Gandhinagar : દિવાળીના તહેવાર પહેલા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દહેગામના દેવકરણના મુવાડા ગામે માતા અને તેના ત્રણ વર્ષના માસૂમ પુત્રના મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મૃતક મહિલાની ઓળખ ભગવતીબેન તરીકે થઈ છે, જ્યારે તેમના ત્રણ વર્ષના પુત્રનું નામ પ્રિન્સરાજ હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક વિગતો મુજબ, આ ઘટના 2 નવેમ્બરની વહેલી સવારે બની હોવાનું સામે આવ્યું છે. નોકરીએ જવા બાબતે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હોવાની માહિતી સામે આવી છે. મૃતક ભગવતીબેનના પતિ નિકુલસિંહ ઝોમેટોમાં નોકરી કરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પરિવારજનો દ્વારા માતા અને બાળકની શોધખોળ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ગામ નજીક આવેલા તળાવ પાસે બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. બંને બાવળના ઝાડ સાથે સાડી વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં પરિવારજનોમાં ભારે આઘાત ફેલાયો હતો. એકસાથે માતા અને ત્રણ વર્ષના માસૂમ બાળકના મોતની ઘટનાથી ગામમાં પણ શોકનો માહોલ છવાયો છે.
ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે દહેગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
પરિવારજનોની ફરિયાદના આધારે દહેગામ પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પતિ-પત્ની વચ્ચે થયેલી બોલાચાલી અને ત્યારબાદ બનેલી આ કરુણ ઘટના પાછળ પોલીસ તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ ઘટનાની વધુ વિગતો સ્પષ્ટ થશે.
દિવાળીના તહેવાર વચ્ચે માતા અને માસૂમ પુત્રના મોતની ઘટનાએ સમગ્ર દેવકરણના મુવાડા ગામને હચમચાવી દીધું છે. તો પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.