SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

18 વર્ષની ઉંમરે કમાલ: ગુજરાતના Gen Z યુવાને ₹80 કરોડના રોકાણ સાથે સેમિકન્ડક્ટર ક્ષેત્રે કરી ધમાકેદાર એન્ટ્રી

ધોલેરા ITI ખાતે સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે ભારતનો પ્રથમ UHP વેલ્ડિંગ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. MeitY અને DST ગુજરાતના સહયોગથી IIT ગાંધીનગરમાં અદ્યતન સેમિકન્ડક્ટર ઉત્પાદન સંશોધન અને તાલીમ માટે સમર્થ કેન્દ્રની સ્થાપના પણ કરવામાં આવી છે.

Written By Gokani Dhaval
Published: Sep 27, 2026, 03:53 PM IST | Updated: Sep 27, 2026, 03:57 PM IST
Join

18 વર્ષની ઉંમરે જ્યારે આજના મોટાભાગના યુવાનો આંત્રપ્રિન્યોર્સ AI, એપ્લિકેશન્સ અને ડિજિટલ ક્ષેત્રે ખેડાણ કરતા હોય છે, ત્યારે ગુજરાતના યુવાને ‘પ્રિસિઝન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ’ દ્વારા એક અલગ કેડી કંડારવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદના રેહાન મન્સુરીએ માઇક્રોનેક્સ (Micronex)  સ્ટાર્ટઅપ સાથે આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. આ સ્ટાર્ટઅપ સાણંદમાં લીડ ફ્રેમ્સનું નિર્માણ કરશે, જે ખૂબ જ પાતળી ધાતુની ફ્રેમ હોય છે અને સેમિકન્ડક્ટર ચિપ નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

સપ્ટેમ્બર 17થી 19 દરમિયાન નવી દિલ્હીમાં આયોજિત ‘સેમિકોન ઇન્ડિયા 2026’ કાર્યક્રમમાં માઇક્રોનેક્સ (Micronex) અને કેઈન્સ સેમિકોન વચ્ચે વ્યવસાયિક ભાગીદારી માટે MoU કરવામાં આવ્યા છે, જેના દ્વારા આ સ્ટાર્ટઅપ માટે સેમિકન્ડક્ટર કંપનીઓ માટે લીડ ફ્રેમ સપ્લાય કરવાની તક ખુલી છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં જ્યારે સેમિકન્ડક્ટર ક્ષેત્ર મજબૂત બની રહ્યુ છે ત્યારે તેમાં હવે યુવાનો માટે નવી સંભાવનાઓ ખુલી ગઈ છે.

₹80 કરોડનુ રોકાણ, 250 લોકોને પ્રત્યક્ષ રોજગારી
પ્રથમ તબક્કામાં ₹80 કરોડના રોકાણ સાથે સાણંદ ઔદ્યોગિક વસાહતમાં આ સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવશે. રેહાનના જણાવ્યા અનુસાર, “પ્રથમ તબક્કામાં આ ફેક્ટરીમાં વાર્ષિક 50 કરોડ લીડ ફ્રેમ યુનિટ બનાવવામાં આવશે. ફેક્ટરી માટે બાંધકામની કામગીરી શરૂ થઈ ગઇ છે અને મે 2027 સુધીમાં ઉત્પાદન શરૂ કરવાનો અમારો ટાર્ગેટ છે. ફેક્ટરી શરૂ થયા બાદ 250 જેટલા યુવાનોને સીધી રોજગારીની તકો ઉપલબ્ધ થશે. અમે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 અંતર્ગત પ્રસ્તાવ રજૂ કરીશું.” આ સ્ટાર્ટઅપ શરૂઆતમાં પાવર ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોટિવ ક્ષેત્રને ટાર્ગેટ કરશે. વ્યવસાયિક ક્ષમતામાં વધારો થયા બાદ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ ક્ષેત્ર સુધી વિસ્તરણ કરવાનું આયોજન છે.

શું હોય છે લીડ ફ્રેમ ?
લીડ ફ્રેમ એક ધાતુની ફ્રેમ હોય છે, જે સેમિકન્ડક્ટર ચિપને સપોર્ટ આપે છે. ચિપમાં રહેલા વાળથી પણ પાતળા ગોલ્ડ અને તાંબાના તાર આ ફ્રેમના લીડ્સ સાથે જોડાઈ જાય છે અને ત્યારબાદ તે સર્કિટ બોર્ડ પર કનેક્ટ થઈ શકે છે. લીડ ફ્રેમ પર લગાવ્યા વિના ચિપને સર્કિટ બોર્ડ પર જોડી શકાતી નથી. માઇક્રોનેક્સ તાંબાની મિશ્રધાતુ (કૉપર એલોય)ની લીડ ફ્રેમ બનાવશે, જેની જાડાઈ 0.1–0.25 mm (0.1 mm એટલે એક A4 સાઈઝના પેપર જેટલી જાડાઈ) રહેશે. લીડ ફ્રેમ ચિપને મજબૂત આધાર આપે છે, ગરમીને બહાર કાઢવામાં મદદ કરે છે, ઉત્પાદન સમયે ચિપને સુરક્ષિત રાખે છે અને ડિઝાઇનની ફ્લેક્સિબિલિટી આપે છે.

સેમિકન્ડક્ટર કંપનીઓને ઘર આંગણે મળશે માલ, કંપનીનો પ્લસ પોઈન્ટ
ચીનના સસ્તા માલ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ કંપનીઓ સાથે કિંમત, ગુણવત્તા અને સ્કેલ બાબતે સ્પર્ધા વિશે પૂછ્યું ત્યારે રેહાને જણાવ્યું કે, “અમે અત્યારે આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે સ્પર્ધા તરીકે વિચારી નથી રહ્યા. અમે અત્યારે જરૂરી ટેક્નિકલ અને ગુણવત્તા ધોરણો પ્રસ્થાપિત થાય તેના પર કામ કરી રહ્યા છીએ. અમે ઉત્પાદકો સાથે ટુલિંગ, સેમ્પલિંગ અને ડિઝાઈનમાં ફેરબદલ માટે સીધી રીતે જોડાઈ શકીશું. કંપનીની ઇન્વેન્ટરીની જરૂરિયાતોને સારી રીતે પૂરી કરવામાં આવશે અને ઇમ્પોર્ટમાં જે  સમય લાગે છે, તે બચી જશે. અમારો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય ગુણવત્તા અનુસારનો માલ સ્થાનિક સ્તરે જ આપવાનો છે, જેથી કંપનીઓની આયાત પર નિર્ભરતા ઘટે અને લોકલ મેન્યુફેક્ચરિંગને વધારી શકાય.”  

રેહાન એક બિઝનેસ ફેમિલિમાંથી આવે છે. તેમનો પરિવાર પ્લાસ્ટિક વેસ્ટ રિસાઇક્લિંગ ક્ષેત્રે કાર્યરત છે, જેમના સમગ્ર દેશમાં સાત રિસાઇક્લિંગ યુનિટ છે. તેથી રેહાનને શરૂઆતથી જ બિઝનેસનું વાતાવરણ મળ્યું છે. જોકે આજના સમયમાં જ્યારે યુવાનો AI અને ડિજિટલ ક્ષેત્રે કંઈક નવું કરતા હોય છે, ત્યારે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ઝંપલાવવા વિશે રેહાન કહે છે, “આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત મોટા પાયે આ ક્ષેત્રમાં રોકાણ કરી રહ્યું છે. હજુ આ ક્ષેત્ર વિકસિત થઈ રહ્યું છે અને તેની સપ્લાય ચેઈનમાં ઘણા ગેપ મારા ધ્યાને આવ્યા હતા. તેમાં ખાસ કરીને લીડ ફ્રેમનો ગેપ મને જોવા મળ્યો, તેથી મને લાગ્યું કે તે સપ્લાયની ક્ષમતા અહીં મજબૂત કરવી જોઇએ. ગુજરાતમાં મોટા પાયે વિકસિત થઈ રહેલી સેમિક્ન્ડક્ટર ક્ષમતા પણ અમારા આ નિર્ણયમાં મહત્વપૂર્ણ હતી. સાણંદમાં સેમિકન્ડક્ટર કંપનીઓની નજીક રહીને ઝડપથી લોજિસ્ટિક્સ, ડિલિવરી અને એન્જિનિયરિંગ સહયોગ પૂરો પાડી શકાય છે.”

ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ₹1.4 લાખ કરોડ જેટલું રોકાણ
રાજ્યમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ₹1.4 લાખ કરોડ જેટલું રોકાણ આવ્યું છે. ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા કુલ 12 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાંથી 6 પ્રોજેક્ટ્સ ગુજરાતમાં છે. આ આંકડો માત્ર રોકાણની દૃષ્ટિએ જ નહીં, પરંતુ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, એસેમ્બલી, ટેસ્ટિંગ, પેકેજિંગ, ડિઝાઇન અને સંશોધન ક્ષેત્રે ગુજરાતની વધતી ક્ષમતાનો પણ પુરાવો છે.

સેમિકન્ડક્ટર સાથે કૌશલ્ય વિકાસ અને સંશોધનને પણ વેગ
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે સેમિકન્ડક્ટર ક્ષેત્રે માત્ર રોકાણ મેળવવા પર જ ધ્યાન નથી આપ્યું, પરંતુ જરૂરી કૌશલ્ય ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા પર પણ ભાર મૂક્યો છે. PDEU દ્વારા માઇક્રોન ટેક્નોલોજીના સહયોગથી ATMP તાલીમ કેન્દ્ર વિકસાવવામાં આવી રહ્યું છે. GTU ખાતે ChipIN એક્સ્ટેન્શન સેન્ટર અને સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવામાં આવી રહી છે, જ્યાં વિદ્યાર્થીઓને VLSI ડિઝાઇન અને ચિપ ડિઝાઇનની સમગ્ર પ્રક્રિયાની તાલીમ મળશે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES