વડોદરાવાસીઓ માટે દર ચોમાસે ચિંતાનું કારણ બનતી વિશ્વામિત્રી નદી... 2024ના વિનાશક પૂરમાં હજારો પરિવારોને મુશ્કેલીમાં મૂક્યા બાદ સરકારે કરોડો રૂપિયાના ખર્ચે નદીને પૂરથી સુરક્ષિત કરવાનો વાયદો કર્યો હતો. પરંતુ અઢી વર્ષ બાદ પણ અનેક મહત્ત્વપૂર્ણ કામો અધૂરાં છે. ક્યાંક કામ શરૂ જ નથી થયું, તો ક્યાંક કરોડોના પ્રોજેક્ટ માત્ર કાગળ પર છે. સવાલ એ છે કે વિશ્વામિત્રીને પૂરમુક્ત બનાવવાનો પ્રોજેક્ટ ખરેખર રિવાઇવ થઈ રહ્યો છે કે પછી સરકારી દાવાઓમાં જ અટવાયો છે?... જોઈએ આ વિશેષ અહેવાલ...
ઓગસ્ટ 2024... વડોદરાના લોકો આ પૂર ભૂલ્યા નથી. હજારો પરિવારોએ ભારે હાલાકી વેઠી. ત્યારબાદ સરકારે 1200 કરોડની જાહેરાત કરી અને નવલવાલા કમિટી બનાવી. કમિટીએ ટૂંકા ગાળાના 11 સૂચનો 6 મહિનાથી એક વર્ષમાં પૂરા કરવા કહ્યું હતું. પણ અઢી વર્ષ વીત્યા છતાં 3 મહત્વના કામો હજી શરૂ જ નથી થયા, અને લાંબા ગાળાના 4 સૂચનો તો પ્રારંભિક તબક્કામાં પણ નથી પહોંચ્યા.
લોકોનો સીધો આક્ષેપ છે કે કોર્પોરેશન અને સરકારે જનતાને માત્ર મૂર્ખ બનાવી છે. નદી ઊંડી-પહોળી કરવાના નામે માટી વેચીને મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ આરોપ છે. વિપક્ષ પણ આ જ સવાલ ઉઠાવી રહ્યો છે.
જોકે પાલિકાનો દાવો છે કે ટૂંકા ગાળાના 11 માંથી 8 સૂચનો પર કામ પૂર્ણ થઈ ગયું છે, અને લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ માટે પ્રક્રિયા ચાલુ છે.
દર ચોમાસે વડોદરાવાસીઓ પાણી ભરાવાની દહેશતમાં જીવે છે. કરોડોના ખર્ચ છતાં જો કામો સમયસર પૂરા નહીં થાય, તો તંત્રના દાવાઓ કાગળ પર જ રહી જશે. હવે જોવું એ રહ્યું કે આ મંથર ગતિને વેગ આપીને વડોદરાને કાયમી સુરક્ષા ક્યારે મળે છે?