ગૌશાળામાં મોતનું તાંડવ! વાવ થરાદના ચાંગડામાં એકસાથે 44 ગાયોનાં મોતથી હાહાકાર
Vav Tharad : વાવ-થરાદના રાહ તાલુકાના ચાંગડા ગામે આવેલી ધરણીધર ગૌશાળામાં એકસાથે 44 ગાયોનાં કરુણ મોત થયા હોવાની ઘટના સામે આવી છે. લીલો ઘાસચારો ખાધા બાદ 90થી વધુ ગાયોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. 40થી વધુ ગાયોને પશુચિકિત્સકોની ટીમે સારવાર આપીને બચાવી લીધી છે.
Vav Tharad : વાવ-થરાદ જિલ્લાના રાહ તાલુકાના ચાંગડા ગામે આવેલી ધરણીધર ગૌશાળામાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગૌશાળામાં એકસાથે મોટી સંખ્યામાં ગાયોના મોત થતાં ગૌપ્રેમીઓ અને ગૌશાળાના ટ્રસ્ટીઓમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. પ્રાથમિક માહિતી મુજબ, ગૌશાળામાં 90થી વધુ ગાયોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની આશંકા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં એકસાથે 44 ગાયોનાં કરુણ મોત નિપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.
44 ગાયોનાં મોત થતાં ગૌશાળામાં માતમ
મળતી માહિતી મુજબ, ચાંગડા ગામની ધરણીધર ગૌશાળામાં ગાયોએ મકાઈનો લીલો ઘાસચારો ખાધા બાદ અચાનક ગાયો બિમાર પડવા લાગી હતી. એક પછી એક ગાયોમાં ફૂડ પોઈઝનિંગ જેવાં લક્ષણો જોવા મળતાં ગૌશાળાના સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં 90થી વધુ ગાયોને અસર થઈ હોવાનું સામે આવ્યું હતું. જેમાંથી 44 ગાયોનાં મોત થતાં ગૌશાળામાં માતમ છવાઈ ગયો હતો.
ખંભાતમાં ઓનર કિલિંગની ચોંકાવનારી ઘટના, પ્રેમસંબંધના વહેમમાં પિતાએ જ પુત્રીને પતાવી દીધી
40થી વધુ ગાયોને બચાવી
ઘટનાની જાણ થતાં પશુચિકિત્સકોની ટીમ તાત્કાલિક ગૌશાળા ખાતે પહોંચી હતી અને અસરગ્રસ્ત ગાયોની સારવાર શરૂ કરી હતી. પશુચિકિત્સકોની ટીમે સમયસર સારવાર આપીને 40થી વધુ ગાયોને બચાવી લીધી હતી. બીજી તરફ, ઘટનાની જાણ વાયુવેગે ફેલાતાં મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ ગૌશાળા ખાતે દોડી આવ્યા હતા. ગાયોનાં એકસાથે થયેલાં મોતથી ગૌપ્રેમીઓમાં ભારે દુઃખ અને આક્રોશ જોવા મળ્યો હતો. મૃત ગાયોની ગૌપ્રેમીઓ દ્વારા ગૌશાળા ખાતે જ દફનવિધિ કરવામાં આવી રહી છે.
ગાયોનાં મોતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી
આટલી મોટી સંખ્યામાં ગાયોનાં મોતની ઘટના બનતાં ગૌશાળાના ટ્રસ્ટીઓ પણ ચિંતામાં મુકાયા છે. હાલ ગાયોનાં મોત પાછળ મકાઈના લીલા ઘાસચારાને કારણે ફૂડ પોઈઝનિંગ થયું હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ગાયોનાં મોતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
ઘટનાનું સાચું કારણ જાણવા માટે કેટલીક મૃત ગાયોનાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ ઘાસચારામાં કયા પ્રકારનું ઝેરી તત્ત્વ હતું અને તેના કારણે જ ગાયોનાં મોત થયાં છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ અને તપાસના રિપોર્ટ બાદ જ ગાયોનાં સામૂહિક મોત પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે.