગત કરવા સાથે ટુર ઓપરેટરોને ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળો માટે ખાસ ટુર પેકેજ તૈયાર કરવા અપીલ કરાઈ હતી. HYROXની વેબસાઇટ મારફતે પ્રવાસીઓને ડિસ્કાઉન્ટેડ ટુર પેકેજ ઉપલબ્ધ કરાવવા અંગે પણ સૂચન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં યોજાનારી HYROX ઈવેન્ટ દરમિયાન ત્રણેય દિવસ સાંજે ગુજરાત સરકાર દ્વારા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.