વાંકાનેરમાં મુસાફરોના જીવ સાથે ગંભીર ચેડાં: રેલવે બ્રિજ નીચેથી જોખમી રીતે પસાર કરાયો પવનચક્કીના પાંખિયા ભરેલા તોતિંગ ટ્રક, VIDEO વાયરલ
Morbi News: મોરબી જિલ્લાના વાંકાનેરમાંથી પસાર થતા નેશનલ હાઈ-વે પર લોકોના જીવ જોખમમાં મૂકતી એક ગંભીર ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રેલવે બ્રિજ નીચેથી જોખમી રીતે પસાર થતા એક ટ્રકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટ્રકમાં ટાયરની હવા ઓછી કરી તોતિંગ ટ્રક પસાર કરાય છે. વાંકાનેરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચારેબાજુ ચર્ચાઓ શરૂ થઈ છે.
Morbi News: મોરબી જિલ્લાના વાંકાનેરમાંથી પસાર થતા નેશનલ હાઈ-વે પર લોકોના જીવ જોખમમાં મૂકાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. જેમાં કિલોમીટર અને પરિવહન ખર્ચ બચાવવાની લાલસામાં એક તોતિંગ ટ્રકમાં લઈ જવાતા પવનચક્કીના વિશાળ પાંખિયા રેલવેના લોખંડના બ્રિજ નીચેથી અત્યંત જોખમી રીતે પસાર કરવામાં આવી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ટાયરની હવા ઓછી કરી, રેલવે મીટર ગેજ સાથે પણ ચેડાં કરાયા હોવાનો આરોપ
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રાત્રિના અંધારામાં પવનચક્કીના પાંખિયા ભરેલા મહાકાય ટ્રકને બ્રિજ નીચેથી કાઢવા માટે ટ્રકના ટાયરની હવા ઓછી કરી દેવામાં આવે છે. એટલું જ નહીં, રેલવેના લોખંડના બ્રિજની ઊંચાઈ અને સલામતી માટે લગાવવામાં આવેલા 'રેલવે મીટર ગેજ' સાથે પણ ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.
ઉપરથી ટ્રેન પસાર થતી હતી અને નીચેથી જોખમી ટ્રક
આ ઘટનાની સૌથી ભયાનક વાત એ છે કે, જ્યારે ટાયરની હવા ઓછી કરીને આ તોતિંગ ટ્રક બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે બરાબર તે જ સમયે બ્રિજની ઉપરના પાટા પરથી એક ટ્રેન પણ પસાર થઈ રહી હતી. જો ટ્રકનો ઉપરનો ભાગ લોખંડના બ્રિજ સાથે અથડાયો હોત અને બ્રિજને નુકસાન થયું હોત, તો મોટી રેલવે દુર્ઘટના સર્જાઈ હોત અને સેંકડો નિર્દોષ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હોત.
સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ મૌન સામે ઉઠી રહ્યા છે સવાલ
માત્ર થોડા કિલોમીટર બચાવવાની લાલસા અને ખર્ચ ઘટાડવા માટે ટ્રાન્સપોર્ટરો દ્વારા આ પ્રકારનું જીવલેણ જોખમ લેવામાં આવી રહ્યું છે. રાત્રિ દરમિયાન ચાલતા આ જોખમી ખેલનો વીડિયો વાયરલ થવા છતાં હાલ રેલવે વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ મૌન સેવી રહ્યા છે. સ્થાનિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, જો આ બેદરકારીના કારણે રેલવેનો પુલ તૂટે કે કોઈ મોટી જાનહાનિ થાય, તો તેની જવાબદારી કોણ લેશે?